• શરીરને પુષ્ટ કરવા માટે તથા વજન વધારવા માટે પણ અશેળિયો ખૂબ જ પૌષ્ટિક હોવાથી ઉપયોગી છે

આયુર્વેદમાં અશેળિયાને `ચંદ્રશૂર' કહેવામાં આવે છે. શક્તિ અને ઊંચાઈને વધારનારાં ઔષધોમાં આ ચંદ્રશૂર એટલે કે અશેળિયાનાં બીજ ઉત્તમ ગણાય છે. અશેળિયાનાં કોમળ પાનનું કચુંબર-સલાડ થાય છે અને તેનું શાક પણ બનાવાય છે. ઘરગથ્થુ ઔષધ તરીકે પણ તેના ઘણા ઉપયોગ પ્રસિદ્ધ છે. આ વખતે આયુર્વેદની દૃષ્ટિએ આ અશેળિયાના ગુણકર્મો અને ઉપયોગો વિશે થોડું જાણીએ.

ગુણકર્મો

અશેળિયાના એકથી બે ફૂટ ઊંચા છોડની મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં ખેતી કરવામાં આવે છે. નદીકિનારાની જમીન તેને માફક આવે છે. તેનાં બીજ નાનાં નાનાં સળી જેવાં અને લાલ રંગનાં હોય છે, જેને પાણીમાં પલાળવાથી ચીકણી લૂગદી-ખીર જેવું બની જાય છે.

આયુર્વેદ પ્રમાણે અશેળિયાનાં બીજ તીખાં અને કડવાં, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવાં, વાયુ અને કફશામક, બળ, વીર્ય અને ધાવણને વધારનાર, પીડાશામક, પૌષ્ટિક અને ઊંચાઈવર્ધક છે. તે વાયુ, રક્ત, આંખ અને ત્વચા રોગોને મટાડનાર, દમ, ઉધરસ, અશક્તિ, કૃમિ, ગેસ, ઝાડા, કમરનો દુખાવો, સંધિવા આમવાત વગેરે દર્દોમાં લાભદાયક છે.

ઉપયોગ

ઊંચાઈ વધારવા માટે અશેળિયો ખૂબ જ ઉપયોગી છે. જેમની ઊંચાઈ ઓછી હોય અને ઊંચાઈ વધારવા ઈચ્છતા હોય તેમણે એકથી બે ચમચી અશેળિયાનાં બીજ, ચોખા સાથે મેળવી, તેની દૂધમાં ખીર બનાવવી. બેથી ત્રણ મહિના સુધી રોજ આ રીતે ખીર બનાવી તેનું સેવન કરવાથી ધીમે ધીમે ઊંચાઈ વધે છે. 12થી 18 વર્ષની આયુ સુધી આ ઉપચારની અસર સારી થાય છે. વારસાગત ઊંચાઈમાં બે-ત્રણ ઈંચનો વધારો કરી શકાય છે.

શરીરને પુષ્ટ કરવા માટે તથા વજન વધારવા માટે પણ અશેળિયો ખૂબ જ પૌષ્ટિક હોવાથી ઉપયોગી છે. જેમનું વજન ન વધતું હોય તેમણે તથા શરીરની બધી ધાતુઓની પુષ્ટિ માટે અશેળિયાના નાના નાના લાડુ બનાવી રોજ એક લાડુનું સેવન કરવું અથવા ઉપર મુજબ અશેળિયાની ખીર બનાવી લેવી. નાનાં બાળકોને પણ આપી શકાય છે.

અશેળિયો ઉત્તમ વાયુનાશક ઔષધ છે. કમરનો દુખાવો, સંધિવા, આમવાત વગેરે વાયુના રોગોમાં રોજ જમતા પહેલાં અશેળિયાનો સૂપ બનાવીને લેવાથી ઘણો જ ફાયદો થાય છે. બે ચમચી અશેળિયાનાં બીજનો એકથી દોઢ કપ પાણીમાં સૂપ બનાવવો.

ગર્ભવતી સ્ત્રી પીડાતી હોય અને છેલ્લા દિવસો હોય ત્યારે તેને અશેળિયાની રાબ ઘીમાં બનાવીને આપવાથી પ્રસવ જલદી અને સરળતાથી થાય છે. પ્રસવ પછી વાયુની વૃદ્ધિ ન થાય તે માટે પણ આવી રાબ આપી શકાય છે. અશેળિયાની રાબ આપવાથી ધાવણ ઘણું વધે છે, ભૂખ સારી લાગે છે અને પ્રસૂતા સ્ત્રીનું સ્વાસ્થ્ય પણ સરસ રહે છે.


  • Follow us on: