તાજેતરમાં સરકાર દ્વારા આયાત ડયૂટીમાં 20 ટકાનો વધારો કરવામાં આવતાં ક્રૂડ અને ખાદ્ય તેલના ભાવ પર ભારે દબાણ સર્જાતા ફુગાવાનો દર ફરી ઊછળી રહ્યો છે. ખાસ કરીને પામ, સનફ્લાવર અને સોયાબીનના રિટેલ ભાવમાં વધારો થયો છે.


જે વધતાં જતાં ફૂડના ભાવો માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ખાસ કરીને ખાણી-પીણીના સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ માટે આ સ્થિતિ માથાનો દુઃખાવો બની છે. વૈશ્વિક ખાદ્ય તેલની કિંમતોમાં વધારો થવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જેથી રિટેલ કિંમતો વધુ પ્રમાણમાં વધી છે. સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ ડેટામાં થઈ રહેલી ઝડપી વૃદ્ધિની પુષ્ટિ કરવામાં આવી હતી, એમ મદુરાઈ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્સ એસોસિએશનના વી.ક્રિશ્નામૂર્તિએ જણાવ્યું હતું. મોંઘવારીને કારણે ઘરનું બજેટ ખોરવાતું હોવાથી 29 ટકા ભારતીય પરિવારોએ જરૂરી વસ્તુઓ અને લીલા શાકભાજીનિા વપરાશ પર પહેલાથી જ અંકુશ મૂકી દીધો છે. ખાદ્ય તેલના ભાવમાં વધારો થવાથી ગ્રાહકો પર વધુ બોજો પડી શકે છે. વળી તેલના વધતાં ભાવો ઉત્પાદન ખર્ચમાં પણ વધારો કરશે.

યૂનાઈટે નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)ના વેજીટેબલ ઓઈલ પ્રાઈસ ઈન્ડેક્સે સપ્ટેમ્બરમાં સરેરાશ 142.4 પોઈન્ટની ભારે વૃદ્ધિ નોંધવામાં આવી હતી. જે ઓગસ્ટની સરખામણીએ 62 પોઈન્ટ (4.6 ટકા) વધુ છે. આ આંકડો 2023ની શરૂઆત બાદના સર્વોચ્ચ સ્તરને દર્શાવે છે. આ સૂચકાંક વૈશ્વિક સ્તરે કારોબાર કરતાં ટોચના દસ વનસ્પિત તેલોની કિંમતોને ટ્રેક કરે છે. જેમાં પામ, રેપસીડ, સનફ્લાવર અને સોયાબીન તેલોની વધતી કિંમતોને આભારી છે. એફએઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, પામતેલના ભાવમાં સતત ચોથા મહિને વધારો થયો છે, જે મુખ્ય દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં અપેક્ષિત મોસમી ઉત્પાદનમાં ઘટાડા સાથે અપેક્ષિત કરતાં ઓછા ઉત્પાદનની ચિંતાને કારણે છે.

ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાની અસર રોજબરોજની ચીજવસ્તુઓની કિંમતો પર પડવા લાગી છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝયૂમર ગુડ્સ (એફએમસીજી) કંપનીઓ ખાસ કરીને પામ તેલ અને કોપરાના વધતાં ઈનપુટ ખર્ચને નિયંત્રિત કરવા માટે ઘરેલૂં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે, રસોઈ તેલ, સાબુ અને ડિટર્જન્ટના ભાવ વધારવા માટેની યોજના બનાવી રહ્યાં છે. ગોદરેજ કન્ઝયૂમર પ્રોડક્ટસે તેના સપ્ટેમ્બર કવાર્ટરના અપડેટમાં પામ ઓઈલના વધેલા ભાવને કારણે કઠિન ઓપરેટિંગ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં માર્ચ મહિનાથી નોંધપાત્ર વધારો થયો છે. જો કે કંપનીઓએ ગ્રાહકો પર વધુ બોજો ન પડે માટે એકી સાથે ભાવ વધારો કરવાનું ટાળ્યું છે. ખાસ કરીને મોટા પેકિંગ પરની વસ્તુની કિંમતોમાં ધીમે ધીમે વૃદ્ધિ કરવામાં આવી રહી છે. આ જ પ્રમાણે મેરિકોએ પણ જણાવ્યું છે કે, આયાત ડયૂટીમાં વધારો થવાને કારણે કોપરના ભાવ અને વનસ્પતિ તેલના વધતાં ખર્ચ અપેક્ષા કરતાં વધુ છે. ક્રૂડ ઓઈલના ડેરિવેટિવ્ઝ પ્રમાણમાં સ્થિર હોવા છતાં કંપની આગામી મહિનાઓમાં તેના ગ્રોસ માર્જિનમાં મધ્યસ્થ રહેવાની અપેક્ષા રાખે છે. કારણ કે, તે તેના ગ્રાહક આધારને જાળવી રાખવાના પ્રયાસમાં કેટલાક ઊંચા ઈનપુટ ખર્ચને શોષી લે છે. ભારતમાં ફુગાવો પણ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2024માં છૂટક ફુગાવા વધીને 5.49 ટકા થયો હતો. જે ઓગસ્ટમાં 3.65 ટકા અને જૂલાઈમાં 3.54 ટકા હતો. આ તીવ્ર વધારો હવામાન પરિસ્થિતિઓ અને ઉચ્ચ પાયાની અસરને આભારી છે. ગ્રામીણ ફુગાવો 5.87 ટકા અને શહેરી ફુગાવો 5.05 ટકા પર પહોંચ્યો હતો.


  • Follow us on: