ઈ ન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)નાં વડાં તરીકે ઝિમ્બાબ્વેનાં રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયાં છે. આ પ્રતિષ્ઠિત પદ માટે સાત સભ્યો રેસમાં હતા અને વોટિંગના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાનાં વડાં ચૂંટાયાં હતાં. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે ચૂંટાનાર સૌપ્રથમ મહિલા તેમજ આફ્રિકન બન્યાં છે. કોવેન્ટ્રી બે વખત સ્વિમિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યાં છે. આઈઓસીના સર્વોચ્ચ સ્થાન માટે 97 સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં પ્રથમ રાઉન્ડમાં જ કોવેન્ટ્રીનો વિજય થયો હતો. ક્રિસ્ટી કોવેન્ટ્રીનો કાર્યકાળ આઠ વર્ષનો રહેશે. 23 જૂન, 2025ના રોજ તેમને આઈઓસીનાં વડાંનો કાર્યભાર સોંપાશે. આ સાથે જ 2028માં લોસ એન્જલસમાં યોજાનાર ઓલિમ્પિક્સમાં તેમની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. તેમજ 2036માં ભારતમાં ઓલિમ્પિકના આયોજનને તેમના કાર્યકાળમાં મંજૂરી મળી શકે છે. કોવેન્ટ્રી આઈઓસીના વિદાય લઈ રહેલા વડા થોમસ બાકનું સ્થાન લેશે. થોમસ બાકનો કાર્યકાળ મહત્તમ 12 વર્ષનો થયો છે.

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે જેટલી શક્યતા છે એટલા જ પડકારો પણ છે

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને પકડવામાં આવ્યા પછી પણ તેને ભારતમાં લાવવાનું કામ આસાન નથી. તેની પાસે અઢળક પૈસા છે. જેમ માલ્યા ભારતના પ્રત્યાર્પણથી બચી રહ્યો છે તેમ ચોક્સી પણ છટકબારીઓ ગોતશે. ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિમાં 2023માં જોડવામાં આવેલા નિયમ મુજબ બંને દેશો ફરાર આરોપીઓ સામે તપાસ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા સર્ચ વોર્ટ અને સમન્સને પ્રભાવિત કરી શકે છે. બેલ્જિયમે ચોક્સીની ધરપકડ કરી તેમનો તબક્કો પૂર્ણ કરી લીધો છે. સાથે જ એન્ટિગુઆ કહી ચૂક્યું છે કે તે ચોક્સીની નાગરિકતા ખતમ કરી શકે છે. એવામાં ચોક્સીની જન્મજાત નાગરિકતા ભારતીય હશે, બેલ્જિયમે તેને ભારત પ્રત્યાર્પણ કરવું પડશે.

 મેહુલ ચોક્સીએ 15 નવેમ્બર, 2023ના રોજ તેની પત્નીની મદદથી બેલ્જિયમમાં F રેસિડન્સી કાર્ડ અને નાગરિકતા મેળવી છે. ચોક્સીએ બેલ્જિયમના અધિકારીઓ સમક્ષ બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું મનાય છે. તેણે પોતાની ભારતીય નાગરિકતા અને એન્ટિગુઆની નાગરિકતાની વિગતો છુપાવી છે, જેથી તેને ભારત મોકલવામાં ન આવે. ભારત સરકાર માટે હવે સતર્ક રહેવાની જરૂર છે.

કિંગ કોહલી અને અનુષ્કા લંડનમાં સ્થાયી થશે તેની પુષ્ટિ આપતા માધુરીના પતિ નેને

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યાં હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે. આ દરમિયાન માધુરી દીક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, દીકરી વામિકા અને દીકરા અકાયને લાઈમ લાઈટથી દૂર રહીને ઉછેરવા માટે વિરાટ-અનુષ્કા લંડનમાં સ્થાયી થવા માગે છે. યુ ટ્યૂબર રણવીર અલાહાબાદિયાના ચેટ શોમાં વિરાટની પ્રશંસા કરતાં ડો. નેનેએ કહ્યું હતું કે, તેઓ અનેક વખત મળ્યાં છે. અનુષ્કા શર્મા સાથેની વાતચીતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ લંડન શિફ્ટ થવાનું વિચારતાં હતાં, કારણ કે તેઓ સફળતાને માણી શકતાં ન હતાં. દરેક જગ્યાએ લોકોની નજર તેમના પર રહેતી હતી અને તેથી સામાન્ય માણસની જેમ રહી શકાતું ન હતું. પોતાના અનુભવને યાદ કરતાં ડો. નેનેએ કહ્યું હતું કે, દરેક જગ્યાએ લોકો સેલ્ફી માટે આવી જાય છે અને બહાર નીકળવાનું સહેલું રહેતું નથી. વિરાટ અને અનુષ્કા તેમનાં સંતાનોને સામાન્ય બાળકની જેમ ઉછેરવા માગે છે. વિરાટના બાળપણના મિત્ર રાજકુમાર શર્માએ પણ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, સંતાનોના ઉછેર માટે વિરાટ અને અનુષ્કા લંડન શિફ્ટ થવાનું વિચારે છે.

29 મેના ફ્લોરિડાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ચોથું મિશન લોન્ચ થશે

Axiom-4 સ્પેસ 29 મેના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે તેનું ચોથું મિશન લોન્ચ કરશે, જેમાં ભારતીય અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકો ભાગ લેશે. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં એક્સિઓમ સ્પેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. એક્સિઓમ સ્પેસ 29 મેના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે તેનું ચોથું મિશન લોન્ચ કરશે, જેમાં ભારતીય અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકો ભાગ લેશે. મંગળવારે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં એક્સિઓમ સ્પેસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. શુક્લાની અવકાશ યાત્રા રશિયાના સોયુઝ અવકાશયાનમાં રાકેશ શર્માના પ્રતિષ્ઠિત અવકાશ ઉડાનના ચાર દાયકા પછી આવે છે. શુક્લા ઉપરાંત, X-4 ક્રૂમાં પોલેન્ડ અને હંગેરીના સભ્યો પણ સામેલ છે, જે ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર દરેક દેશના પ્રથમ મિશન અને 40 વર્ષમાં સરકાર દ્વારા પ્રાયોજિત બીજું માનવ અવકાશ ઉડાન મિશન છે.