આપણે ત્યાં મુહૂર્તશાસ્ત્રમાં તથા કાર્યસિદ્ધિ માટે ઉપયોગી વિવિધ યોગો પૈકી ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગ વધુ મહત્ત્વનો ગણાય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં આ યોગનું વિશેષ મહત્ત્વ છે. ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગની વિશે જાણીએ.


આકાશમાં રાશિચક્રની મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન એમ બારેય રાશિઓમાં ચંદ્ર એક ભ્રમણ આશરે 28 (અઠ્ઠાવીસ) દિવસમાં કરે છે. રાશિચક્ર 360 અંશનું છે. આ રાશિચક્રમાં 12 રાશિઓ હોવાથી દરેક રાશિ 30 (ત્રીસ) અંશની છે. આ રાશિચક્રના કાલ્પનિક રીતે 27 (સત્યાવીસ) સરખા ભાગ પણ કરવામાં આવ્યા છે. આ પ્રત્યેક ભાગ નક્ષત્ર તરીકે ઓળખાય છે. આમ, દરેક નક્ષત્ર 13 અંશ અને 20 કળાનું બને છે. એક રાશિમાં સવા બે નક્ષત્ર સમાય છે. ચંદ્ર એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. તે હિસાબે ચંદ્ર એક નક્ષત્રમાં આશરે ચોવીસ કલાક રહે છે. પંચાંગની ભાષામાં આને ચંદ્ર નક્ષત્ર કે દૈનિક નક્ષત્ર કહે છે.

ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય તો ગુરુપુષ્યામૃત નામનો ઉત્તમ અમૃતસિદ્ધિ યોગ બને છે. સાદી ભાષામાં કહેવું હોય તો ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ એટલે ગુરુવારે ચંદ્રનું પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ હોય તે ચોક્કસ સમયગાળો. પુષ્ય નક્ષત્રનો સમાવેશ કર્ક રાશિમાં છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આમ, પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર સ્વગૃહી થતો હોવાથી આપોઆપ વિશેષ શુભત્વ મળે છે. આ દિવસે અગત્યનાં દસ્તાવેજી કાર્ય, પ્રવાસ, યાત્રા, મોટી નાણાકીય લેવડદેવડ, સ્થાવર-જંગમ મિલકત ખરીદી, ઔષધ-ચિકિત્સા કર્મ વગેરે કાર્યો કરવાથી સફળતાના સંજોગો વધુ ઉજળા બને છે. અવરોધ હળવા બને છે. સોનુ, ચાંદી, રત્ન- ઝવેરાતની ખરીદી, મંત્રસિદ્ધિ તથા વિદ્યાભ્યાસ માટે આ યોગનો વિશેષ લાભ મેળવી શકાય. જ્ઞાનવિજ્ઞાનનાં સાધનોની ખરીદી માટે, વિદ્યા ઉપાસના તથા સંગીત સાધના માટે ઉત્તમ ગણાય છે.

આયુર્વેદની દૃષ્ટિએ નાનાં બાળકોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય તે દિવસે સુવર્ણપ્રાશન કરાવવામાં આવે છે. ચંદ્ર દર 27 દિવસે પુષ્ય નક્ષત્રમાં આવે છે, પરંતુ સુવર્ણપ્રાશન વિધિની શરૂઆત માટે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ ખાસ પસંદ કરાય છે. અગાઉનાં વર્ષોમાં જૂનાં અને હઠીલાં દર્દોના ઉપચાર માટે વૈદ્યાચાર્યો અને હકીમો પુષ્ય નક્ષત્રના દિવસને પસંદ કરતા હતા. અપવાદ રૂપે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે લગ્ન-વિવાહનાં મુહૂર્ત માટે નિષેધ (મનાઈ) છે. આમ, ચંદ્રનક્ષત્ર પુષ્ય હોય તે દિવસે વિવાહ, સગાઈ- વેવિશાળનું મુહૂર્ત આપવામાં આવતું નથી.

ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ ક્યારે છે?

