આપણે સામાજિક પ્રાણી છીએ એટલે આપણે એક યા અન્ય રીતે માણસો સાથે તો જોડાયેલા જ રહીએ છીએ. આવા સંજોગોમાં દરેક માણસ પાસે પોતાનું આગવું મગજ હોવાનું અને એ માણસ પાસે પોતાનું આગવું મંતવ્ય પણ હોવાનું. એટલે સ્વાભાવિક છે કે દરેક માણસ પોતાના મંતવ્યો કે પોતાના ગમા- અણગમા રજૂ કરે. બીજી તરફ લીડર એ વ્યક્તિ છે, જેણે સતત બીજા સાથે કે બીજા માટે કામ કરવાનું હોય છે. આખરે તેની જવાબદાતી કે તેનું કામ વિશાળ ફલક પર પથરાયેલું હોય છે. એવા સમયે લીડર માટે પોતાની સિસ્ટમ કે સંસ્થા કે પછી રાજ્ય અને દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલે એ અત્યંર મહત્ત્વનું છે. પરંતુ કેટલાય લીડર એવા હોય છે, જેઓ રાજ્ય કે દેશ કે સિસ્ટમનો વહીવટ યોગ્ય રીતે ચાલે એના કરતા તેની સામે આવતા વ્યક્તિગત આક્ષેપો કે વ્યક્તિગત વખાણને અત્યંત મહત્ત્વ આપતા હોય છે. જેને કારણે જ તેઓ સિસ્ટમ યોગ્ય રીતે ચલાવી શકતા નથી અને એક સમય એવો આવે છે, જ્યારે તેઓ પોતે જ સિસ્ટમમાંથી બહાર નીકળી જાય છે!
વળી, કેટલાક કિસ્સામાં એવું બને કે લીડર તેના આચરણમાં કોઈની પાસેથી આવતી ટીકા કે વખાણને અમલમાં નથી, મૂકતો પરંતુ એનાથી તે પ્રભાવિત અત્યંત થઈ જાય છે. આ કારણે ક્યાં તો લીડર નકારાત્મકતાથી ઘેરાઈ જાય છે અથવા તે છકી જાય છે! નીતિશાસ્ત્ર મુજબ તો આ પણ લીડરશીપ માટે અત્યંત જોખમી છે. એવા સમયે ભીષ્મ લીડરને લાખ રૂપિયાની સલાહ આપે છે. તેઓ કહે છે કે લીડર માટે લોકોનું મહત્ત્વ જરૂર હોવું જોઈએ, પરંતુ તેને મન લોકોના મંતવ્યોનું કશું મહત્ત્વ ન હોવું જોઈએ. જોકે અહીં એક ક્લોઝ એ પણ છે કે લોકોના મંતવ્યોના કદર નથી કરવાની એટલે એનો અર્થ એ નથી થતો કે લોકોના મંતવ્યો આવે ત્યારે એનો ઉડાઉ જવાબ આપવાનો!
મુદ્દો એ છે કે કોઈ પણ લીડરની જવાબદારી અને તેના કામ એકસાથે અનેક લોકોને આવરી લેતા હોય છે. એવા સમયે તે કોઈ પણ નિર્ણય લે અથવા કોઈ પણ પગલું ભરે એ કંઈ સર્વસમાવેશક નથી હોતું. એના દરેક પગલામાં કે દરેક નિર્ણયમાં છેલ્લે કંઈ નહીં તો કોઈ એકાદ જણને પણ અસંતોષ રહેવાનો જ છે. કારણ કે અગાઉ કહ્યું એમ દરેક જણ પાસે પોતાના અંગત ગમા- અણગમા અને માન્યતાઓ છે. આવા સમયે કોઈક તો એવું નીકળે જ કે તેને લીડરની માન્યતા સામે કે લીડરના નિર્ણય સામે વાંધો હોય. અને એ વ્યક્તિ તેનો વાંધો રજૂ પણ કરે! પરંતુ આવા કિસ્સામાં લીડરની ભૂમિકા એ રહે છે કે તેણે વાંધો વહેવારીક રીતે, કાયદાકીય રીતે કે નૈતીક રીતે કેટલો યોગ્ય છે એ ચકાસી લેવું. બાકી, માત્ર વાંધો છે એટલે સામેનો માણસ એલફેલ બોલે કે સામેનો માણસ ગમે એવું વર્તન કરે તો લીડરે કંઈ તેની સાથે ચર્ચા કે દલીલમાં નથી ઉતરવાનું. કે તેનો વાંધો કેમ ખોટો છે એ સમજાવવા નહીં બેસવાનું.
નહીંતર આવા તો સત્તર વાંધા લીડરની સામે આવશે. તો લીડર આ બધા પાછળ કેટલો સમય બગાડશે? અને ખાસ તો આવા પ્રતિભાવોનું મંનોરંજન કરતા લીડરનો સમય કેટલો બરબાદ થશે? તે શું આખો દિવસ કે આખો સમયા લોકોને શું ગમ્યું, શું ન ગમ્યું અને ન ગમ્યું તો એ પાછળ લીડરનો શું વિચાર છે એ બધુ સાબિત કરવા માટે બેઠો છે? વળી, દરેક કિસ્સામાં કંઈ પ્રતિભાવો સમસ્યાલક્ષી કે જેન્યુઈન નથી હોતા. અનેક કિસ્સામાં અમુક પ્રતિભાવો એટલા માટે જ આવતા હોય છે કે સામેનો માણસ તમને સાંખી શકતો નથી. એટલે પછી એ દ્વેષભાવને વશ થઈને તમારી સાથે અમુક દલીલો કે વાંધા કરતો હોય છે.
તો પછી એવા સંજોગોમાં શું કરવું? એની સાથે ઉલજવું? એના કરતા લીડરે કોઈના પણ મતો કે મંતવ્યોની ઝાઝી દરકાર કરવાની નથી થતી. તેણે માત્ર એક જ બાબત પર ધ્યાન રાખવાનું છે કે એ તેના કામ અને તેની જવાબદારીઓનું વહન પૂરી નિષ્ઠા સાથે કરે. સાથે જ પોતાના કામ કે પોતાની જવાબદારીઓ પ્રત્યેની તેની પેશન હંમેશાં બરકરાર રહે. અને આ બંને બાબતો માટે લોકોના મત કે મંતવ્યોની કોઈ જરૂર પડતી નથી. તો પછી લોકોના સારા કે નરસા મંતવ્યોથી પ્રભાવિત પણ શું કામ થવું?