ગત સપ્તાહમાં આપણે ભારતના યુરોપ ગણાતી જગ્યા પોંડિચેરીની વાત શરૂ કરી હતી. પોંડિચેરીની સુંદરતા એકવાર ચોક્કસ માણવા જેવી છે એ તો જગ જાહેર વસ્તુ છે. આ જગ્યાની ટ્રિપ પ્લાન કરતા લોકોએ ક્યાં ક્યાં ફરવા જવું એ લિસ્ટમાંથી આપણે ગત સપ્તાહમાં પ્રોમેનેડ બીચ, સેરેનિટી બીચ, ઓરવિલે બીચ અને ઓરવિલે વિશે વાત કરી હતી, એ સિવાયની બીજી જગ્યાઓ વિશે જાણી લઇએ.
અરવિંદ આશ્રમ
પોંડિચેરી આવવા માટે મોટાભાગના લોકોનું મુખ્ય આકર્ષણ એટલે મહર્ષિ અરવિંદ આશ્રમ. અહીં માત્ર ભારતીયો જ નહીં, આધ્યાત્મ સાથે જોડાયેલા બીજા દેશના લોકો પણ આ અશ્રમની મુલાકાત લે છે. ઘણા વિદેશીઓ તો માત્ર આશ્રમની મુલાકાત માટે જ પોંડિચેરી આવતા હોય છે. આ આશ્રમની સ્થાપના મહર્ષિ અરવિંદે 1926માં કરી હતી. આશ્રમમાં સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી તેમજ બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી જઇ શકાય છે. અહીં 3 વર્ષથી નાનાં બાળકોને જવાની પરવાનગી નથી. આશ્રમની નીરવ શાંતિ તમને આહ્લાદક શાંતિનો અનુભવ કરાવશે.
ઓસ્ટેરી વેટલેન્ડ
ઓસ્ટેરી વેટલેન્ડ મૂળ પોંડિચેરીથી 10 કિમી દૂર આવેલું સ્થળ છે. આ પોંડિચેરીના ફરવાલાયક પ્રખ્યાત સ્થળોમાંથી એક છે. ખાસ કરીને પ્રકૃતિપ્રેમીઓ માટે આ જગ્યા રસપ્રદ બની રહેશે. વેટલેન્ડમાં અલગ અલગ દરિયાઇ જીવો તેમજ બર્ડ સેન્ક્ચ્યુઅરીને જોવાની મજા આવશે. અહીં આવનાર તમામ લોકોએ પોતાની સાથે એક દૂરબીન અવશ્ય રાખવું, જેથી પક્ષીઓને સરળતાથી જોઇ શકાય. અહીં તમને ગોલ્ડન ઓરિયલ, પેંટિડ સ્ટોર્ક (સારસ), ઘુવડ તેમજ દર્જિન ચકલીઓ ખૂબ જોવા મળશે. ઓસ્ટેરીના કિનારે કરચલાઓ પણ સરળતાથી જોવા મળી જાય છે. અલબત્ત, ચાલતી વખતે એ કારણે બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. ફોટોગ્રાફીના શોખીન લોકો માટે પણ આ જગ્યાએ જવું સુખદ અનુભવ બની રહેશે.
શ્રી માનાકુલા વિનયાગર મંદિર
આ એક પ્રાચીન મંદિર છે. ફ્રાંસીસી શાસન પહેલાંથી આ જગ્યાએ માનાકુલા વિનયાગર મંદિર વસેલું છે. આ મંદિર ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. મંદિરનું મુખ્ય આકર્ષણ 7.5 કિલો સોનાની પરત ચઢાવેલો રથ છે જેને જોવા ખાસ લોકો અહીં આવે છે. દશેરા વખતે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. કહેવાય છે કે ફ્રાંસીસી શાસન દરમિયાન આ મંદિરને તોડવાના અનેક પ્રયત્નો કરાયા હતા, પણ આ પ્રયત્નો પછી તેઓ મંદિરને ખાસ નુકસાન નહોતા પહોંચાડી શક્યા. પોંડિચેરીના લોકોમાં આ મંદિર માટે ખૂબ શ્રદ્ધા છે.
પુડુચેરી સંગ્રહાલય
પુડુચેરી સંગ્રહાલયમાં પલ્લવ અને ચૌલ વંશની કાંસા અને પથ્થરની બનેલી મૂર્તિઓ અરિકામેડુની જમીનમાંથી મળી આવી હતી. અરિકામેડુ એક આર્કિઓલોજિકલ સાઇટ છે, જે શહેરથી લગભગ 7 કિમી દૂર એક પ્રાચીન જગ્યાએ આવેલી છે. આ જગ્યાએ અંગ્રેજો રોમન સામ્રાજ્ય સાથે વ્યાપારિક લેવડદેવડ કરતા હતા. આ મ્યુઝિયમ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. પુડુચેરીમાં મહાત્મા ગાંધીજીની 4 મીટરની એક મૂર્તિ પણ બનાવવામાં આવી છે, જેની આસપાસ 8 પીલર છે. એ સિવાય અહીં ફ્રેન્ચ મેમોરિયલ છે, જે એવા શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું હોય. આ મેમોરિયલ 1971માં બનાવવામાં આવ્યું હતું. અહીં દર 14 જુલાઇએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
કેવી રીતે જશો? : પોંડિચેરીમાં ડોમેસ્ટિક એરપોર્ટ છે, તેથી ભારતના મોટાભાગના રાજ્યમાંથી તમને ત્યાંની ફ્લાઇટ મળી જશે. બાકી તમે ચેન્નાઇ એરપોર્ટથી પણ પોંડિચેરી જઇ શકો છો. ફોરેનથી આવતા પ્રવાસીઓને ચેન્નાઇની ફ્લાઇટ મળે છે. ચેન્નાઇ એરપોર્ટ અને પોંડિચેરી એરપોર્ટથી ટેક્સી દ્વારા જે તે સ્થળે પહોંચી શકાશે. ટ્રેનથી જવા માંગતા પર્યટકો પોંડિચેરીની ટિકિટ્સ બુક કરાવી શકે છે. ભારતના મોટાભાગના રાજ્યમાંથી પોંડિચેરી સ્ટેશન સુધી ટ્રેન જાય છે.
