ધરતીના બંને ધ્રુવ પ્રદેશોમાં લાખો વર્ષથી બરફના થર બાઝતા રહે છે. એ બરફમાંથી ધરતીનાં અનેક રહસ્યો જાણવા માટે હાથ ધરાયેલા બિયોન્ડ એપિકા પ્રોજેક્ટ અંતર્ગત બરફની એ ચાદરમાં ગાબડું પાડીને 12 લાખ વર્ષ જૂના બરફનું ચોસલું બહાર કાઢવામાં આવ્યું છે.

સ્વાભાવિક જ છે કે દર વર્ષે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થતો રહે છે. એ તાપમાનમાં વધારાનું કારણ અને વધારાને કારણે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. એ સંજોગોમાં લાખો વર્ષ પહેલાં પૃથ્વીનું વાતાવરણ કેવું હતું અને આબોહવા કેવી રીતે બદલાઈ એ તમામ રહસ્યો બરફમાં જળવાયેલાં છે. પૃથ્વી પર એક સમયે શીતયુગ ચાલતો હતો. એ સમયથી ધ્રુવ પ્રદેશોમાં બરફ જામતો રહ્યો છે, તેથી એમ મનાય છે કે આ બરફના ચોસલામાં હિમયુગના ચક્રમાં થતા ફેરફારો અને વાતાવરણમાં કાર્બનમાં થતા ફેરફારોએ આબોહવામાં કેવી અસર કરી એ પણ જાણવા મળશે. એ કારણે જ વિજ્ઞાનીઓએ એન્ટાર્ટિકામાં 2.8 કિલોમીટર ઊંડું સમારકામ કરીને બરફનો મોટો ટુકડો બહાર કાઢ્યો છે. જોકે, એ સમારકામ પણ સરળ હોતું નથી. સ્વાભાવિક રીતે જ 16 વિજ્ઞાનીઓ અને સહાયકોની ટીમે ઉનાળામાં એન્ટાર્કટિકામાં બરફના 12 લાખ જૂના થર સુધી પહોંચવા માટે હાડ થિજાવી દે એવા વાતાવરણમાં ચાર વર્ષ સુધી કામ કર્યું હતું. `સૌથી જૂના બરફ' ડ્રિલિંગ પ્રોજેક્ટ માટે સંભવિત સ્થાનો બરફની ચાદરના મોડલિંગના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્ય માટે પસંદ કરેલાં સ્થળે `રેપિડ એક્સેસ આઇસોટોપ ડ્રિલ'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ બરફની ઊંડાઈ અને ઉંમરનાં મોડલોનું પરીક્ષણ કરવાનો અને સપાટી પર પીગળવાની સંભાવનાનું મૂલ્યાંકન કરવાનો હતો. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના બે રડારનો ઉપયોગ કરીને સ્થાનિક બરફની ચાદરની પ્રવૃત્તિ પરનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. શૂન્યની નીચે 35 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં ચાર વર્ષ સુધી ટકી રહેવું એ જ મોટો પડકાર છે. એ તમામ પડકારોને ઝીલી લઈને બરફનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો.

ઇટાલિયન ગ્લેશિયોલોજિસ્ટ અને બિયોન્ડ એપિકા પ્રોજેક્ટના સંયોજક કાર્લો બાર્બેન્ટના મતે 12 લાખ વર્ષ જૂનો બરફનો ટુકડો વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ, રસાયણો અને ધૂળનું પ્રમાણ કેવી રીતે બદલાયું એ તમામ રહસ્યો છતાં કરશે. અગાઉ આ જ ટીમે લગભગ 800,000 વર્ષ જૂના બરફનો નમૂનો કાઢ્યો હતો. આ નમૂનાઓ દર્શાવે છે કે છેલ્લાં 800,000 વર્ષોમાં સૌથી ગરમ સમયમાં પણ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગ્રીનહાઉસ વાયુઓનું સ્તર આજ કરતાં ઓછું હતું. 2023માં ઊર્જા ક્ષેત્રના ઉત્સર્જને એક નવો રેકોર્ડ રચ્યો હતો. આજના કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 800,000 વર્ષના ઉચ્ચતમ સ્તર કરતાં લગભગ 50 ટકા વધારે છે. અશ્મિભૂત ઇંધણને કારણે કાર્બન ઉત્સર્જનના જૂના રેકોર્ડ એક પછી એક તૂટી રહ્યા છે.

ઇટાલિયન સંશોધક ફેડેરિકો સ્કોટ્ટોએ જાન્યુઆરીની શરૂઆતમાં `લિટલ ડોમ સી' નામની સાઇટ પર કોનકોર્ડિયા રિસર્ચ સ્ટેશનની નજીક ડ્રિલિંગ પૂર્ણ કર્યું હતું. એ દ્વારા કાઢવામાં આવેલા બરફનું આઇસોટોપ વિશ્લેષણ કરતાં એ બરફ ઓછામાં ઓછો 12 લાખ વર્ષ જૂનો હોવાનું જણાયું છે.

યુરોપિયન સંઘના દેશો અને બીજા યુરોપના દેશોના સમર્થનથી ચાલતા `બિયોન્ડ એપિકા' પ્રોજેક્ટનું નેતૃત્વ ઇટાલી કરી રહ્યું છે. યુરોપની વૈજ્ઞાનિક અને લોજિસ્ટિકલ ટીમોના સહયોગને કારણે આ પ્રોજેક્ટ સફળ રહ્યો છે. તેને યુરોપિયન કમિશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમ તરફથી પણ સહયોગ મળ્યો છે.

પેન સ્ટેટ યુનિવર્સિટીના આબોહવા વૈજ્ઞાનિક રિચાર્ડ એલીના મતે આ બરફના અભ્યાસથી આપણને ભૂતકાળના વાતાવરણને વધુ સારી રીતે સમજવામાં અને વર્તમાનમાં વાતાવરણ પરિવર્તનમાં માનવીની ભૂમિકાનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે.

આ પ્રોજેક્ટ દ્વારા પૃથ્વીના આબોહવા અને વાતાવરણના ઇતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. આ બરફના અભ્યાસથી હિમયુગના સૌથી જૂના તબક્કા દરમિયાન તાપમાન અને ગ્રીનહાઉસ વાયુઓ વચ્ચે શું સંબંધ હતો એ જાણવા મળે છે. ઉપરાંત પૃથ્વીના ભૂતકાળના આબોહવા પેટર્નનો અભ્યાસ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ અભ્યાસથી વધતા તાપમાનની પૃથ્વી પર શું અસર પડશે એ જાણી શકાશે.