`બહેન, તમે પાંચ મહિના ને પચ્ચીસ દિવસ અમેરિકાની બહાર ઈન્ડિયામાં રહ્યાં છો. આટલો વખત ઈન્ડિયામાં શું કરતાં હતાં?' ગ્રીનકાર્ડધારક મંજુલાબહેન મદનલાલ પટેલને અમેરિકામાં પ્રવેશતાં હતાં ત્યારે ઈમિગ્રેશન ઑફિસરે સવાલ કર્યો.
`એ તો છે ને... એ તો છે ને, મારું ભારતમાં જે ઘર છે એમાં જે જે ઘરવખરીઓ છે એ બધી ઠેકાણે પાડવાની હતી.'
મંજુલાબહેને ગપ્પું હાંક્યું. હકીકતમાં તેઓ 6 વર્ષ પહેલાં એમની દીકરી અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરીને અમેરિકા ગઈ હતી અને ગ્રીનકાર્ડ મેળવ્યા બાદ નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન બની હતી. એણે એની મમ્મી માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી હતી, જે પ્રોસેસ થઈને એપ્રૂવ થયું કે લગભગ એક વર્ષની અંદર જ મંજુલાબહેનને ગ્રીનકાર્ડ આપવામાં આવ્યું હતું. એમનો અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો નહોતો. તેઓ ફક્ત દીકરીને મળવા અને દીકરીની દીકરીને રમાડવા વર્ષના પાંચ-છ મહિના ગ્રીનકાર્ડ ઉપર અમેરિકામાં રહેતાં હતાં. બાકીના પાંચ-છ મહિના નડિયાદમાં આવેલ એમના મકાનમાં રહેતાં હતાં. એમના પતિ થોડાં વર્ષો પહેલાં ગુજરી ગયા હતા, પણ મંજુલાબહેને એમની કરિયાણાની દુકાન ચાલુ રાખી હતી. જ્યારે તેઓ અમેરિકા જતાં ત્યારે એમની દુકાન એમનો કઝિન ચલાવતો હતો.
`એમ? તો તમારી બધી પ્રોપર્ટી ઠેકાણે પાડી દીધી?' ઓફિસરે મંજુલાબહેનને ચકાસવા સવાલ કર્યો.
`ના ના ભાઈ, થોડું ઘણું કામ પૂરું થયું છે, પણ ઘણું બાકી છે.'
`અચ્છા. પણ મંજુલાબહેન, તમે તો દર વર્ષે ઈન્ડિયા આવો છો અને પાંચ-પાંચ, છ-છ મહિના અહીં રહો છો. ગ્રીનકાર્ડ મળ્યાને છ વર્ષ થયાં તો પણ તમારું પ્રોપર્ટીનું ઠેકાણું પડ્યું નથી?'
`ના ભાઈ, હમણાં નડિયાદમાં પ્રોપર્ટી લેનાર કોઈ મળતું નથી.'
`એમ? તમે અમેરિકા શું કરો છો?'
`આ ઉંમરે હું શું કરવાની હતી?' મંજુલાબહેનની ઉંમર માત્ર 48 વર્ષની હતી.
`અચ્છા? એટલે તમે અમેરિકામાં કંઈ જ કરતાં નથી અને ઈન્ડિયામાં?'
`લગભગ એવું જ.'
`પણ મંજુલાબહેન, તમે ગ્રીનકાર્ડ મેળવવાની અરજી કરી ત્યારે એવું જણાવ્યું હતું કે ઈન્ડિયામાં તમારી ગ્રોસરીની દુકાન છે. ખૂબ સારી આવક છે. તમારાં ખેતરો પણ છે. ખેતીવાડીની ઊપજ પણ ખૂબ સારી છે. હજુ એ ચાલુ છે?'
`હા. દુકાન પડી છે, પણ કોઈ ચલાવતું નથી અને ખેતીવાડી કરવાવાળું કોઈ નથી.'
`બહેન, તમે અમેરિકામાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યાં છે? મૉલ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ લીધાં છે? રહેવા માટે ઘર લીધું છે? ડ્રાઈવિંગ લાઈસન્સ લીધું છે? કોઈ પ્રોપર્ટીમાં ઈન્વેેસ્ટમેન્ટ કર્યું છે? કોઈ કામ કરો છો? તમારી ઈન્ડિયાની આવક ઉપર ટેક્સ ક્યાં ભરો છો?'
