• લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌપ્રથમ વખત 1963 માં કાયદાવિદ્ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો

ગાંધીવાદી લોકનેતા અન્ના હજારેનું 2011 નું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન યાદ છે? તેને કારણે જ લગભગ સર્વાનુમતે સંસદે લોકપાલ-લોકાયુક્તને લગતો કાયદો ઘડ્યો હતો. આજે અન્ના આંદોલનના સવા અને લોકપાલ-લોકાયુક્ત અધિનિયમ-2013 ના એક દાયકે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થયાનું કે લાંચ-રુશવતની બદી ઘટ્યાનું લાગે છે ખરું? દેશના સર્વ રાજકીય પક્ષો પર જે લોકપાલનો કાયદો ઘડીને ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવાનું દબાણ ઊભું થઈ શક્યું હતું તે કાયદો નબળો કે બોદો લાગે અને સમસ્યા યથાતથ હોય ત્યારે નાગરિક માત્રને નિરાશા ઉપજે છે. આર્થિક ગેરરીતિઓ, લાગવગ, લાંચ કહેતાં ભ્રષ્ટાચારનો પડકાર કેટલો મોટો અને ગંભીર છે અને દેશવ્યાપી આંદોલન પછી પણ શઠ રાજકારણીઓની રાજકીય ઇચ્છાશક્તિના અભાવે તેનો કાનૂની માર્ગે મર્યાદિત ઉકેલ પણ શક્ય નથી બની શકતો તેનો રંજ થાય છે.

લોકતાંત્રિક દેશોમાં નાણાકીય ગેરરીતિ, લાગવગ, લાંચ, સત્તાનો દુરુપયોગ જેવા વહીવટીતંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટ આચારો અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભિકતાથી વિચાર કરી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા હોય તો લોકો ફરિયાદ કરી શકે અને તેની સમુચિત તપાસ કરી તેને દૂર કરી શકાય. આ પ્રકારની વ્યવસ્થા લોકોનો વહીવટમાં વિશ્વાસ ટકાવી રાખે છે.

દુનિયાના ઘણા દેશોમાં ભ્રષ્ટાચારની તપાસ માટે ઓમ્બુડ્સમેન કે લોકપાલ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકપાલનું પગેરું છેક 1809 ની સાલમાં સ્વીડનમાં મળે છે. વીસમી સદીમાં તેનો સંસ્થાગત વિકાસ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમાં ગતિ આવેલી જણાય છે. ફિનલેન્ડમાં 1920 થી સંસદીય લોકપાલ અસ્તિત્વમાં છે. નોર્વે અને ન્યૂઝીલેન્ડમાં 1962 માં લોકપાલની પ્રણાલી દાખલ થતાં તેનો વ્યાપક પ્રસાર થયો હતો. 1966 માં લોકપાલનો વિચાર અપનાવનાર ગુયાના પ્રથમ વિકાસશીલ અને 1967 માં તે અપનાવનાર બ્રિટન પ્રથમ લોકતાંત્રિક દેશો છે. મોરેશિયસ, સિંગાપુર અને મલેશિયાએ પણ તે પછી લોકપાલની રચના કરી છે.

ભારતમાં લોકપાલની રચનાનો દીર્ઘ ઇતિહાસ છે. 1960 ના દસકના આરંભે સૌપ્રથમ વખત તેનો વિચાર કાયદામંત્રી એ.એન.સેને સંસદમાં રજૂ કર્યો હતો. જોકે લોકપાલ અને લોકાયુક્ત શબ્દ સૌપ્રથમ વખત 1963 માં કાયદાવિદ્ અને સાંસદ લક્ષ્મીમલ સિંઘવીએ પ્રયોજ્યો હતો. મોરારજી દેસાઈના પ્રમુખપણા હેઠળના પ્રથમ વહીવટી સુધારણા પંચે 1966 માં સાંસદો સહિતના લોકસેવકો અને જાહેર સેવકોના ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે કેન્દ્ર અને રાજ્યોમાં લોકપાલ-લોકાયુક્તની રચનાની ભલામણ કરી હતી. તે અન્વયે 1969 માં ચોથી લોકસભામાં લોકપાલ-લોકાયુક્ત વિધેયક પસાર થયું હતું. આ વિધેયક રાજ્યસભામાં પડતર હતું તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં તે લેપ્સ ગયું. નહીં તો પચાસેક વરસ પહેલાં લોકપાલનો કાયદો અસ્તિત્વમાં આવી ગયો હોત ! 2002 માં બંધારણ સમીક્ષા પંચે અને 2005 માં બીજા વહીવટી સુધારણા પંચે પણ લોકપાલની ભલામણ કરી હતી. 1971 , 1977 ,1985 , 1989 , 1996 , 1998 , 2001 અને 2011 એમ કુલ આઠ પ્રયાસો પછી 2013 માં અન્ના આંદોલનના ધક્કે લોકપાલ વિધેયક સંસદે પસાર કર્યું હતું. 2014 થી તે અમલમાં આવ્યું છે. આ ક્રોનોલોજી દર્શાવે છે કે રાજનેતાઓ લોકપાલ કાયદાથી ડરતા હતા અને તેને ટાળતા હતા.

કેન્દ્રના લોકપાલ-લોકાયુક્ત કાયદા પૂર્વે ઘણાં રાજ્યોમાં લોકાયુક્તના કાયદા ઘડાયા હતા. એટલે ભ્રષ્ટાચાર નિવારણની દિશામાં કાનૂની માર્ગ અખત્યાર કરવામાં કેન્દ્ર કરતાં રાજ્યો આગળ હતાં. ઓડિશામાં 1970 માં, મહારાષ્ટ્રમાં 1971 માં અને ગુજરાતમાં 1986 માં રાજ્ય લોકાયુક્ત અધિનિયમ ઘડાયા હતા.

વડાપ્રધાન સહિતના મંત્રીમંડળના સભ્યો, સાંસદો અને કેન્દ્ર સરકારના તમામ શ્રેણીના અધિકારીઓના ભ્રષ્ટાચારની તપાસને આવરી લેતો 2013 નો અધિનિયમ તપાસથી માંડીને જપ્તી સુધીની ભલામણની સત્તા ધરાવે છે. જોકે લોકપાલ કોઈ બંધારણીય દરજ્જો ધરાવતી નહીં પણ વૈધાનિક સંસ્થા છે. એક ચેરપર્સન અને અન્ય આઠ સભ્યોના બનેલા લોકપાલની પસંદગી વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરેની બનેલી સમિતિએ કરવાની જોગવાઈ છે. 2014 માં અમલી બનેલા આ કાયદા હેઠળ પ્રથમ લોકપાલની નિમણૂક લગભગ પાંચ વરસે થઈ હતી.

રાજ્યોએ એક વરસમાં આ કાયદાની જોગવાઈ મુજબ લોકાયુક્તની રચના કરવાની હોય છે, પરંતુ આઠ રાજ્યોમાં હજુ 2013 ના કાયદા પ્રમાણે લોકાયુક્તની રચના થઈ નથી. કેટલાંક રાજ્યોમાં લોકાયુક્ત કે સભ્યોની જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં તો દસ વરસ કરતાં વધુ સમય આ જગ્યા ખાલી રહેવા પામી હતી. 2 013 ના કાયદાની કલમ-5 માં અધ્યક્ષ અને સભ્યોના કાર્યકાળ (70 વરસની વય અને પાંચ વરસ ) ની સમાપ્તિના ત્રણ મહિના પહેલાં નવી નિમણૂકો કરવાની જોગવાઈ છે. કેન્દ્રમાં લોકપાલનો કાર્યકાળ 2022 માં અને ત્રણ સભ્યોનો 2020 માં સમાપ્ત થઈ જવા છતાં હજુ નવી નિમણૂકો થઈ નથી.

પર્સોનલ, પબ્લિક ગ્રિવન્સીસ, લૉ એન્ડ જસ્ટિસ વિભાગ સંબંધી સંસદની સ્થાયી સમિતિએ લોકપાલની કામગીરી અંગે હળવામાં હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું છે કે `લોકપાલની કામગીરી સંતોષજનક પ્રતીત થતી નથી.' સમિતિના મતે સ્વચ્છ અને જવાબદાર શાસનમાં વૃદ્ધિના પ્રયાસો માટે લોકપાલની રચના થઈ છે. તેથી તેણે અવરોધકને બદલે સહાયકના રૂપમાં કાર્ય કરવું જોઈએ. પોતાની આલોચનાના આધાર તરીકે સમિતિએ જણાવ્યું છે કે 2022-23 ના વર્ષમાં લોકપાલને કુલ 2518 ફરિયાદો મળી હતી. તેમાંથી 2276 ( 90 ટકા) ફરિયાદો તેણે નિયત નમૂનામાં ન હોવાના કારણસર રદ કરી છે. બાકીની 242 માંથી 191 નો એટલે કે 88 ટકા ફરિયાદોનો નિકાલ દર્શાવી વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે, પરંતુ સમિતિએ વાસ્તવિક કે તથ્ય જણાય તેવી ફરિયાદો ટેક્નિકલ કારણસર રદ ન કરવા લોકપાલને સલાહ આપી છે. વળી ભ્રષ્ટાચારની જેમના પર ફરિયાદો છે એવી વ્યક્તિઓ પર ચાર વરસમાં લોકપાલે એક પણ કેસ ચલાવ્યો નથી તે અંગે સંસદીય સમિતિએ આઘાત અને આશ્ચર્ય વ્યક્ત કર્યાં છે.

રાજ્યોમાં લોકાયુક્તની કામગીરી પણ ઝાઝી વખાણવાલાયક નથી. ગોવાના લોકાયુક્ત તરીકેના કાર્યકાળની સમાપ્તિએ જસ્ટિસ પ્રફુલકુમાર મિશ્રએ તેમના અનુભવો અને પ્રતિભાવ લેખિત નિવેદન મારફત જણાવ્યા હતા. તેમણે લખ્યું છે કે લોકાયુક્તને માત્ર ભલામણની સત્તા છે. મેં રાજ્ય સરકારને 21 ભલામણો કરી હતી, પરંતુ એક પણ ભલામણ અંગે સરકારે કોઈ પગલાં લીધાં નથી. તો પછી લોકાયુક્તની જરૂર શું છે ? જનતાનાં નાણાંનો વેડફાટ કરવાને બદલે લોકાયુક્ત સંસ્થાને ખતમ કરી દેવી સારી. ઉત્તરાખંડમાં 2013 થી લોકાયુક્ત અને સભ્યોનાં પદ ખાલી છે,પરંતુ ઓફિસમાં 24 અધિકારી-કર્મચારી કામ (?) કરે છે. લોકપાલની કચેરી માટે સરકારે રૂ. 36 કરોડ 95 લાખની ગ્રાન્ટ ફાળવી હતી અને રૂ. 29 કરોડ 73 લાખનો ખર્ચ થયો છે. શું આ રીતે આપણે ભ્રષ્ટાચાર હઠાવી શકીશું ખરા?


  • Follow us on: