જેમાણસને કામ કરવું જ છે અને પૈસા રળવા છે તેમને કામ મળી જ રહે છે. બસ, તમારે કામ કરવામાં શરમ ન અનુભવવી જોઇએ. ફિલિપાઇન્સમાં તો મચ્છર મારવાના પણ પૈસા મળે છે, તેથી કેટલાક લોકો મચ્છરોને મારીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હકીકતમાં વાત એમ છે કે, ફિલિપાઇન્સમાં મચ્છરોની વધતી જતી સંખ્યા અને ડેન્ગ્યૂના વધતા કેસને લઇને અહીંની સરકારે મચ્છરો લાવનારને પૈસા આપવાની જાહેરાત કરી છે. 1 ફેબ્રુઆરી 2025 સુધીમાં 28,000થી પણ વધુ ડેંગ્યૂના કેસ અહીં નોંધવામાં આવ્યા છે અને આ આંકડો ક્રમશઃ વધતો જાય છે. અલબત્ત, ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં બારગાંય એડિશન હિલ્સ ગામના પ્રમુખે જે લોકો પાંચ મચ્છર પકડીને લાવે છે તેમને એક ફિલિપાઇન્સ પૈસો આપવામાં આવે છે. અહીં મરેલા કે જીવતા મચ્છર લાવનારને મચ્છરની સંખ્યા પ્રમાણે રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધી 700થી પણ વધુ મચ્છર અને લાર્વા જમા કરવામાં આવ્યા છે. ટૂંકમાં, આ પ્રમાણે મચ્છર મારીને ઈનામી રૂપિયાની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. મૂળ ફિલિપાઇન્સ સરકારનો ઉદ્દેશ મચ્છરમુક્ત પ્રદેશ કરવાનો છે, જેથી કોઇ પણ વ્યક્તિ ડેંગ્યૂ જેવી બીમારીમાં ન સપડાય.

જાપાન પોલીસને મેકઅપની ટ્રેનિંગ અપાય છે!

કોઇ પણ સરકાર પોલીસને ફાઇટિંગ ટ્રેનિગ, રાઇફલ ટ્રેનિંગ, સાઇબર ટ્રેનિંગ અથવા તો અન્ય કોઇ ખાસ ટ્રેનિંગ આપવા માટે બંધાયેલી હોય છે, પરંતુ જાપાનમાં પોલીસને મેકઅપ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે! જે માટે મેકઅપ પ્રોફેશનલ્સ પણ હાયર કરવામાં આવ્યા છે. જોકે, પોલીસને મેકઅપ ટ્રેનિંગ આપવા માટેનું કારણ ખૂબ જ રસપ્રદ જણાય છે. જાપાનની એક પોલીસ એકેડેમીમાં મેલ પોલીસ ઓફિસર્સને મેકઅપ એટલા માટે શિખવાડવામાં આવે છે, કારણ કે, પોલીસનો પબ્લિક એપીઅરન્સ સારો રહે અને જાહેર જનતાને ઇંગેજિંગ (Engaging) કરી શકાય. જાપાન પોલીસને મેકઅપ ટ્રેનિંગમાં સ્કિન મોઇશ્ચરાઇઝિંગ, પ્રાઇમર લગાડવું અને આઇબ્રો પેન્સિલનો યૂઝ ઉપરાંત ફેસ વોસ જેવી ટ્રેનિંગનો સમાવેશ થાય છે. વધુમાં આઇબ્રો ટ્રિમ કરવી અને અમેઝિંગ હેર સ્ટાઇલ પણ શીખવવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ એકેડેમીમાં મોટાભાગના પુરુષોએ ક્યારેય મેકઅપ કર્યો જ ન હતો. જાન્યુઆરી, 2025થી જ જાપાનના ફુકુશિમા પ્રાંતમાં આવેલી પોલીસ એકેડેમી, ફુકુશિમાકેન કીસાત્સુગાક્કોમાં 60 પોલીસ કેડેટ્સ માટે મેકઅપ કોર્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જાપાન પોલીસ એકેડેમીનો આ રીતનો પહેલો જ પ્રયોગ હતો. આ પહેલાં તેમને કાનૂની શિક્ષણ અને શારીરિક તૈયારીઓ માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે જ છે!

આ ફોસિલ 47 મિલિયન વર્ષ જૂનું છે

ઘણીવાર શોધકર્તાઓને એવા ફોસિલ મળે છે કે, જે તેમની શોધને અચરજમાં મૂકી દે છે. આવું જ એક ફોસિલ શોધકર્તાને 1969માં મળ્યું હતું, જે આજે પણ રહસ્યમય બની રહ્યું છે. મૂળ આ ફોસિલ જીવાશ્મ છોડ (Fossilised Plant) છે, જે હાલમાં મળી આવતા છોડના પરિવાર સાથે સહેજ પણ મળી આવતા નથી. આ છોડનું નામ ઓથનિયોફાઇટન એલોન્ગેટમ (Othniophyton Elongatum) રાખવામાં આવ્યું છે. શોધકર્તાઓને આ ફોસિલ અમેરિકાના યૂટા રાજ્યના એક નાના કસબા પાસેથી મળ્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે આ જીવાશ્મ 47 મિલિયન વર્ષ જૂનું છે. વૈજ્ઞાનિકોએ આ છોડને વિલુપ્ત થયેલા છોડના સમૂહ સાથે સરખાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં પણ તેઓને નિષ્ફળતા મળી છે. નોંધનીય છે કે, આ જીવાશ્મમાં માત્ર પાંદડાં જ નહીં પરંતુ પુષ્પ અને ફળ પણ છે. વધુમાં આ જીવાશ્મ જે વિસ્તારમાંથી મળ્યું છે ત્યાં અગાઉ ઓથનિયોફાઇટનના જીવાશ્મ પણ શોધવામાં આવ્યા હતા. જોકે, આ જીવાશ્મ અને ત્યારબાદ મળેલા જીવાશ્મ એ પ્રજાતિના છે! અલબત્ત, આ જીવાશ્મ વિશે વધુ માહિતી મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે.