હેલ્થ માટે બીટ જેટલું ઉપયોગી છે એટલું જ હેર માટે હેલ્ધી છે. બીટ લોહ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. તે વાળને રફ અને નબળા બનાવતાં અટકાવે છે. તેનું માસ્ક ડ્રાય સ્કૅલ્પ અને ડેન્ડ્રફ માટે પણ ફાયદાકારક છે. બીટ સ્કૅલ્પને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે અને કુદરતી રીતે પોષણ આપે છે. તથા ખોડો પેદા કરનાર બેક્ટેરિયાને ઘટાડે છે. આ ઉપરાંત ખરતાં વાળને અટકાવવાનું અને શુષ્ક વાળને સિલ્કી બનાવવાનું કામ કરે છે. તે વાળ માટે કઈ રીતે ઉપયોગી છે તે જોઇએ.


ખોડાને દૂર કરે

વાતાવરણમાં રહેલું પોલ્યુશન, પરસેવો વગેરેને લીધે વાળ ગંદા થઈ જાય છે. નિયમિત વાળને સ્વચ્છ રાખવામાં ન આવે તો ખોડો થઇ જાય છે. સામાન્ય રીતે ખોડાની સમસ્યામાંથી સરળતાથી છુટકારો નથી મળતો. અમુક મહિલાઓ ખોડામાંથી મુક્તિ મેળવવા વિવિધ પ્રકારની રાસાયણિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં બીટના રસને સ્કૅલ્પમાં લગાવો અને ખોડાની સમસ્યામાંથી છુટકારો મેળવો. બીટમાં એન્ટિ પાયરેટિક પ્રોપર્ટી હોય છે, જે ખંજવાળને દૂર કરે છે. તમે એમાં વિનેગર પણ મિક્સ કરી શકો છો. એ માટે બીટને ગરમ પાણીમાં ઉકાળો, પાણી ઠંડું પડે એટલે વાળને ધોઇ નાંખો. બીટના પાણીથી ધોયા બાદ સાદા પાણીથી વાળ ધોવા નહીં. પછી વાળમાં સારી રીતે મસાજ કરો. આખી રાત વાળમાં રહેવા દો. બીટનું પાણી વાળને મોઇશ્ચરાઇઝ કરે છે. સ્કૅલ્પની મૃત કોશિકાઓને દૂર કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે.

વાળને ખરતાં અટકાવે

પોટેશિયમ વાળ માટે સૌથી ઉપયોગી તત્ત્વ છે. તેની ઉણપને લીધે વાળ ખરતાં હોય છે. બીટનો જ્યૂસ મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તેથી વાળમાં બીટનો રસ કાઢીને લગાવવો જોઇએ. કોરા વાળમાં બીટનો રસ લગાવીને અડધો કલાક સુધી રહેવા દો. એ પછી વાળને સાદા પાણીથી ધોઇને શેમ્પૂ કરી લો. એનાથી ખરતાં વાળ અટકશે સાથે વાળની લંબાઇમાં પણ વધારો થશે. તાણને લીધે ખરતાં વાળ બંધ થઇ જશે.

વાળને ચમકદાર બનાવે

ઠંડીની ઋતુમાં વાળમાં ભીનાશની ઉણપ સર્જાય છે. એના લીધે વાળમાં ડ્રાયનેસની સમસ્યા સર્જાય શકે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા બીટનો રસ સ્કૅલ્પમાં લગાવી શકો છો. બીટમાં રહેલો વિટામિન ઇ અને એ વાળની ડ્રાયનેસને દૂર કરવામાં મદદ કરે છે. બીટમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે જે વાળની ગુણવત્તાને સુધારવાનું કામ કરે છે. બીટમાં રહેલાં તત્ત્વ લોહીના પ્રવાહને સુધારે છે. જે હેર ફોલિકલ્સને પોષણ પ્રદાન કરે છે. વાળને હેલ્ધી બનાવવા માટે બીટના રસમાં આદુંનો રસ અને ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો. એનાથી વાળ ચમકદાર બને છે. આ મિશ્રણને સ્કૅલ્પ ઉપરાંત બધા જ વાળમાં લગાવો. લગાવ્યા બાદ સારી રીતે મસાજ કરો. એ પછી 15થી 20 મિનિટ બાદ વાળ સારી રીતે ધોઈ લો.


  • Follow us on: