દેશ આઝાદ થયાને હજુ તો છ મહિનાય થયા નહોતા અને ગાંધીજીની હત્યા થઈ. ગાંધી હત્યાએ સર્જેલ શૂન્યાવકાશ, આઘાત અને વિષાદમાંથી ઉગરવા જ કદાચ વિનોબા ભાવેએ પહેલ કરી.
માર્ચ, 1948માં મહારાષ્ટ્રના સેવાગ્રામ (જિ. વર્ધા)માં ગાંધીજનોનું સંમેલન યોજ્યું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવાગ્રામ સંમેલનમાં ગાંધીજીનાં કાર્યોને આગળ વધારવાની વિચારણા થઈ હતી.
ઈ.સ. 1904માં ગાંધીજીએ રસ્કિનનું અનટુ ધિસ લાસ્ટ વાંચ્યું હતું અને તે તેમના દિલોદિમાગમાં છવાઈ ગયું હતું . 1908માં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો ત્યારે ગાંધીજીએ તેના શીર્ષક તરીકે સર્વોદય શબ્દ પ્રયોજેલો. હિંદ સ્વરાજ (1909)માં સર્વોદયનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. સર્વોદય અર્થાત્ વધારેમાં વધારે માણસોનો વધારેમાં વધારે ઉદય એ ગાંધી વિચારનો અર્ક હતો. એટલે તેની આસપાસની સઘળી વિચારણાઓ પછી સેવાગ્રામ સંમેલનમાં વિચારની મુક્ત સંગતિની યોજના તરીકે સર્વોદય સમાજ અને કાર્યની સુગઠિત વ્યવસ્થા કાજે સર્વ સેવા સંઘની રચના કરવામાં આવી. પંડિત નહેરુના આગ્રહથી વિનોબાએ પાકિસ્તાનથી આવેલા ચાળીસ લાખ નિરાશ્રિતોના પુનર્વસનનું ગંજાવર કામ હાથ પર લીધું. પુનર્વસનના કામ દરમિયાન વિનોબાને અમલદારશાહીના જડસુ, લોકવિરોધી અને વિચારહીન વલણોનો અનુભવ થયો. એટલે તેઓ લોકશક્તિ જાગ્રત કરવા દેશ આખામાં ઘૂમવા માંડ્યા.
સર્વોદય સમાજના વાર્ષિક સંમેલનોની પરંપરામાં એપ્રિલ, 1951માં આંધ્રના શિવરામપલ્લીમાં સંમેલન હતું. વિનોબા સેવાગ્રામથી ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરીને સંમેલનમાં ગયા હતા. તેલંગણાના એ વિસ્તારમાં ત્યારે ભૂમિ સમસ્યા ચરમ પર હતી. સામ્યવાદીઓએ મોટા જમીનદારો સામે જમીન વિહોણાઓને સંગઠિત કરી હિંસા, લૂંટફાટ તથા ખૂનામરકીથી જમીનો મેળવી હતી. એટલે વિનોબાએ તે વિસ્તારની જાતતપાસ માટે પદયાત્રાનું આયોજન કર્યું. 15મી એપ્રિલ, 1951ને રામનવમીના દિવસે હૈદરાબાદથી તેમણે પદયાત્રા આરંભી.
18મી એપ્રિલ, 1951ના દિવસે પદયાત્રા તેલંગણાના નલકોંડા જિલ્લાના પોચમપલ્લી પહોંચી હતી. 700 ઘરની વસ્તીના આ ગામમાં પોણા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા. સવાર સવારમાં જ પદયાત્રા પોચમપલ્લીની દલિત વસ્તીમાં ગઈ. દલિતોએ વિનોબાને કહ્યું, `અમે હાડતોડ મહેનત કરીએ છીએ પણ તોય બે ટંક રોટલા ભેળા થતા નથી. અમારે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન જોઈએ છે.' વિનોબાએ તેમની અરજ સાંભળી વળતાં પૂછ્યું તો દલિતોએ કહ્યું કે 80 એકર જમીન મળે તો ભયોભયો. ભલે તેમાં અડધી સૂકી કે બિનફળદ્રુપ હોય. સરકાર પાસે સરકારી પડતર જમીન મેળવવા વિનોબા વિચારતા હતા. એવામાં તેમણે સાથી પદયાત્રીઓ અને ગ્રામવાસીઓને પૂછ્યું કે શું ગામમાંથી તેમને જમીન આપી શકાય તેમ છે? એ જ સમયે રામચંદ્ર રેડ્ડીએ તેમના પિતાની સ્મૃતિમાં તેમની ઈચ્છાનુસાર 100 એકર જમીન દાન આપવાનું કહ્યું અને જાણે કે નવી દિશા ઊઘડી.
ભૂમિ સમસ્યાગ્રસ્ત તેલંગણાની એ પદયાત્રામાં વિનોબાએ બીજા દિવસે પણ કોઈ સજ્જન ભૂમિવાન મળી રહેશેની આશે લોકો પાસે જમીન માંગી અને એ દિવસે પણ 25 એકર મળી. એટલે વિનોબાને સર્વોદયનો માર્ગ મળી ગયો. જમીનના દાને નવી વિચારસૃષ્ટિ ઊઘડી. ભારતની ભૂમિ સમસ્યાનો કરુણા, સદ્ભાવના અને સમજાવટના માર્ગે ઉકેલ જડ્યો. ત્રીજા દિવસે 20મી એપ્રિલ, 1951ના રોજ વિનોબાએ ભૂદાનયજ્ઞ શબ્દ જાહેર કર્યો અને તેમની શેષ યાત્રા તેને જ સમર્પિત કરી. આજે તો હવે તે હકીકતને પંચોતેર વરસ થયાં.
બાદમાં ભૂદાનયજ્ઞ વિસ્તરીને આખા દેશમાં ભૂદાન આંદોલન અને અંતે ભૂદાન આરોહણ બન્યો. તેમાં ગ્રામદાન, સંપત્તિદાન, સાધનદાન અને જીવનદાન જેવા નવા આયામો ઉમેરાતા રહ્યા. જમીન એ તો શોષણનું સૌથી મોટું સાધન છે. સ્વતંત્ર ભારતમાં જમીનોની માલિકી રાજા-મહારાજા, નિઝામો-નવાબો અને મોટા જમીનદારોની હતી. એ સંજોગોમાં વિનોબાએ હવા અને પાણીની જેમ જમીન પર પણ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, તે લોકોની મઝિયારી સંપત્તિ છે એવો અલખ જગાવ્યો. તે જમીનદારોને અપીલ કરતાં કે હું દાન નહીં ગરીબોનો હક માંગું છું. દાનં સંવિભાગના ન્યાયે દાન એટલે સમ્યક વિભાજન.
ખેતીલાયક જમીનનો છઠ્ઠો ભાગ મને છઠ્ઠો ભાઈ ગણી આપો એવી તેમની લાગણીસભર અપીલની ભૂમિવાનો પર ખાસ્સી અસર થતી અને જમીનો મળવા માંડી. ભૂદાન આંદોલનમાં જમીનોનું વિતરણ પણ સાથે જ થતું હતું.
18મી એપ્રિલ, 1951થી 10મી એપ્રિલ 1964ના તેર વર્ષ સુધી ભૂદાન આંદોલન ચાલ્યું. 58,741 કિલોમીટરની પદયાત્રામાં 42 લાખ એકર જમીન મળી. જે 18 લાખ જમીનવિહોણા પરિવારોને વહેંચવામાં આવી. તેમાં મોટાભાગના નિર્ધન દલિત, આદિવાસી, પછાત હતા. દેશમાં જે કુલ 13,000 ગ્રામદાન રજિસ્ટર થયા તેની બધી જમીન કે ભૂમિવાનોની વીસ ટકા જમીનો ગામની માલિકીની બની. ભૂદાન આંદોલન એક અહિંસક ક્રાંતિ હતી. તેણે કતલ કે કાનૂનના બદલે કરુણાના રસ્તે ગરીબી મિટાવી અને અમીરી ઘટાડી હતી. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભૂદાન આંદોલનની વ્યાપક અસર થઈ હતી. ગુજરાતે ભૂદાન આંદોલનમાં 1952થી 1958ના ગાળામાં 18,327 ભૂદાતાઓ પાસેથી 1,03,543 એકર જમીન મેળવી હતી.
પોણી સદીએ ભૂદાન આંદોલનનાં લેખાંજોખાં માંડતાં જણાય છે કે ભારતની ભૂમિ સમસ્યા ઉકેલવામાં તેનો અલ્પ ફાળો જરૂર છે. જમીનદારી નાબૂદીના કે જમીન ટોચમર્યાદાના કાયદા ઘડાયા કે તેને અદાલતી સમીક્ષાથી વેગળા રખાયા તેમાં ભૂદાન આંદોલનનું મહત્ત્વનું યોગદાન છે. મોટા જમીનદારોને જ્યારે ભૂદાનયાત્રીઓ મળતા ત્યારે તેઓ અભિમાન કે ગૌરવને બદલે દબાતા અવાજે પોતાની માલિકીની જમીનનો મોટો આંકડો કહેતા હતા. એટલે તેમને ભાવનાત્મક સ્તરે શરમિંદા કરવાનું કામ આંદોલને કર્યું હતું. આ આંદોલનમાં શબરીના બોર અને સુદામાના તાંદુલ જેવા દાન મળ્યાં હતાં તો પોતે ખપજોગી રાખીને બાકીની બધી જ જમીન દાન કરી હોય તેમ પણ બન્યું છે. એ અર્થમાં આંદોલનની વૈચારિક અને ભાવનાત્મક અસર બહુ પ્રબળ થઈ હતી.
ભૂદાન આંદોલનની ભૌતિક સફળતા ખાસ જોવા મળતી નથી. 1951માં ખુદ વિનોબાજીએ આંદોલનના આરંભે દેશના સઘળા ભૂમિહીનો માટે પાંચ કરોડ એકર જમીનની જરૂરિયાત ગણાવી હતી, પરંતુ લગભગ સવા દાયકાના અંતે આંદોલન સમેટાયું ત્યારે માંડ અડધો કરોડ એકર પણ જમીન મળી નહોતી. એટલે આવશ્યકતાના દસમા ભાગ જેટલી જમીન મળી હતી. ગુજરાતમાં જમીન તો એક લાખ એકર મળી, પણ તેમાંથી અડધી (50,984 એકર) જ વિતરીત કરી શકાઈ, કેમ કે બાકીની જમીનો કોર્ટ-કચેરી અને હકદાવાના ચક્કરમાં અટવાયેલી હતી. એટલે મળ્યા છતાં ન મળ્યા બરાબર હતી. આવું આખા દેશમાં પણ બન્યું હશે. 1951માં દેશમાં આશરે પાંચ લાખ ગામડાંમાંથી માત્ર તેર હજાર ગામો જ ગ્રામદાની બન્યાં તે સિદ્ધિ પણ સામાન્ય ગણાય.
ભૂદાન આંદોલનની એક અન્ય મર્યાદા એ રહી કે લોકોમાં ખાસ કરીને અમીરો અને જમીનદારોમાં દાનની લાગણી અને ભાવનાના જે ઊભરા વહેતા થયા તેને યોગ્ય રીતે અને સમયસર ચેનલાઈઝ અને ઈન્સ્ટિટ્યૂલાઈશન ન કરી શકાયું. ભૂદાન કરનાર જમીનદારો અને જમીન મેળવનાર જમીન વિહોણાઓનું કોઈ સંગઠન ન બનાવાયું. ભૂદાન અને ગ્રામદાનના કાયદા ઘડાયા તેમ ભૂદાનથી ઊભા થયેલા માહોલનો લાભ લઈને જમીન સુધારાના પ્રગતિશીલ કાયદા ઘડવા સરકાર પર દબાણ ઊભું કરવાની અમૂલ્ય તક પણ આંદોલને ન ઉઠાવી.
ભૂમિ સમસ્યા આજેય વણઉકલી છે. હવે તે વધુ તીવ્ર બની છે. ખેતીની જમીનોનું ઉદ્યોગો અને વિકાસ કામો માટે સરકાર બળજબરીથી અધિગ્રહણ કરે છે. મસમોટા ફાર્મહાઉસીસ અને કોર્પોરેટ ફાર્મિંગના જમાનામાં ખરા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૂદાન આંદોલનનું અમૃત વર્ષ ભૂમિ સમસ્યાને આજે અને અબઘડી ઉકેલવાનું આહ્વાન તો કરે છે, પણ સર્વોદયથી આરંભાયેલી મજલ આજે તો સબકા વિકાસના રાજકીય વિચારે આવી ઊભી છે તે અંગે વિચારવા વિવશ કરે છે. સાંભળો છો કોઈ?