`અરે ભાઈ! આવક છે જ નહીં. એટલે ટેક્સ ભરવાનો સવાલ નથી આવતો.'
`મંજુલાબહેન, યુ આર અ લાયર. તમે હડાહડ જુઠ્ઠું બોલો છો. ઈન્ડિયામાં તમારો ગ્રોસરીનો ધંધો ધમધોકાર ચાલે છે. ગયા વર્ષે તમે તમારી દુકાનની બાજુની દુકાન ખરીદી લીધી છે. છ જણાને તો નોકરીમાં રાખ્યા છે. આ વખતે ઈન્ડિયા આવ્યાં અને આટલો વખત રહ્યાં, કારણ કે તમે તમારા ઘરનું રિપેરિંગ અને રંગરોગાન કરાવ્યું. તમારી ખેતીવાડીની આવક ઉપર ઈન્ડિયામાં ટેક્સ ભરવો નથી પડતો, પણ અમેરિકામાં તમારે એની ઉપર ટેક્સ ભરવાનો રહે છે, કારણ કે તમે અમેરિકાના પરમેનન્ટ રેસિડન્ટ છો, ગ્રીનકાર્ડધારક છો. તમારી ગ્રોસરીના શોપનું ટર્નઓવર વર્ષેદહાડે બેથી ત્રણ કરોડ રૂપિયાનું છે. તમે તમારી આવક ઉપર ઈન્ડિયામાં સારો એવો ટેક્સ પણ ભરો છો, જે તમારે અમેરિકામાં ભરવો જોઈએ. બહેન, તમે અમેરિકા તમારા ગ્રાન્ડ ચાઈલ્ડનું ધ્યાન રાખવા, જેથી તમારી ડૉટર એના હસબન્ડ જોડે ફરવા જઈ શકે, અમેરિકાના બીજા શહેરમાં બિઝનેસનું માર્કેટિંગ કરી શકે એ માટે આવો છો. તમારો ઈરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી. આથી હું તમારું ગ્રીનકાર્ડ પાછું લઈ લઉં છું.'
અનેક ભારતીયોની અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા નથી હોતી, પણ એમનાં સંતાનો અમેરિકામાં રહેતાં હોય છે એટલે તેઓ ગ્રીનકાર્ડ મેળવે છે. એ કાર્ડનો ઉપયોગ રેલવેના પાસની જેમ અમેરિકામાં આવવા-જવા માટે કરે છે. એમની આવક ઉપર અમેરિકામાં ટેક્સ નથી ભરતા. અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ નથી કરતા. નોકરી યા બિઝનેસ નથી કરતા, પણ એક ગ્રીનકાર્ડધારકને અમેરિકાની સરકાર જે જે ફાયદાઓ આપે છે એ બધાનો લાભ લે છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ બાબતમાં ખૂબ જ કડક વલણ અખત્યાર કરે એમ છે. એમણે ઈમિગ્રેશન ઓફિસરોને એવી સૂચનાઓ આપી છે કે જે કોઈ પણ પરદેશી નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર યા ગ્રીનકાર્ડ ઉપર અમેરિકામાં પ્રવેશવા ચાહે, અમેરિકન સિટીઝન બનેલા નાગરિકો પણ જ્યારે અમેરિકામાં પ્રવેશતા હોય ત્યારે એમની ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરવી. જેઓના ઈરાદાઓ સાચા ન હોય, ગ્રીનકાર્ડનો ઉપયોગ અમેરિકામાં કાયમ રહેવા માટે નહીં, પણ ફક્ત ગમે ત્યારે આવનજાવન કરી શકે એ માટે કરતા હોય, અમેરિકન સિટીઝન હોય, પણ અમેરિકાને નુકસાન પહોંચાડે એવું કાર્ય કરતા હોય તો એમને અમેરિકામાં ન પ્રવેશવા દેવા. સિટીઝન હોય તો એમની સિટીઝનશિપ પાછી ખેંચી લેવાની કાર્યવાહી કરવી.
ગ્રીનકાર્ડધારકો, ઉપર જણાવેલો પ્રસંગ ઉપજાવી કાઢેલો નહીં, પણ સાચો છે. તમે જો આવું કરતાં હોવ તો અટકી જાવ અને સાવધાન બની જાવ.
