કુદરતી સૌંદર્યથી ભરપૂર, જૂનાં મકાનો, યુરોપની ગલીઓની માફક પથ્થરની ગલીઓ જે તમારું મન મોહી લેશે એ જગ્યા છે પોંડિચેરી. આ ભારતનું કેન્દ્રસાશિત રાજ્ય છે. પોંડિચેરીને ભારતના યુરોપ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે અહીં 1954 સુધી ફ્રેન્ચ કોલોની વસતી હતી.
એમણે બનાવેલાં મકાનો, રસ્તાઓ વગેરે હાલના સમયે અહીં સાબૂત છે એટલે જ આ જગ્યાએ તમને ભારતને બદલે બીજા કોઇ દેશમાં આવી ગયા હોવાની લાગણી થાય. ભારતના યુરોપ સિવાય પોંડિચેરી મહર્ષિ અરવિંદના આશ્રમને કારણે પણ ફેમસ છે. અરવિંદ આશ્રમમાં દર વર્સે લાખો લોકો આવે છે અને માનસિક શાંતિની પ્રાપ્તિ કરે છે. અહીં સોલો ટ્રાવેલર ખૂબ આવે છે. કહેવાય છે કે માત્ર ભારત જ નહીં દુનિયાભરની સોલો ટ્રાવેલિંગ માટેની ખાસ જગ્યાઓમાંથી એક પોંડિચેરીનો સમાવેશ થાય છે. અહીં ફરવા માટે અનેક જગ્યાઓ છે, ચાલો એ વિશે વિગતવાર વાત કરીએ.
ઓરવિલે
ઓરવિલે એક એક્સપેરિમેન્ટલ ટાઉનશિપ છે, જે 20 સ્ક્વેર કિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જગ્યાએ રહેવાની અલગ જ મજા આવે છે. અહીં દુનિયાભરમાંથી અલગ અલગ લોકો આવે છે અને આધ્યાત્મને આત્મસાત્ કરે છે. અહીં તમને આધ્યાત્મની સાથે યુનિવર્સલ અને કેશ ફ્રી જીવનશૈલીનો અનુભવ પણ કરવા મળશે. અહીં આવતા પર્યટકો કોઇ એનજીઓ સાથે જોડાઇને સ્વયંસેવક બનીને રહે છે અથવા તો ઓર્ગેનિક ખેતી, હસ્તકળા ઉત્પાદન કેન્દ્ર, લાઇબ્રેરી અથવા તો પાકકળામાં યોગદાન આપવા જોડાય છે. મતલબ કે ઓરવિલે રહેવું હોય તો ઉપર જણાવેલી કોઇ પણ જગ્યાએ તમે સ્વયંસેવક તરીકે જોડાશો તો તમે કોઇ ખર્ચ વગર ત્યાં રહી શકશો અને આધ્યાત્મના ખોળે એની અનુભૂતિ કરી શકશો.
ઓરવિલે બીચ
ઓરવિલેના પડોશી ગામમાં સ્થિત આ બીચ એના શાંત અને રમણીય વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. પોંડિચેરીથી 30 મિનિટ ડ્રાઇવ કરીને તમે આ બીચ ઉપર પહોંચી શકો છો. અહીં કોઇ રેસ્ટોરાં, દુકાન કે પાર્કિંગ માટે જગ્યા નથી એટલે અહીં તમને બીજા બીચ ઉપર જોવા મળતી ભીડ કે કચરો નહીં જોવા મળે. અહીં શાંતિથી બીચ ઉપર બેસવા આવતા લોકો જ જોવા મળશે, જે મોટાભાગે ઉજાણી કરવા નહીં, પણ દરિયાના શાંત વાતાવરણને માણવા આવ્યા હોય છે. ઓરવિલે બીચનો સનસેટ લાજવાબ હોય છે. આ જગ્યાએ પાણીમાં જવાનો આગ્રહ ન રાખવો, કેમ કે મોટાં મોજાંઓ પ્રમાણમાં ખતરનાક હોય છે.
સેરેનિટી બીચ
પોંડિચેરીથી 10 કિમી દૂર સેરેનિટી બીચ સૂર્ય, રેતી અને એનાં મોટાં મોજાંઓ માટે જાણીતો છે. અહીં ચારેકોર નાળિયેરીનાં ઝાડ જોવા મળે છે. જે લોકો વોટર સર્ફિંગના શોખીન છે તે અહીં વોટર સર્ફિંગની મજા માણી શકે છે. આ બીચ ઉપર સર્ફ બ્રેક થયા કરે છે એટલે જે લોકો સર્ફિંગ શીખવા માંગતા હોય અથવા તો નવા નવા શીખ્યા હોય તેઓ પણ સર્ફિંગની મજા માણી શકે છે. આ બીચની આસપાસ હોમ સ્ટે અને અમુક હોટલ્સ પણ છે, જ્યાં એક કે બે દિવસ રહેવાની સગવડતા આરામથી મળી જશે.
પ્રોમેનેડ બીચ
આ બીચના કિનારે મોટા મોટા પથ્થરો જોવા મળે છે. આ જગ્યા ગોબર્ટ એવન્યૂની નજીક છે તેમજ એક ઐતિહાસિક જગ્યા છે, જેના કિનારે ફ્રેન્ચ ઘરો વસેલાં છે. પ્રોમેનેડ બીચ સુધી પહોંચવાનો રસ્તો દોઢ કિમી લાંબો છે. અહીં તમે પગપાળા ચાલીને જશો તો આજુબાજુનાં ઘરોને જોવાની ખૂબ મજા આવશે. અહીં મહાત્મા ગાંધીજીની મૂર્તિ, માર્કિસ ડુપ્લેક્સની મૂર્તિ તેમજ પ્રથમ વિશ્વયુદ્ધનું સ્મારક જોવા મળી જશે. સાંજના સમયે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે, કેમ કે સાંજે અહીં બનેલા ફૂડ સ્ટોલ લાઇટ્સ અને માણસોથી ધમધમતા હોય છે. ગોવાના બાઘા બીચ જેવી ફીલિંગ તમને પ્રોમેનેડ બીચ ઉપર આવશે. પોંડિચેરીમાં બીજી પણ ઘણી ફરવાલાયક જગ્યાઓ છે જેના વિશે આવતા સપ્તાહમાં વાત કરીશું.