ક્રિતિ સેનને ડિમ્પલ કાપડિયા અને તબ્બુ વિશે શું કહ્યું?
બોલિવૂડની ટોપ ટેન એક્ટ્રેસીસમાં ક્રિતિ સેનનનું નામ આવે છે. તેણે અત્યાર સુધી બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. થોડા દિવસ પહેલાં જ તેણે ઈન્ટરવ્યૂમાં બોલિવૂડની નામી એક્ટ્રેસીસ ડિમ્પલ કાપડિયા અને તબ્બુ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. ડિમ્પલ કાપડિયા વિશે ક્રિતિએ જણાવ્યું હતું કે, ડિમ્પલ કાપડિયાનો રુઆબ સૌથી અનેરો છે. તેમની સ્ટાઇલ સાથે તેમનો કોન્ફિડન્સ કંઇક અલગ જ લેવલના જણાય છે. તેમની સાથે જો તમે વાતચીત કરો છો તો તમે ચોક્કસપણે તેમની સાથે ખેંચાઇ જાઓ છો. અલબત્ત, તમને તે સમયે લાગ કે તમે બસ તેમને જ સાંભળ્યા કરો. જ્યારે તમે તબ્બુમેમ સાથે કોઇ કામ કરી રહ્યાં છો તો તમને તેઓ કંઇક અલગ જ દુનિયામાં હોય એવું લાગશે એટલે કે કેમેરો ઓન થતાં જ તેઓ તેમના સો ટકા આપી દેતાં હોય છે. મને તેમની સ્માઇલ ખૂબ જ આકર્ષે છે અને મને તેમની સાથે હજી ઘણી ફિલ્મો કરવાની ચાહ છે.
મહેશબાબુ દિવસમાં બે વાર વર્કઆઉટ કરે છે
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહેશબાબુનું નામ આદરથી લેવાય છે. તેમણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. ભારતભરમાં તેમનો અલગ ચાહકવર્ગ છે. નોંધનીય છે કે, તેમણે બોલિવૂડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યાં છે. તાજેતરમાં જ નમ્રતા શિરોડકરની બહેન શિલ્પા શિરોડકરે મહેશબાબુના વર્કઆઉટ અને તેમના ભોજન વિશે સકારાત્મક નિવેદન આપ્યું હતું. શિલ્પા શિરોડકરે કોમેડિયન ભારતીસિંહના પોડકાસ્ટમાં કહ્યું હતું કે, સાચે જ મહેશબાબુની ઉંમર ક્રમશઃ ઓછી થતી જાય છે. તેઓ માત્ર સારા એક્ટર જ નહીં સારા પતિ પણ છે. તેઓ હંમેશાં હાર્ડ વર્કમાં માને છે. મારું કહેવું છે કે ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના કલાકાર હાર્ડવર્ક કરતા જ હોય છે, પરંતુ મેં મહેશબાબુને ખૂબ જ નજીકથી જોયા છે અને અનુભવ્યા છે, તેથી તેમના વિશે હું કહી શકું છું. તેઓ દિવસમાં બે વાર વર્કઆઉટ કરે છે અને ઘરનું જ ભોજન લેવાનો આગ્રહ રાખે છે. તેઓ ભાગ્યે જ પાર્ટીઓમાં જાય છે.
ગૌહર ખાને મુંબઇમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યું
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગૌહર ખાન ધીમે ધીમે આગળ આવી રહી છે. થોડા દિવસ પહેલાં જ તેણે મુંબઇના પોસ વિસ્તારમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યું હતું. ગૌહર ખાન અને તેના પતિ જૈદ દરબારે ત્રણ એપાર્ટમેન્ટ ખરીદ્યાં છે અને આ ત્રણેય એપાર્ટમેન્ટ મુંબઇના વર્સોવામાં જ ખરીદ્યાં છે. આ એપાર્ટમેન્ટ્સમાં બે એપાર્ટમેન્ટમાં ગૌહર અને જૈદનાં સંયુક્ત નામ છે જ્યારે અન્ય એકમાં ગૌહરનું નામ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટ 14મા અને 15મા માળે આવેલાં છે. અલબત્ત, આ બંને એપાર્ટમેન્ટની કિંમત અંદાજિત 7.33 કરોડ રૂપિયા અને અન્ય એક એપાર્ટમેન્ટની કિંમત 2.80 કરોડ આંકવામાં આવી છે. નોંધનીય છે કે, એક્ટ્રેસ ગૌહર ખાને વર્ષ 2020માં જ જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધાં હતાં. એક્ટ્રેસ ગૌહર ખાન છાશવારે સોશિયલ મીડિયા પર તેના પતિ સાથેની સેલ્ફી અથવા તો કપલ ફોટા પોસ્ટ કરતી રહેતી હોય છે. હાલમાં ગૌહર ખાન વેબ શો `લવલી લોલા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને તે અન્ય એક પ્રોજેક્ટ `ફૌઝી 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
ફિલ્મ `સનમ તેરી કસમ'માટે 215 છોકરીઓનું ઓડિશન લેવાયું હતું
વર્ષ 2016માં ફિલ્મ `સનમ તેરી કસમ' રિલીઝ કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઇ હતી, પરંતુ તેનાં ગીત હિટ રહ્યાં હતાં. નોંધનીય છે કે આ ફિલ્મમાં એક્ટ્રેસ માવરા હોકેનનું સિલેક્શન 215 છોકરીઓનાં ઓડિશન બાદ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર માવરાનું એક ઈન્ટરવ્યૂ હાલમાં જબરદસ્ત વાઇરલ થઇ રહ્યું છે. જેમાં માવરા કહે છે કે, આ ફિલ્મ માટે કુલ 215 છોકરીઓનું ઓડિશન લેવામાં આવ્યું હતું અને હું તેમાં 216 નંબરની છોકરી હતી. આ ઓડિશનમાં કોઇ પણ છોકરી રડતી વખતે સારી નહોતી લાગી રહી. અલબત્ત, આ ફિલ્મમાં હિરોઇનને વધારે પડતું રોવાનું હોવાથી મારી વિશેષ પસંદગી કરવામાં આવી હતી, કારણ કે હું રડતી વખતે પણ સારી લાગતી હતી. ખેર, હાલમાં આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. વધુમાં તે તાજેતરમાં રિલીઝ થેયલી ફિલ્મ `લવયાપા'ને પણ હંફાવી રહી છે. મૂળ આ ફિલ્મથી ફિલ્મનો હીરો હર્ષવર્ધન રાણે ફરીથી લાઇમ લાઇટમાં આવી ગયો છે.
આમિર સલમાનની ફિલ્મ રિ-રિલીઝ માટે તૈયાર છે
ત્રણ દસક જૂની ફ્લોપ ફિલ્મ ફરી એકવાર હિટ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નામ `અંદાજ અપના અપના' છે. મૂળ આ ફિલ્મમાં સલમાન ખાન, આમિર ખાન ઉપરાંત કરિશ્મા કપૂર, રવિના ટંડન અને પરેશ રાવલ છે. 1994માં આ ફિલ્મ રિલીઝ થઇ હતી તે સમયે બોક્સ ઓફિસ કમાલ કરી શકી ન હતી, પરંતુ પાછળથી આ ફિલ્મ જ્યારે ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી હતી ત્યારે દર્શકોએ તેને ખૂબ વખાણી હતી. અલબત્ત, આ પ્રેમને લઇને જ આ ફિલ્મના ફિલ્મમેકર્સે આ ફિલ્મને ફરીથી મોટા પડદે રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું ટીઝર પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં આ ફિલ્મ 27 માર્ચ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ખેર, હવે જોવું રહ્યું કે શું આ ફિલ્મ અન્ય
રિ-રિલીઝ ફિલ્મોની જેમ બોક્સ ઓફિસ છલકાવશે કે કેમ? નોંધનીય છે કે, આ ફિલ્મને 4Kમાં રિસ્ટોર અને રિમાસ્ટર કરવામાં આવી છે. તેમજ ફિલ્મનો સાઉન્ડ પણ ડોલ્બી 5.1માં અપગ્રેડ કરવામાં આવ્યો છે, જેથી દર્શકોને ફિલ્મ વધારે મનોરંજક લાગી શકે છે.
આર. માધવને કોરોનાકાળમાં એક નાની બોટ ખરીદી હતી
થોડા સમય પહેલાં જ આર. માધવનની રિ-રિલીઝ ફિલ્મ `રહના હૈ તેરે દિલ મેં' આવી હતી. જેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. જ્યારે કોરોનાકાળ ચાલતો હતો ત્યારે માધવન પોતાના દીકરાની સ્વિમિંગ ટ્રેનિંગ માટે દુબઇ જતા રહ્યા હતા. તે દરમિયાન તેઓ દુબઇના શહેરથી પ્રભાવિત થયા હતા. અલબત્ત, ત્યાં તેમણે એક બોટ પણ ખરીદી હતી અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે એ માટે તેમણે બોટ ચલાવવાનું લાઇસન્સ પણ મેળવી લીધું હતું. જ્યારે તેમને બોટ ચલાવવાના અનુભવ વિશે જણાવવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, બોટ ચલાવવી ખૂબ જ સરળ છે. મેં તેના માટે પંદરથી સોળ દિવસ ફાળવ્યા હતા અને બોટ ચલાવતા શીખી લીધું હતું. આર. માધવને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ખુદ જાણતો નથી કે તેની પાસે કેટલા પૈસા છે! પરંતુ તે પૈસાને વાપરી જાણે છે. આર. માધવનને જે વસ્તુ પસંદ આવે છે તેને તે ખરીદી લે છે.