• ભ્રમ રોગમાં દર્દીને વારંવાર ચક્કર આવવાના કારણે બધી વસ્તુ ફરતી હોય એવું લાગે છે. વધારે ચક્કર આવે તો તે પડી પણ જાય છે

આયુર્વેદમાં ચક્કર આવવાની તકલીફને `ભ્રમ' કહેવામાં આવે છે. ભ્રમના રોગીને માથું ચકરાતું હોય એવી અનુભૂતિ થાય છે. જો આ ભ્રમ અથવા ચક્કરનું પ્રમાણ વધારે હોય તો ઘણી વાર દર્દી પડી જાય છે અને બેભાન પણ થઈ શકે છે.

આધુનિક ચિકિત્સાશાસ્ત્રના મતે `ચક્કર આવવા' એ મોટાભાગે અન્ય કોઈ રોગનાં લક્ષણ રૂપે જોવામાં આવે છે. હાઈ બ્લડપ્રેશર, કમળો, મગજના કેટલાક રોગ, કાનની પાછળના હાડકાંની વિકૃતિ, અશક્તિ, રક્તાલ્પતા વગેરે જેવા રોગોમાં ચક્કર આવવા તે પ્રધાન લક્ષણ ગણાવાય છે. એ જ પ્રમાણે આયુર્વેદમાં પણ ચક્કર આવવા એ કેટલાક રોગોમાં એક લક્ષણ તરીકે ગણાવાયું હોવા છતાં તેનો એક સ્વતંત્ર વ્યાધિ તરીકે પણ ઉલ્લેખ કરીને તેનાં કારણો અને ઉપચાર દર્શાવાયાં છે.

કારણ

આયુર્વેદીય મતે ભ્રમ અથવા ચક્કર રોગમાં માનસિક દોષ `રજ' અને `તમ' તથા શારીરિક દોષ `વાયુ' અને `પિત્ત' અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં વાયુ અને પિત્તના પ્રકોપ વગર ભ્રમ એટલે કે ચક્કર આવવા એ શક્ય નથી. મુખ્ય રજોગુણ, વાયુ અને પિત્તના પ્રકોપથી ભ્રમ-ચક્કરની ઉત્પત્તિ થાય છે.

આધુનિક મતે ભ્રમ અથવા ચક્કરને `વર્ટિગો' કે `ગીડીનેસ' કહેવામાં આવે છે તથા હાઈ બ્લડપ્રેશર અને લૉ બ્લડપ્રેશરમાં ચક્કર આવવા એ એક મુખ્ય લક્ષણ ગણાવાય છે તેમજ આ ચક્કર આવવા પાછળનાં મૂળભૂત કારણોમાં ટેન્શન, ગુસ્સો, ભય, ઉદ્વેગ, અભાવ, વિષાદ, નિરાશા, ઈર્ષ્યા જેવાં માનસિક કારણોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં તો તેના માટે પ્રથમથી જ મનના રજસ અને તમસ દોષને કારણભૂત ગણેલા છે. ચીડિયો કે ઉગ્ર સ્વભાવ અથવા અત્યંત સેન્સિટિવ સ્વભાવવાળી વ્યક્તિઓને આ તકલીફ થતા વાર લાગતી નથી.

લક્ષણો

ભ્રમ રોગમાં દર્દીને વારંવાર ચક્કર આવવાના કારણે તેને બધી વસ્તુ ફરતી હોય એવું લાગે છે. વધારે ચક્કર આવે તો તે પડી-ગબડી પણ જાય છે. આ રોગના દર્દીને ચક્કર આવવા, મોઢામાં લાળ પડવી, હૃદયના ધબકારા તીવ્ર થઈ જવા, ઓછું સંભળાવું, સંપૂર્ણ બેભાન અવસ્થા નહીં, પરંતુ થોડી મૂર્છા જેવું લાગવું, ઊબકા, ઉલટીઓ થવી, જીવ ચૂંથાવો, લડખડાતી ચાલ થવી, થોડો પરસેવો આવી જવો, બેચેની વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.

વાયુથી આવતા ચક્કર એકાદ મિનિટ જેટલા અને થોડી થોડી વારે આવે છે. કફથી આવતા ચક્કર સતત અને માથું જકડી દેનારા હોય છે.

ઉપચાર

વાયુ, પિત્ત અને કફ (શારીરિક દોષ) તથા રજ અને તમ (માનસિક દોષ)માંથી જે દોષને લીધે ચક્કર આવતા હોય તે દોષને ધ્યાનમાં રાખીને ઉચિત ઔષધોપચાર સાથે પરેજી પ્રયોજવામાં આવે તો રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે.

સામાન્ય રીતે ચક્કરમાં અશ્વગંધારિષ્ટ, યોગેન્દ્ર રસ, ચંદ્રકલા રસ, કલ્યાણઘૃત, ગળો સત્ત્વ, પ્રવાલપિષ્ટિ, સૂતશેખર રસ, આરોગ્યવર્ધિની, સારસ્વતારિષ્ટ, વસંત માલતી રસ, ચંદ્રાવલેહ, રસસિંદૂર, શતાવર્યાદિ યોગ, ગુલકંદ વગેરે ઔષધો અમે દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિ, દોષ, દૂષ્ય, ઉંમર, રોગનો પ્રકાર, દર્દી અને રોગનું બળાબળ, સત્ત્વ અને સાત્મ્ય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આપીએ છીએ.


  • Follow us on: