બાળકો, બગીચામાં પતંગિયાંને ઊડતાં તમે જોયાં હશે. વૈજ્ઞાનિકોના મત મુજબ પતંગિયાંની ઉત્પત્તિ આજથી દસ કરોડ વર્ષ પહેલાં થઇ હતી. આપણને એકસરખા લાગતાં પતંગિયાં આશરે અઠ્ઠાવીસ હજાર પ્રકારનાં હોય છે. પતંગિયાંની રંગબેરંગી પાંખ તો તમે જોઇ જ હશે.


એ પાંખ દ્વારા કરવામાં આવતા અવાજ થકી તે અન્ય પતંગિયાંના સંપર્કમાં રહે છે. આ ઉપરાંત પતંગિયાં એકબીજાના સંપર્કમાં રહેવા માટે પોતાની આગવી સુગંધ ઉત્પન્ન કરે છે. જેને બીજાં પતંગિયાં બે કિલોમીટર દૂર હોય તો પણ સૂંઘી લે છે. તેમનું વજન ગુલાબની બે પાંખડીઓ જેટલું જ હોય છે.

નર પતંગિયાં કરતાં માંદા પતંગિયાં વધારે મોટાં હોય છે. તેઓ નર પતંગિયાં કરતાં વધારે જીવે પણ છે. પતંગિયાં લાલ, લીલો અને પીળો રંગ ઝડપથી જોઇ શકે છે. તેઓ સાંભળી શકતાં નથી, પણ તેમનામાં કંપનને પારખવાની અદ્ભુત શક્તિ રહેલી હોય છે, તેથી તે શિકારીઓના કંપનને બહુ સારી રીતે ઓળખી જાય છે અને પોતાની જાતને બચાવે છે.

એન્ટાર્કટિકા સિવાય બધી જ જગ્યાએ પતંગિયાં જોવા મળે છે. ઘણાં પતંગિયાંની પાંખ ઉપર સુંદર પેટર્ન હોય છે. તેને કારણે તે ફૂલોના રંગ અને રૂપની અંદર ભળી જાય છે. તેથી તે શિકારીઓથી સુરક્ષિત રહી શકે છે. વાતાવરણમાં આવતા પરિવર્તનની અસર જેમ આપણા ઉપર પડે છે એ રીતે પતંગિયાં ઉપર પણ પડે છે. પતંગિયાંની એક જાત એવી છે કે તે ઠંડીમાંથી બચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ઊડતાં રહે છે.

વિશ્વનું સૌથી મોટા કદનું પતંગિયું ઓર્નિયોપ્ટેરો અલેક્ઝન્ડિયા જાતિનું હોય છે. તેમજ ભારતમાં જોવા મળેલું સૌથી મોટું પતંગિયું કોમન બર્ડનિંગ છે અને સૌથી નાનું પતંગિયું ગ્રાસ જ્વેલ છે. મોનાર્ક નામના પતંગિયાંની પ્રજાતિ દર શિયાળામાં આશરે 2500 માઇલની યાત્રા કરે છે. પતંગિયાંની અમુક પ્રજાતિ ફક્ત એક જ પ્રકારના છોડ ઉપર ઇંડાં મૂકે છે. તમને જાણીને નવાઇ લાગશે કે પતંગિયાંને ચાર પાંખ હોય છે. તેની જીભ લાંબી હોય છે, એનાથી તે ખોરાક લે છે. સ્કિપન નામનું પતંગિયું ઘોડા કરતાં પણ ઝડપથી ઊડી શકે છે. સમાન્ય રીતે પતંગિયાંનું આયુષ્ય ત્રણથી ચાર અઠવાડિયાંનું હોય છે.

પતંગિયાં ફૂલોનો રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે. જ્યારે કેટલાંક પતંગિયાં પાકેલાં કેળાંમાંથી ખોરાક આરોગે છે. ઘણાં પતંગિયાં પશુઓના મળમાંથી પોતાનો ખોરાક મેળવે છે. તેઓ દિવસ દરમિયાન ખોરાકની શોધમાં નીકળે છે અને રાત્રે નિષ્ક્રિય થઇ આરામ કરે છે. ધરતી ઉપર એવાં ઘણાં પક્ષીઓ અને જીવજંતુઓ છે જેઓ પતંગિયાંનો શિકાર કરીને તેને ખાઇ જાય છે. કેટલાંક પતંગિયાં ઝેરીલાં પણ હોય છે, પરંતુ આવા ઝેરી પતંગિયાં ભાગ્યે જ જોવા મળે છે.

  • Follow us on: