આપણા દેશમાં એવી અનેક જગ્યાઓ છે, જ્યાં જઇને મન પ્રફુલ્લિત થઇ જાય. સિમેન્ટનાં જંગલોમાં ઘૂંટાતા આપણે ફરવા માટે કુદરત તરફ જવાનું વિચારીએ છીએ. આજે ઘર શોધતા લોકો ભલે જગ્યાના અભાવે ફ્લેટમાં રહેવા જતા હોય, પણ એ ફ્લેટની બહાર ગ્રીનરી કેટલી છે એ જોતા થયા છે. માણસો કુદરતને બગાડે છે અને રિલેક્સ થવા કુદરતના શરણે જ જાય છે. આ કડવું સત્ય છે. કુદરતી દૃશ્યોથી અંજાઇ જતા આપણે કુદરતને બગાડતા કે અસ્વચ્છતા ફેલાવતા એક ક્ષણનોય વિચાર નથી કરતા. ખૈર, આપણે વાત કરી રહ્યા છીએ ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની જગ્યાઓ વિશે. એવી જગ્યાઓ જે બહુ ચર્ચાયેલી નથી, પણ અત્યંત સુંદર છે. આ તમામ જગ્યાઓ ઓફબીટ છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. જો તમે રૂટિનથી કંટાળીને માત્ર શાંતિની શોધમાં ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ઓફબીટ જગ્યાઓ પસંદ કરો, જેથી ફરીને આવ્યા પછી મગજ સંપૂર્ણપણે ડિટોક્સ અને રિલેક્સ થઇ ગયું હોય.
સીસુ
હિમાચલની લાહોલ વેલીમાં આવેલું સીસુ ગામ અત્યંત રમણીય છે. આ જગ્યા મનાલીથી 40 કિમી દૂર વસેલી છે. અહીં કુલુ, મનાલી, ધરમશાલા અને શિમલાની સરખામણીએ પર્યટકોની સંખ્યા ઓછી જોવા મળશે. આપણે મોટાભાગે હિમાચલ જઇએ એટલે પેકેજ બુક કરાવીને જ જતા હોઇએ છીએ. આ પેકેજમાં સ્પેસિફિકલી અમુક ગામ કે શહેર નક્કી હોય, ત્યાં રહેવાનું અને ત્યાંથી જ આસપાસની નક્કી કરેલી જગ્યાઓ ફરવાની. રોજ સવારે કાર આવી જાય અને એ તમને આખા દિવસમાં આમથી તેમ ફેરવીને શક્ય હોય એટલી જગ્યાઓ બતાવી દે. રાત્રે તમે જ્યારે હોટલ ઉપર પહોંચ્યા હોવ ત્યારે થાક એટલો હોય કે જે જગ્યાઓ જોવી છે ત્યાં ફરવાનો હરખ ક્યાંય ઓસરી ગયો હોય. આ ફરવાની ખોટી રીત છે. આપણે બધી જ જગ્યાએ ફરવાનો મોહ રાખીએ છીએ, પણ એમાં જગ્યાને માણવાના લહાવાને મિસ કરીએ છીએ. સીસુ શાંત અને સુંદર જગ્યા છે. અહીં આવીને બે દિવસ કુદરતના સાંનિધ્યમાં રહેશો તો સાચે જ અલૌકિક આનંદનો અનુભવ થશે. જો સીસુની આસપાસની જગ્યા ફરવી હોય તો સીસુ લેક, સીસુ હેલિપેડ, સીસુ મોનેસ્ટ્રી, અટલ ટનલ, લાહોલ વેલી, ઘેપાન લેક ટ્રેક વગેરે અત્યંત સુંદર જગ્યાઓ છે. અહીં સ્ટ્રીટ ફૂડ વખણાય છે. તમે ચંદ્રા રિવર ઉપર સમરના સમયે ટેન્ટ કેમ્પિંગની મજા પણ માણી શકો છો.
બિર
બિર એ હિમાચલ પ્રદેશનું એક નાનું ગામ છે, જે જોગિન્દર નગર વેલીમાં વસેલું છે. આ જગ્યા હિમાચલની સુંદર જગ્યાઓમાંની એક છે. અહીં ફરવા માટે પેરેગ્લાઇડિંગ ટેકઓફ સાઇટ છે જે બિલિંગમાં આવેલી છે. ડીર પાર્ક ઇન્સ્ટિટ્યૂટ છે, ચોકલિંગ મોનેસ્ટ્રી છે, બિર ટી ફેક્ટરી, શેરાબ લિંગ મોનેસ્ટ્રી, બિલિંગ વેલી વગેરે જગ્યાએ જવાની ખૂબ મજા આવશે.
ગુશૈની
ગુશૈની એ હિમાચલ પ્રદેશનું નાનકડું એવું ગામ છે, પણ આ નાનું ગામ તમારું મન મોહી લેવા માટે પૂરતું છે. અહીં મનાલી જેવી ભીડ નહીં જોવા મળે. અહીં તમને કુદરતનું સાંનિધ્ય અને શાંતિ જોવા મળશે. અહીં તમને માણસોનો અવાજ નહીં પણ નદીનો અવાજ સાંભળવા મળશે. અહીં હિમાચલની સ્વચ્છ અને ઠંડી હવાનો અનુભવ થશે. આ જગ્યા મામોથ નેશનલ પાર્કથી 10 કિમી દૂર છે. અહીં પાર્વતી રિવર, તીર્થન વેલી, હિમાલયન નેશનલ પાર્ક, સાર્લોસ્કર લેક, એન્શિઅન્ટ વૂડ હાઉસ વગેરે જગ્યાઓ છે જ્યાં જવાની તમને ખૂબ જ મજા આવશે. આ જગ્યાને સ્થાનિક લોકો ગોર્જિયસ ગુશૈની તરીકે પણ ઓળખે છે. અહીં જવા માટે શિયાળો અને ઉનાળો બંને સારો જ સમય છે. જો તમે ગ્રીનરીના શોખીન હોવ તો ઉનાળાના આ સમયમાં જવું અને જો તમે બરફની ચાદર જોવા માંગતા હોવ તો શિયાળાનો સમય પસંદ કરવો. અહીં જણાવેલી હિમાચલની બધી જ જગ્યાઓ ઓફબીટ છે. આ જગ્યાઓ ઓછી એક્સપ્લોર થતી જગ્યા છે એટલે ફરવાની ખૂબ જ મજા આવશે અને શાંતિ પણ મળશે. આપણે ભારતની બીજી ઓફબીટ જગ્યાઓ વિશે આવતા સપ્તાહમાં વાત કરીશું.