શહેરમાં પોતાના વિશાળ બિઝનેસને ચલાવતા સંજયને પોતાના કોર્ટકેસ માટે વારે ઘડીયે ગામડે આવવું પડતું હતું. બાપદાદાની જમીન પર અનેકાનેક લોકો રહી રહ્યા હતા. બાપદાદા એ કોઈ વખત ખુશ થઈને મફત રહેવા આપેલી જમીન પર વર્ષોથી રહેતા લોકોને દૂર કરવા હતા એને.

એક રાતે તે સૂઈ ગયો ત્યારે એને એક સપનું આવ્યું. સપનામાં તે પોતાના શહેરમાં જ હતો, પણ શહેર આખું જુદું હતું. અહીં બધું કાળું અને સફેદ હતું. વૃક્ષો, ઇમારતો, લોકો અને આકાશ બધું ફક્ત બે જ રંગોમાં. સંજયને આ ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું. અચાનક એક વૃદ્ધ તેની સામે પ્રગટ થયો. તેનો ચહેરો સફેદ અને આંખો અંધકારથી ભરપૂર હતી.

વૃદ્ધ બોલ્યો, "તારા હાથમાં આ શહેરને રંગ આપવાની શક્તિ છે. તું આ જગ્યાને જીવંત બનાવી શકે છે, પણ યાદ રાખ, દરેક રંગની કિંમત હોય છે.''

સુધીરે પહેલાં પાસેના એક વૃક્ષની ડાળીને સ્પર્શ કર્યો. ડાળી એના અડતાંની સાથે જ પોતાનો કાળો રંગ છોડી લીલીછમ થઈ ગઈ. આકાશ તરફ હાથ લંબાવતાં તે પોતાના આછા ભૂરા રંગનું બની ગયું. અડધા કાળા અને અડધા સફેદ રંગના માણસો પણ સંજયના અડતાંની સાથે જ પોતાના મૂળ રંગમાં આવી ગયા, પરંતુ થોડા સમય પછી તેને લાગ્યું કે તે પોતે ધીમે-ધીમે ફીકો થઈ રહ્યો છે. તેનું શરીર કાળું-સફેદ થઈ રહ્યું હતું.

વૃદ્ધ પાછો આવ્યો અને તે કહેવા લાગ્યો, "તેં જે રંગ આપ્યા, તે તારા અંદરના રંગોમાંથી લીધા છે. જો તું આગળ વધીશ, તો તારું અસ્તિત્વ જ નાશ પામશે.''

સંજય હેબતાઈ ગયો. તેણે પૂછ્યું, "આ શહેરને રંગીન બનાવવાની બીજી કોઈ રીત છે?''

વૃદ્ધ હસ્યો અને બોલ્યો, "ના, કંઈક મેળવવા માટે કશુંક છોડવું પડે છે.''

`પણ અહીં મને શું મળે છે?'

પેલા ઘરડા માણસે દૂર આંગળી કરતાં કહ્યું, "સંતોષ''.

સંજયે તે તરફ જોયું. તેના રંગોથી રંગીન થયેલા લોકો જબરદસ્ત ખુશ હતા. એમના હાસ્યમાં અને આંખોમાં જોતાં એક અજીબનો સંતોષ તેને થયો. એણે જોયું કે તેના અસ્તિત્વમાંથી બહાર નીકળેલા પ્રકાશથી આખું શહેર રંગોથી છલકાઈ રહ્યું છે. લોકોને જીવનમાં નવી ઊર્જા અનુભવાઈ રહી છે. બીજી તરફ થોડા લોકો હતા જે હજી પણ કાળા અને સફેદ રંગોમાં હતા. પેલો વૃદ્ધ માણસ કહી રહ્યો હતો કે જે મજા આપવામાં છે એ લઇ લેવામાં નથી.

અચાનક તે જાગી ગયો. સવાર થઈ ગઈ હતી અને બારીની બહાર આકાશમાં રંગબેરંગી ઇન્દ્રધનુષ હતું. એના રંગ જોતાં એને પોતાના સ્વપ્નનો અર્થ સમજાયો. એ હળવેકથી હસ્યો.

તૈયાર થઈ તેણે પોતાના વકીલને જમીનનો કેસ પોતાના તરફથી પાછો ખેંચવા ફોન કર્યો.