ચોમાસું અમુક જગ્યાએ બેસી ગયું છે તો અમુક જગ્યાએ હજી વરસાદની રાહ જોવાય છે. અલબત્ત, વરસાદની રાહ જોવાતી હોય એવી કદાચ હવે ઓછી જગ્યા હશે, કારણ કે વર્ષારાણીએ એના અમીછાંટણા લગભગ દરેક જગ્યાએ કરી જ દીધા છે.


વરસાદ આવે એટલે વાતાવરણમાં ઠંડક અને તાજગી પ્રસરી જતી હોય છે. આ સિઝનમાં ફરવા જવાની ઇચ્છા પણ થાય. રૂટિન લાઇફને થોડા દિવસો માટે ત્યજીને બહાર ક્યાંક નીકળી જવું અને ત્યાં જઇને એ જગ્યાનો, ત્યાંના વાતાવરણનો તેમજ કુદરતી સૌંદર્યનો આનંદ માણવો. દરેક વ્યક્તિને આવું મન થાય એમાં કંઈ ખોટું નથી. થવું જ જોઇએ. આમ પણ જીવનને તરોતાજા રાખવું હોય તો થોડા સમયે આવો બ્રેક લઇ લેવો જરૂરી છે. ખેર, વરસાદી વાતાવરણમાં ફરવા જવું હોય તો ભારતમાં એવી કઈ કઈ જગ્યા છે જ્યાં તમે જઈ શકો એ વિશે વાત કરવી છે.

મહાબળેશ્વર

કહેવાય છે કે મહારાષ્ટ્રમાં ચોમાસામાં સૌથી સુંદર વાતાવરણ મહાબળેશ્વરનું હોય છે. સાતારા જિલ્લાસ્થિત આ સ્થળ ધાર્મિક પર્યટકોને કૃષ્ણ, કોયના, વેન્ના, સાવિત્રી અને ગાયત્રી નદીઓમાં સ્નાન કરવાની સાથે મહાદેવજીના મંદિરમાં પૂજા કરવા માટે આકર્ષિત કરે છે. મહાબળેશ્વર હિલ સ્ટેશન પર્યટકોમાં પ્રસિદ્ધ છે. અહીં ફરવા માટે બોમ્બે પોઇન્ટ, આર્થર સીટ, કેટ્સ પોઇન્ટ અને એલિફિન્સ્ટન જેવી જગ્યાઓ ફરવા માટે જાણીતી છે.

અંબોલી

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું અંબોલી હિલ સ્ટેશન પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સહ્યાદ્રીના પહાડો ઉપર વસેલી આ જગ્યા ઘનઘોર જંગલ, લીલીછમ ખીણ અને અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓથી ભરપૂર છે. અહીં અંબોલી ઝરણું, અંબોલી વન અને હિરણ્યકેશી વન જેવી જગ્યા પ્રખ્યાત છે. અહીં લોકો સનસેટ પોઇન્ટ ઉપર જવાનું ખૂબ પસંદ કરે છે.

લોનાવાલા

લોનાવાલાને ગુફાઓનું શહેર અને સહ્યાદ્રીનું ઘરેણું કહેવાય છે. આ હિલ સ્ટેશન એની સુંદરતા માટે જાણીતું છે. ખાસ કરીને મહારાષ્ટ્ર રહેતા લોકો લોનાવાલા અને ખંડાલા જવાનું ખૂબ પસંદ કરે છે. એ લોકો માટે વીકેન્ડનું વન સ્ટોપ ડેસ્ટિનેશન કહી શકાય. આ હિલ સ્ટેશનમાં સુંદર લીલીછમ ખીણો, ગુફાઓ અને અનેક નાનાંમોટાં ઝરણાં છે જે જોતાં આંખોને ઠંડક થાય છે. વરસાદી સિઝનમાં અહીંની સુંદરતા બમણાઇ જતી હોય છે. પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઊઠી હોય એવું લાગે છે.

પંચગીની

જે વ્યક્તિ શાંતિ અને રમણીયતા માટે કોઇ જગ્યાએ જવા માગતી હોય એમણે પંચગીની પસંદ કરવું જોઇએ. પંચગીનીને આમ તો કપલ્સનું હિલ સ્ટેશન માનવામાં આવે છે. અહીં ફરવા માટે અનેક જગ્યાઓ છે જેમ કે, સિડની પોઇન્ટ, ટેબલ લેન્ડ, રજપુરી ગુફાઓ, ધોમ બંધ પ્રસિદ્ધ છે. પંચગીનીમાં આ સિવાય પણ ઓછી એક્સપ્લોર થયેલી અમુક જગ્યાઓ છે જે જોવાની પણ મજા આવશે. વરસાદમાં અહીંની લીલોતરી મન મોહી લેશે.

લવાસા

લવાસા મૂળ પૂણે પાસે આવેલું હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશનની ડિઝાઇન ઇટલીના એક શહેર પોર્ટોફિનોથી પ્રેરિત થઇને બનાવેલી છે. અહીં આવનારા દરેકને પોતે જાણે ઈટલીમાં ફરવા આવ્યા હોય એવું અચૂક લાગે છે. અહીંના રોડ્સ, અલગ અલગ જગ્યાઓ અને સ્વચ્છતા મનમોહક છે. વરસાદની સિઝનમાં ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

માઉન્ટ આબુ

આપણાં જ રાજ્યનું માઉન્ટ આબુ પણ વરસાદની સિઝનમાં જવા માટે બેસ્ટ જગ્યા છે. અહીં શિયાળામાં અને ચોમાસામાં બંને સિઝનમાં જઈ શકાય છે. ખાસ કરીને હિલ સ્ટેશન હોવાને કારણે વરસાદની સિઝનમાં માઉન્ટ આબુની સુંદરતા બે ગણી વધી જતી હોય છે. અહીં ફરવા માટે નકી લેક, ગૌમુખ, ગુરુશિખર, દેલવાડાનાં દેરાં, ટોડ રોક જેવી જગ્યાઓ પ્રસિદ્ધ છે.


  • Follow us on: