મારે શું લખવું જોઈએ અને શું શીખવવું જોઈએ એની મને કશી ખબર ન હોવા છતાં હું લેખન-શિક્ષણનો મોટો મસોમોટો કારોબાર ફેલાવીને બેઠો છું એવું જ્યારે જુવાનજોધ રશિયન લેખક લિયો ટોલ્સ્ટોયને સમજાયું ત્યારે એમણે અચાનક બધો પથારો સંકેલી લીધો. થોડો સમય સંપૂર્ણ આરામ કર્યો. પછી 34ની ઉંમરે એ લગ્ન કરીને ઠરીઠામ થયા.

લગ્ને ટોલ્સ્ટોયને ઊંડી આંતરિક વ્યથામાંથી ઉગારી લીધા. લગ્ન પછીનાં 15 વર્ષ દરમિયાન એમનું મન શાંત રહ્યું. જીવનની સાર્થકતા વિશેના ગંભીર વિચારોથી મુક્ત રહીને ટોલ્સ્ટોય પૂરેપૂરા સાંસારિક જીવનમાં, પોતાની મોટી જાગીરના કામકાજમાં તથા નવલકથાલેખનમાં પરોવાયેલા રહ્યા. આ તબક્કા દરમિયાન એમણે પોતાની સૌથી મોટી નવલકથા વોર એન્ડ પીસ લખી અને ત્યાર પછીની બીજી દળદાર નવલકથા અન્ના કેરેનિનાનું લેખન ચાલી રહ્યું હતું એ દરમિયાન લગ્નના દોઢેક દાયકા પછી, ફરી એક વાર એમનું મગજ થાક્યું અને ચકરાવે ચઢ્યું. આગળની વાત, એમના શબ્દોમાં...

આજથી 5 વર્ષ પહેલાં (47-48ની ઉંમરે) કશુંક વિચિત્ર કહી શકાય એવું મારા જીવનમાં બનવા લાગ્યું. થતું એવું કે અચાનક હું જાણે એકદમ મૂંઝાઈ જતો. એ પળોમાં મને એવું લાગતું કે મારે કઈ રીતે જીવવું જોઈએ અને શું કરવું જોઈએ એ વિશે મને કશી ખબર જ નથી. મૂંઝવણની એ પળોમાં હું એકદમ હતાશ થઈ જતો. આ તબક્કો આવીને જતો રહેતો, પણ ધીરે ધીરે મૂંઝવણના આ હુમલાઓનું પ્રમાણ વધવા લાગ્યું. એ પળોમાં હું એકદમ અટકી પડતો અને મારી સામે આ બે સવાલો ડાચું ફાડીને ઊભા રહેતાઃ છેવટે આ બધું શા માટે? અને આ બધા પછી છેવટે શું?

શરૂઆતમાં મને લાગ્યું કે આ સાવ વાહિયાત અને વેવલા સવાલો છે. હું મારી જાતને એમ કહીને મનાવી લેતો કે આ તો અત્યારે મારી પાસે સમય નથી, બાકી શાંતિથી આ સવાલોના જવાબો વિચારવા બેસું તો મને આસાનીથી જવાબ મળી રહે તેમ છે. તો થયું એવું કે `આ બધું શા માટે અને હવે પછી શું' એ બે સવાલોના જવાબ તો હું ન વિચારી શક્યો, પરંતુ આ સવાલો જાણે કાપડ પર એક જ જગ્યાએ શાહીનું ટીપું પડ્યા કરે તેના લીધે જેવી રીતે ધાબું પડી જાય એવી રીતે મારા મનમાં કાળા ધાબા રૂપે ચોંટી ગયા.

માણસને એકદમ ગંભીર આંતરિક બીમારી થાય ત્યારે જે ઘટનાક્રમ ઘટે એવો જ આ ઘટનાક્રમ હતો. આરંભે દર્દી રોગનાં સામાન્ય લક્ષણોને અવગણીને એવું વિચારે કે આ તો સાદો રોગ છે, જે એની મેળે મટી જશે. પછી ધીમે ધીમે રોગ આકરો બનતો જાય અને એ અવિરત પીડાનું રૂપ ધરે અને છેવટે એ તબક્કો આવે જ્યારે દર્દીના મનમાં એવો વિચાર ઊગે કે હવે હું જીવીશ ખરો કે નહીં?

આવું જ થયું મારી સાથે. મને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે હું જે મૂંઝવણ અનુભવી રહ્યો છું એ આપોઆપ જતી રહે કે મટી જાય એવી નહોતી. મને પજવનારા સવાલોના જવાબ મારે મેળવવા જ પડશે. સતાવનારા સવાલો મને પહેલી નજરે સાવ સાદા અને બાલિશ લાગતા હતા, પરંતુ જેવું હું આ સવાલો વિશે વિચારવાનું શરૂ કરતો કે તરત મને સમજાતું કે આ સવાલો બાલિશ અને મૂર્ખામીભર્યા નથી, બલ્કે આ તો જીવનના સૌથી મહત્ત્વના પ્રશ્નો છે. બીજી વાત મને એ પણ સમજાઈ કે ભારે માથાફોડી કરવા છતાં આ સવાલોના જવાબો મને નથી જડી રહ્યા.

છેવટે એવી નોબત આવી પડી કે મારી (મસમોટી) જાગીરનું કામ, દીકરાનું ભણતર, મારી લેખનપ્રવૃત્તિ વગેરેમાંથી કશું પણ કરતાં પહેલાં, `શા માટે?' એ સવાલનો જવાબ મેળવવાનું મારા માટે અનિવાર્ય બની રહ્યું. જવાબ મેળવ્યા વિના હું કશું કામ કરી જ શકું તેમ નહોતો. મારી જાગીરનો વહીવટ મારો ઘણો સમય લઈ લેનારું મોટું કામ હતું. એ કામ હાથમાં લઉં કે તરત અંદરથી આ સવાલ માથું ઊંચકે કે, `જો ભાઈ, તારી પાસે સોળ હજાર એકર જમીન છે. તારી પાસે ત્રણસો ઘોડા છે. હવે વધુ કેટલું જોઈએ છે તારે?'

એ જ રીતે લેખક તરીકેની મારી ખ્યાતિ વિશે વિચારવા બેસું ત્યારે મનમાં આવો સવાલ જાગેઃ `માની લે કે તું ગોગોલ, પુશ્કીન, શેક્સપીયર અને મોલિયેરથી પણ વધુ પ્રસિદ્ધ થઈ ગયો, પણ તેથી શું?'

અને મારી પાસે આ સવાલોનો એક પણ, ફરી કહીશ, એક પણ જવાબ નહોતો. આ એવા સવાલો હતા જે રાહ જોવા તૈયાર નહોતા. જવાબ તમારે આપવા જ પડે. નહીંતર તમે જીવી ન શકો અને જવાબો મારી પાસે નહોતા.

પહેલી નજરે આપણને એવું લાગી શકે કે ટોલ્સ્ટોયની આ મૂંઝવણ એ ભરેલા પેટના ચાળા છે. આપણને એવું પણ લાગી શકે કે આ તો ટોલ્સ્ટોય જેવા, ટોચે જઈને બેઠેલા માણસને સતાવી શકે એવા સવાલો છે, કારણ કે ટોચે પહોંચ્યા પછી એમની પાસે આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી બચતો. એટલે એ મૂંઝાય કે હવે આગળ કરવું શું? બીજી તરફ આપણા બધા માટે, સામાન્ય માનવી માટે તો જીવતરના બે છેડા ભેગા કરવા, નોકરીમાં પ્રમોશનો મેળવવાં, ધંધામાં થોડી બરકત વધારવી એ બધી નક્કર સમસ્યા જ એટલી મોટી હોય છે કે એમાં વચ્ચે `આ બધું શું છે ને શા માટે છે ને છેવટે આમાંથી શું કાંદા કાઢી લેવાના છે?' એવા સવાલો આપણા મનમાં માથું ઊંચકી શકતા નથી.

પણ આ ખાસ સમજવા જેવું છે. આ સવાલો માથું નથી ઊંચકી શકતા એનો મતલબ એ નથી કે એ સવાલો આપણી અંદર હોતા જ નથી. આ સવાલો આપણી અંદર પણ હોય તો છે, પરંતુ એ એકદમ ઊંડે ધરબાયેલા હોય છે, ક્યારેક સપનામાં જરાક ઝબકી જતા હોય છે અને બાકીનો સમય એકદમ ટચૂકડા અળસિયાની જેમ મગજના તળિયે એ સળવળ્યા કરતા હોય છે. ટોલ્સ્ટોય માટે આ સવાલોએ ટચૂકડા અળસિયાને બદલે વિકરાળ અજગરનું રૂપ ધારણ કર્યું અને આ સવાલોના અજગરે એમને એવા તો ભરડામાં લીધા કે ઓકે, એની આવતા અંકે.