ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ ।
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેબ્રવીત્ ॥ 4-1 ॥
જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે તેમણે એ પણ કહ્યું હતું કે આ ઉપદેશ પહેલાં તેઓ સૂર્યદેવને આપી ચૂક્યા છે. મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત્ મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે સૂર્યદેવ તો પ્રાચીન દેવતા છે,
તમે તેમને એ ઉપદેશ પહેલાં કેવી રીતે આપી ચૂક્યાં છો? ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તારા અને મારા પહેલાં અનેક જન્મ થઈ ચૂક્યા છે. તું એ જન્મો વિશે નથી જાણતો, પરંતુ હું જાણું છું. પછી ઋષિઓ દ્વારા આપણા સુધી આ જ્ઞાન પહોંચાડવામાં આવ્યું હતું. વાત છે ભગવદ્ગીતાની અને ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે 3066નો માનવામાં આવે છે, હમણાં ચાલી રહ્યું છે ઇ.સ. 2025. મતલબ લગભગ 5091 વર્ષ પૂર્વે કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી હતી. કૃષ્ણ પહેલાં રામ, રામ પહેલાં વિષ્ણુના અન્ય છ અવતાર થઇ ગયા તે પણ ભારતમાં જ.હવે મૂળ મુદ્દાના બે સવાલ : 1) ભારતીય સંસ્કૃતિ અન્ય કોઈ પણ સંસ્કૃતિ કરતાં જૂની હોવા છતાં, ભારતીય ઇતિહાસને ઇજિપ્તિયન અથવા ગ્રીક ઇતિહાસ જેટલું મહત્ત્વ કેમ આપવામાં આવતું નથી? અને 2) ભારતીય સંસ્કૃતિને ઇજિપ્તિયન સંસ્કૃતિ જેટલું મહત્ત્વ કેમ આપવામાં આવતું નથી? ઘણી વખત, અરે સામાન્યતઃ જ્યારે જ્યારે દુનિયાની ઘટનાઓ કે ઘટનાઓની દુનિયાની વાત નીકળે છે ત્યારે મોટાભાગે ઈજિપ્તનું દૃષ્ટાંત આપવામાં આવે છે, ઈજિપ્તનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. `સંસ્કૃતિ' શબ્દ એ પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે જેમાં સમાજ એક અદ્યતન તબક્કામાં પહોંચે છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ ચોક્કસ જગ્યાએ રહેતા લોકોનો સમૂહ સામાજિક અને સાંસ્કૃતિક રીતે સંગઠિત બને છે. આ વિચાર સૌપ્રથમ 6000થી 5000 વર્ષ પહેલાં પૃથ્વીના ઘણા ભાગોમાં વિકસાવવાનું શરૂ થયું હતું, જેમાં મેસોપોટેમિયા, પ્રાચીન ઇજિપ્ત, પ્રાચીન ભારત અને પ્રાચીન ચીનનો સમાવેશ થાય છે. તે સમય પહેલાં માનવીઓ પૃથ્વીના વિવિધ ભાગોમાં પથરાયેલા હતા અને મોટાભાગે ખેતીમાં રોકાયેલા હતા. જોકે, કેટલાક, જેમ કે નેટુફિયન સંસ્કૃતિ અને આદિવાસી ઓસ્ટ્રેલિયનો ઘણી રીતે સંગઠિત હતા, પરંતુ સભ્યતા તરીકે ઓળખાય તેટલા નહોતા. પ્રાચીન ભારત અને પ્રાચીન ઇજિપ્ત જેવાં સ્થળોએ, સંગઠિત સંસ્કૃતિઓ પહેલાંથી જ ખીલી હતી, પરંતુ 4000 અને 3000 બીસીઇની વચ્ચે જ તેનો વિકાસ અધિકૃત સંસ્કૃતિઓમાં થવા લાગ્યો. આ બે સંસ્કૃતિઓ ખાસ કરીને લોકપ્રિય છે, જેમાં ઇજિપ્તની સંસ્કૃતિ સૌથી વધુ લોકપ્રિય છે, શા માટે?
ઇજિપ્ત ઇતિહાસની સૌથી જૂની જાણીતી સંસ્કૃતિઓમાંની એક છે. આ સભ્યતાની ઉત્પત્તિ લગભગ 3100 બીસીઇમાં થઈ હતી, જ્યારે પ્રથમ ફારુન રાજા મેનેસે 3150 બીસીઇમાં ઉપલા અને નીચલા ઇજિપ્તને એક કર્યું હતું. તે સમય પહેલાં, હજારો વર્ષોથી આ વિસ્તારમાં ઘણી સંસ્કૃતિઓ ખીલી રહી હતી, પરંતુ એકીકરણથી એક જટિલ સભ્યતાનું નિર્માણ થયું. પ્રાચીન ઇજિપ્ત તેનાં સુનિયોજિત શહેરો અને સ્મારક માળખા માટે જાણીતું છે. લગભગ 2500 બીસીઇ જ્યારે સિંધુ ખીણ તેના રહસ્યમય અંત માટે તૈયારી કરી રહી હતી, ત્યારે પ્રાચીન ઇજિપ્તે સ્મારક પિરામિડ બનાવ્યા જે આજે પણ ઊભા છે. પ્રાચીન ઇજિપ્તને લેખન, ઘડિયાળો, વિગ, પોલીસ, દવા, માપન પદ્ધતિ અને અસંખ્ય શોધો માટે પણ શ્રેય આપવામાં આવે છે. વિશ્વની સૌથી જૂની નોંધાયેલી સભ્યતા મેસોપોટેમિયા સભ્યતા માનવામાં આવે છે. એકંદરે વિશ્વની 4 સૌથી જૂની સભ્યતાઓ મેસોપોટેમિયા સભ્યતા, ઇજિપ્તિયન સભ્યતા, સિંધુ ખીણ સભ્યતા અને ચીની સભ્યતા છે. જવાબ આવતા બુધવારે