જેઠ સુદ છઠ્ઠ ને ગુરુવાર તા. 25-05-2023ના રોજ ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ છે. સવારે સૂર્યોદયથી સાંજે ક. 17:53 સુધી આ શુભ યોગ રહેશે.

બારેય રાશિવાળાએ શું કરવું જોઈએ?

(1) મેષ રાશિવાળાને આ યોગ ગોચરમાં ચોથા સુખસ્થાને થતો હોવાથી સુખ-સમૃદ્ધિ માટે મહાલક્ષ્મીજીની સ્તુતિ તથા મંગળના મંત્ર કરવા જોઇએ.

(2) વૃષભ રાશિવાળાને આ યોગ ગોચરમાં ત્રીજા પરાક્રમ સ્થાને થતો હોવાથી કાર્યસિદ્ધિ માટે કુળદેવી માતાજીની ભક્તિ તથા શુક્રના મંત્ર કરવા જોઈએ.

(3) મિથુન રાશિવાળાને આ યોગ ગોચરમાં બીજા ધનસ્થાને થતો હોવાથી આર્થિક લાભ માટે મહાલક્ષ્મીજીની સ્તુતિ તથા બુધના મંત્ર કરવા જોઈએ.

(4) કર્ક રાશિવાળાને આ યોગ પોતાની રાશિમાં જ (પ્રથમ સ્થાને) થતો હોવાથી આરોગ્યવૃદ્ધિ માટે સૂર્યનારાયણની સ્તુતિ તથા ચંદ્રના મંત્ર કરવા જોઈએ.

(5) સિંહ રાશિવાળાને આ યોગ ગોચરમાં બારમા વ્યયસ્થાને થતો હોવાથી ખર્ચમાં રાહત માટે કુળદેવી માતાજીની ભક્તિ તથા સૂર્યના મંત્ર કરવા જોઈએ.

(6) કન્યા રાશિવાળાને આ યોગ ગોચરમાં અગિયારમે (લાભ) સ્થાને થતો હોવાથી આર્થિક લાભ માટે મહાલક્ષ્મીજીની સ્તુતિ તથા બુધના મંત્ર કરવા જોઇએ.

(7) તુલા રાશિવાળાને આ યોગ ગોચરમાં દસમે (કર્મ) સ્થાને થતો હોવાથી સફળતા માટે ઇષ્ટદેવની સ્તુતિ તથા શુક્રના મંત્ર કરવા જોઇએ.

(8) વૃશ્ચિકના જાતકોને આ યોગ ગોચરમાં નવમે (ભાગ્ય) સ્થાને થતો હોવાથી ભાગ્યોદય તથા કાર્યસિદ્ધિ માટે ગણપતિની ભક્તિ ને મંગળના મંત્ર કરવા જોઇએ.

(9) ધનુ રાશિવાળાને આ યોગ ગોચરમાં આઠમા સ્થાને થતો હોવાથી આરોગ્ય વૃદ્ધિ માટે સૂર્યનારાયણની સ્તુતિ તથા ગુરુના મંત્ર કરવા જોઇએ.

(10) મકર રાશિવાળાને આ યોગ ગોચરમાં સાતમા સ્થાને થતો હોવાથી જીવનસાથીની પ્રગતિ તથા રોજિંદી આવકમાં વૃદ્ધિ માટે લક્ષ્મીનારાયણની સ્તુતિ તથા શનિના મંત્ર કરવા જોઇએ.

(11) કુંભ રાશિવાળાને આ યોગ ગોચરમાં છઠ્ઠા સ્થાને થતો હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા તથા જ્ઞાનવૃદ્ધિ માટે સૂર્યનારાયણની ભક્તિ, હનુમાનજીની ભક્તિ તથા શનિના મંત્ર કરવા જોઈએ.

(12) મીન રાશિવાળાને આ યોગ ગોચરમાં પાંચમા સ્થાને થતો હોવાથી વિદ્યાભ્યાસ તથા સંતાન અંગેના પ્રશ્નમાં સફળતા માટે સરસ્વતીની પ્રાર્થના, ગાયત્રી મંત્રનું સ્મરણ તથા ગુરુના મંત્ર કરવા જોઇએ.


  • Follow us on: