• જ્યારે સંબંધો ઓટો પાયલોટ મોડ પર હોય છે ત્યારે સંબંધોનાં ખોળિયામાંથી શ્વાસ જતો રહે છે ને સ્પર્શમાં હૂંફ નથી હોતી

સંબંધની ગાંઠ બંધાયા પછી એ ગાંઠ તૂટી ન જાય, એની મજબૂતી ટકી રહે એ માટે દિન-રાત મથવું પડે. ગમે તેટલો પ્રેમ હોય તો પણ એની માવજત ન થાય, એમાં સંબંધોને જીવંત બનાવતાં તત્ત્વોનાં ખાતર-પાણી ન નંખાય તો એ મૃતઃપાય બની જાય, પણ અનેક લોકો ખાસ કરીને પતિ-પત્ની લગ્નબાદ જવાબદારીનાં ચક્રવ્યૂહમાં એવા ફસાઈ જાય કે તેઓ સંબંધોને ઓટો પાયલોટ મોડ પર મૂકી દે. ઓટો પાયલોટ મોડ યાને જે રીતે, જે ગતિમાં સંબંધો ચાલે એને એમ જ ચાલવા દેવા. ન આનંદને સેલિબ્રેટ કરવો કે ન ગમમાં દુઃખી થવું. સારી અને ખરાબ બંને બાબતોને ઇગ્નોર કરી. જીવન જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. કંઇ તૂંટતુ જણાય તો જોડવા પ્રયત્ન ન કરવો અને પડતું દેખાય તો સંભાળવાની મહેનત ન કરવી. અગર જીવનસાથી દુઃખી છે અને એનાં કારણો ખબર છે, પરંતુ એ દૂર કરવા પ્રયત્ન ન કરવા.

જ્યારે સંબંધો ઓટો પાયલોટ મોડ પર હોય છે ત્યારે સંબંધોનાં ખોળિયામાંથી શ્વાસ જતો રહે છે. સ્પર્શમાં હૂંફ નથી હોતી. ફરિયાદમાં દર્દ નથી હોતું અને આનંદમાં ઉત્સાહ નથી હોતો. આવા સંબંધોમાં સાથે હોવું મહત્ત્વનું હોય છે સાથે જીવવું નહીં. જ્યાં શરીર હોય છે, પણ મનનો થનગનાટ નથી હોતો. લાગણીની તીવ્રતા અને આશાઓનો પડઘો અહી ઝીલાતી નથી. ટૂંકમાં સાથે રહેવા છતાં અજનબી બનીને જીવવું એટલે ઓટોપાયલોટ મોડ. આ ઓટોપાયલોટ મોડથી બચવા નીચેનાં ઉપાયો અજમાવવા જોઇએ.

લગ્નના વચન નિભાવવાનો સંકલ્પ

જિંદગી જીવવા માટે એક સાથી સહુને લગ્નને દિવસે મળે છે. આ દિવસે એકબીજાના સુખ-દુઃખમાં સાથે રહેવાનાં, જીવનભર સાથ નિભાવવાના સાત વચનો લેવાય છે તેથી લગ્નનાં દિવસને હંમેશાં યાદ રાખો જે તમને એનાં મહત્ત્વને અને વચનોને યાદ અપાવતો રહે, ખુદને પ્રોમિસ કરો હે હું મારા સાથી માટેનાં પ્રેમને ક્યારેય નહીં ભૂલું. આ વચન યાદ રાખવાનો બેસ્ટ ઉપાય એ છે કે લગ્નનો વીડિયો સાથે બેસીને થોડા-થોડા સમયે જોતાં રહો.

સ્પર્શનો જાદુ

વ્યસ્તતા હોવા છતાં નાની-નાની પળો ચોરીને સાથીને સ્પર્શ કરવાનું ન ભૂલો. વિશ્વાસ રાખો કે આવી શરારતોનું જીવનસાથીને ક્યારેય ખરાબ નથી લાગતું. બલકે એને મનમાં ખુશ કરે છે. જીવનસાથી દ્વારા કરાયેલું આલિંગન કે આંગળીઓનો સ્પર્શ સાથીને તમારા પ્રેમના બંધનમાં બાંધી રાખશે અને તણાવમુક્ત કરી આત્મવિશ્વાસ જન્માવશે.

માન-સન્માન આપવું

દરેક વ્યક્તિ એમના જીવનસાથી પાસેથી રિસ્પેક્ટની અપેક્ષા રાખે છે. અગર તમે સાથીની ભાવનાઓનું, કામનું અને વિચારોનું સન્માન કરશો તો પ્રત્યાઘાતરૂપે એ બમણું મળશે. પરસ્પરનું સન્માન એ તમારા પ્રેમનું સન્માન છે. વ્યક્તિત્વનું અને વિચારોનું સન્માન છે એ વાત વિસરાવી ન જોઇએ.

ભૂલોને માફ કરવી

અગર જીવનસાથી એની કોઇ ભૂલનો સ્વીકાર કરવા તમારી પાસે આવ્યો છે તો ક્યારેય પણ એને રીજેક્ટ કરવાની કે ગુસ્સો કરવાની ભૂલ ન કરો. અગર ભૂલની માફી માગવા છતાં તમે એને માફી ન આપશો તો એ પછી ક્યારેય તમારી પાસે સાચું બોલવાની કે માફી માગવાની હિંમત નહીં કરે. તેથી જીવનસાથીને સમજો અને માફ કરો. જીવનમાં ભૂલોને ભૂલીને આગળ વધવામાં જ સમજદારી છે. અક્કડ પ્રેમમાં દીવાલ બનીને ઊભી રહે છે.

અભિમાન ન કરવું

વૈવાહિક જીવનમાં અભિમાન કે ઇગો ક્યારેય ન આવવા દો. જીવનસાથી કરતાં વધારે શિક્ષિત કે વધારે દેખાવડા - સ્માર્ટ હોવ તો પણ એ વાત સંબંધોમાં ક્યારેય વચ્ચે ન આવવી જોઇએ. સંબંધ, પ્રેમ-વિશ્વાસ અને સમજથી બને છે ને ઇગોથી તૂટે છે. પોતાની પ્રિય વ્યક્તિ સમક્ષ સરળતા અને સમર્પણ જ સાચું સુખ આપી શકે તેથી ઇગોને બાય બાય કરવો જરૂરી છે.

એકબીજાની જરૂરિયાને સમજો

જ્યારે માણસ બીજાની જરૂરિયાતને મહત્ત્વ આપે છે, એને પૂરી કરવા માટે દિલથી પ્રયત્ન કરે છે ત્યારે સામી વ્યક્તિનાં દિલમાં લાગણીનાં અંકૂરો ખીલે છે અને લાગણી જ સંબંધોમાં સંવેદનશીલતા લાવે છે.

અવગણનાથી દૂર રહો

ઘણી વ્યક્તિને બધી જ ખબર હોય છતાં તેઓ અજાણ્યા થઇને વર્તે. સાથીને પૈસાની તકલીફ છે અથવા તો ઓફિસની કોઇ સમસ્યા છે જેને કારણે એમનો મૂડ અપસેટ છે એ જાણવા છતાં કશું બન્યું જ નથી એમ વર્તે. માંદગીને ઇગ્નોર કરે, ખુશીના સમયે સહભાગી ન બને - આવું વર્તન સંબંધની મીઠાશને શોષી લે.

બે માણસો સાથે રહે ત્યારે એમાં અનેક ચડાવ-ઉતાર આવે, રંગો બદલાય, સમય બદલાય. એ એની જાતે જ ઉકેલ ન લાવી શકે. સંબંધોમાં ઓટોમેશન નહીં જીવંત, હૂંફાળા-ધબકતા પ્રયાસો જોઇએ.

  • Follow us on: