ન્યૂયોર્કમાં આવેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વિશ્વના સૌથી ઊંચા બે ટાવરો ઓસામા બિન લાદેન દ્વારા મોકલાવેલા સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં દાખલ થયેલા આતંકવાદીઓએ ધ્વંસ કર્યા. શિકાગોમાં આવેલા શીયર્સ ટાવરની ગણના ત્યારબાદ વિશ્વના સૌથી ઊંચા ટાવરોમાં થવા લાગી. ન્યૂયોર્ક પછી કદાચ શિકાગો અમેરિકાનું સૌથી વધુ વસતિ ધરાવતું શહેર છે અને શિકાગોમાં દરેક છ કાર્યકર્તાઓમાં એક કાર્યકર્તા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ છે.
હોટલો અને મોટેલોમાં સાફસૂફી કરવા અને રૂમને ચોખ્ખી રાખવા માટે જે મેડ સર્વન્ટ બાઈઓ રાખવામાં આવે છે એમાંની 32.9 ટકા ઈલિગલ ઈમિગ્રન્ટ હોય છે. ક્ન્સ્ટ્રક્શન વર્કરોમાંના 30.5 ટકા ઈલિગલ ઈમિગ્રન્ટો છે. રસોઈયાઓ 30 ટકા ગેરકાયદેસર કામ કરતા ઈમિગ્રન્ટો છે. પેઈન્ટિંગનું કાર્ય બજાવતા લોકોમાંના પણ 30 ટકા ઈલિગલ ઈમિગ્રન્ટ છે. મેન્યુફેક્ચરિંગ કરતી ફેક્ટરીઓમાં કામ કરે છે એમાંના 13.5 ટકા ઈલિગલ ઈમિગ્રન્ટો છે. હોસ્પિટાલિટી વર્કરોમાંના 11.8 ટકા જેટલા ઈલિગલ ઈમિગ્રન્ટો છે. હોલસેલ વર્કરોમાંના 8.9 ટકા ઈલિગલ ઈમિગ્રન્ટો છે અને ઓટો રિપેર, લોન્ડ્રી સર્વિસ તેમજ હેર કટિંગ સલૂનોમાં કામ કરતા 8.8 ટકા જેટલા વર્કરો ગેરકાયદેસર કામ કરે છે.
આવી જ પરિસ્થિતિ અમેરિકાના અન્ય અનેક શહેરોમાં છે. આજે અમેરિકામાં લાખોની સંખ્યામાં મેક્સિકનો, ચીનાઓ, સ્પેનિશો, પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ, શ્રીલંકનો, ભારતીયો તેમજ અન્ય અનેક દેશોની વ્યક્તિઓ ગેરકાયદેસર રહે છે અને ગેરકાયદેસર કામ કરે છે. જેઓ વર્ષોથી અમેરિકામાં ગેરકાયદેસર રહે છે એમને જે સંતાન પ્રાપ્ત થાય તેઓ અમેરિકાના બંધારણમાં જે 14મો સુધારો કરવામાં આવ્યો છે એના લીધે અમેરિકાની ધરતી ઉપર જન્મ લેવાના કારણે એમને અમેરિકાનું નાગરિકત્વ આપોઆપ પ્રાપ્ત થાય છે અને એક અમેરિકન સિટીઝનને અમેરિકા જે જે લાભો આપે છે, એ સઘળા લાભો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અને ગેરકાયદેસર કામ કરતાં મા-બાપોનાં સંતાનો, જેમણે અમેરિકાની ધરતી ઉપર જન્મ લીધો છે, એમને પ્રાપ્ત થાય છે.
આ સંતાનો જ્યારે એકવીસ વર્ષનાં થાય છે ત્યારે એમનાં મા-બાપો માટે `ઈમિજેટ રિલેટિવ કેટેગરી' હેઠળ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરીને એમના માટે ઈમિગ્રન્ટ વિઝાની માગણી કરે છે. જે મળતાં તેઓને ગ્રીનકાર્ડ પ્રાપ્ત થાય છે. પાંચ વર્ષ પછી તેઓ પણ અમેરિકન સિટીઝન બનવાની અરજી કરી શકે છે. આવા અનડોક્યુમેન્ટેડ ગેરકાયદેસર અમેરિકામાં રહેતા અને કામ કરતાં મા-બાપો માટે જ્યારે એમના અમેરિકામાં જન્મેલા અમેરિકન સિટીઝનો પુખ્ત વયના થાય અને એમના માટે ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરે ત્યારે તેઓ `ઈમિગ્રન્ટ વેવર'ની અરજી કરે છે અને સાચાં-જુઠ્ઠાં કારણો આપીને મુક્તિ મેળવે છે. ત્યારબાદ એમનાં સંતાનોએ એમના લાભ માટે દાખલ કરેલ ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા બાદ તેઓ ગ્રીનકાર્ડ મેળવે છે અને એમનો વર્ષોનો ગેરકાયદેસરનો વસવાટ કાયદેસરનો બની જાય છે. અમેરિકન નાગરિક બનીને અમેરિકા એમના દેશવાસીઓને જે સવલતો તેઓ આપે છે એ બધી જ સવલતો
ભોગવે છે.
બીજી વાર પ્રેસિડન્ટ બન્યા એના પહેલા જ દિવસે ટ્રમ્પે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર ઉપર સહી કરીને આ હુકમ બહાર પાડ્યો. આ એક્ઝિક્યૂટિવ ઓર્ડર હેઠળ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના બંધારણના 14મા સુધારાને અટકાવી દીધો. `બર્થ સિટીઝન' ઉપર એમણે મનાઈ ફરમાવી. અનધિકૃત રીતે અમેરિકામાં રહેતા યા પ્રવેશેલા ઈલિગલ ઈમિગ્રન્ટોનાં સંતાનોને જન્મતાંની સાથે જ અમેરિકાની ધરતી ઉપર એમણે જન્મ લીધો છે એટલે અમેરિકન સિટીઝનશિપ પ્રાપ્ત થાય છે એ છૂટ એમણે બંધ કરી દીધી.
અમેરિકાના બંધારણમાં જે 14મા સુધારા દ્વારા બર્થ સિટીઝનની સગવડ દાખલ કરવામાં આવી છે એનો લાભ એફ-1, એચ-1બી, એલ-1 યા અન્ય પ્રકારના નોનઈમિગ્રન્ટ વિઝા ઉપર લાંબા સમયથી જેઓ કાયદેસર અમેરિકામાં કોઈ કાર્ય કરવા માટે રહેતા હોય અને એમ રહેતા એમને બાળક જન્મે એમને પ્રાપ્ત થાય છે. એ તો વાજબી ગણાય, પણ અનેક પરદેશીઓ અને એમાં પણ ખાસ કરીને ચીનાઓ, પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્રીલંકનો અને ભારતીયો સ્ત્રીઓ જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે ચાર-પાંચ મહિનાનો હોય અને એમનો ગર્ભ દૃષ્ટિમાન ન હોય એ સમયે અમેરિકામાં ટૂરીસ્ટ તરીકે બી-1/બી-2 વિઝા ઉપર પ્રવેશે છે. પછી એમના સંતાનને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપીને અમેરિકાની સિટીઝનશિપ અપાવે છે. એમાંના ઘણા જે હોસ્પિટલમાં ડિલિવરી કરાવે એ હોસ્પિટલનો ચાર્જ સુધ્ધાં નથી આપતા.
આ બધાં કારણોસર કદાચ ટ્રમ્પે બર્થ સિટીઝનને બાન કરી છે. અનેક અમેરિકનોને ટ્રમ્પે દાખલ કરેલ આ બાન સિટીઝનને પસંદ નથી પડ્યું. એમણે કોર્ટમાં આ એક્ઝિક્યૂટિવ ઓર્ડરને પડકાર્યો છે અને હાલ પૂરતું તો કોર્ટોએ આ એક્ઝિક્યૂટિવ ઓર્ડર મનાઈ હુકમ દ્વારા અમલમાં આવવા નથી દીધો. હવે જ્યાં સુધી એનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમેરિકામાં જન્મ લેનાર બાળકોનું ભાવિ નિશ્ચિત નહીં હોય. તેઓ અમેરિકન સિટીઝન છે કે નહીં એની એમને અને એમનાં મા-બાપને ગડમથલ થશે.
અનેકોનું એવું માનવું છે કે અમેરિકાના પ્રેસિડન્ટ એક્ઝિક્યૂટિવ ઓર્ડરો દ્વારા બંધારણમાં જે કંઈ પણ સૂચવવામાં આવ્યું હોય એને બદલી નથી શકતા. એ માટે એમણે સેનેટની મંજૂરી લેવી પડે છે. એમ કહેવાય છે કે ટ્રમ્પનો આ એક્ઝિક્યૂટિવ ઓર્ડર અમેરિકાની કોર્ટો ગેરકાનૂની ઠેરવશે, પણ એનો નિર્ણય આવતા લાંબો સમય લાગશે. ત્યાં સુધી જે બાળકો અમેરિકાની ધરતી ઉપર જન્મ લેશે તેઓ ખરેખર અમેરિકન સિટીઝન છે કે નહીં? એ નિશ્ચિતપણે માનવામાં નહીં આવે.