ઘણા લોકો પોતાના મગજ પર કાબૂ નથી ધરાવતા. સવારે ઊઠીને પોતાના જીવનને બહેતર બનાવવા માટે જાતજાતના સંકલ્પ લેનારા લોકો મોમોઝની લારી પાસેથી પસાર થાય, સોશિયલ મીડિયા પર એકાદ રીલ જોઈ નાખે કે કોઈ સુંદર યુવતીની બાજુમાંથી પસાર થવા મળે એટલે બીજી જ ક્ષણે તમામ સંકલ્પોનું અચ્યુતમ કેશવમ કરી નાખતા હોય છે.

મોટિવેશનલ સ્પીકર્સથી માંડીને કાઉન્સેલર્સ આને નબળું માઈન્ડસેટ ગણાવે છે. સાથે જ મનોબળ મજબૂત બનાવવા માટે કેટલીક ટિપ્સ આપે છે. આ `ટિપ્સ' એટલે શું? આ એક પ્રકારનું `ન્યૂરોહેકિંગ' છે. સરળ ભાષામાં સમજવા માટે કહી શકાય કે માઈન્ડ હેકિંગ એટલે મગજ પાસે એની સામાન્ય કાર્યક્ષમતા કરતાં વધુ કામ લેવું. આ પ્રોસેસ દ્વારા દિવસના 4-5 કલાક માંડ કામ કરી શકતા માણસો 10-12 કલાક કામ કરવા યોગ્ય બની શકે. જો માઈન્ડ હેકિંગમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ ભળે, તો અપંગ વ્યક્તિ પણ ચાલી શકવા સમર્થ બનશે, એવું ભવિષ્ય ક્ષિતિજે ડોકાઈ રહ્યું છે. અમુક પ્રકારની માનસિક ક્ષતિ સાથે જન્મતાં બાળકો માટે પણ માઈન્ડ હેકિંગ આશીર્વાદરૂપ બની શકે છે. મસ્તિષ્ક હેક કરવું એટલે પ્રતિક્રિયા સમય (reflexes) ઘટાડવો, નવું શીખવાની પ્રક્રિયા ઝડપી બનાવવી તેમજ સાઈકોલોજિકલ-ન્યુરોલોજિકલ ખામીઓનું નિવારણ કરવું. તમે સ્લો લર્નર હોવ, ડિપ્રેશનથી પીડાતા હોવ કે કરોડરજ્જુની ઈજાને કારણે અપંગ હાલતમાં હોવ, તો તમારી આ સમસ્યાઓનું નિવારણ થવાની શક્યતા માઈન્ડ હેકિંગમાં દેખાઈ રહી છે. વડીલો બદામનું નિયમિત સેવન કરવા કહે છે, એ પણ એક પ્રકારનું માઈન્ડ હેકિંગ જ છે. બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. વળી, એનાથી અલ્ઝાઇમરનું જોખમ પણ ઘટે છે. એટલે મોટી ઉંમરે ભૂલવાની બીમારી નથી થતી. એ રીતે જોઈએ તો માઈન્ડ હેકિંગનો ઇતિહાસ બહુ જૂનો છે. સદીઓથી આપણે વિવિધ વનસ્પતિજન્ય ખોરાક દ્વારા મગજની શક્તિઓ વિકસાવવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ ટેક્નોલોજીના વિકાસ અને વૈજ્ઞાનિક સંશોધનોને પગલે આધુનિક સમયમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે માઈન્ડ હેકિંગ થઇ શકે છે. (1) ઓરલ સપ્લિમેન્ટ્સના સેવન દ્વારા (2) ટ્રેનિંગ એક્સરસાઈઝ દ્વારા અને (3) ઇલેક્ટ્રિક કરંટ દ્વારા.

 (1) ઓરલ સપ્લિમેન્ટ્સનું સેવન : ઉપર જણાવ્યું એમ આપણા પૂર્વજો સદીઓથી આ મગજની કાર્યક્ષમતા વધે એ માટે વિવિધ ખોરાક ઉપર આધાર રાખતા રહ્યા છે. `નૂટ્રોપિક્સ' (Nootropics) એટલે વિશિષ્ટ પ્રકારના કેમિકલ કમ્પાઉન્ડ, જેના સેવન દ્વારા મગજની કાર્યક્ષમતા (cognitive functions) વધતી હોય. એમાં ઘણી વાર ડ્રગ્સ જેવી જ અસર વર્તાય છે. આ કેમિકલ કમ્પાઉન્ડ્સ `સિન્થેટિક નૂટ્રોપિક્સ' તરીકે ઓળખાય છે. `નેચરલ નૂટ્રોપિક્સ'માં એન્ટિ ઓક્સિડન્ટ્સ અને વિટામિન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ થાય છે. નેચરલ નૂટ્રોપિક્સમાં ખોરાકમાંથી મળતાં એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સપ્લિમેન્ટ્સનો સમાવેશ થાય છે. આધુનિક સમયમાં લેબમાં પ્રોડ્યુસ થતાં સિન્થેટિક નૂટ્રોપિક્સ પણ ભારે ચલણમાં છે, પણ એની હાનિકારક અસરોનો મુદ્દો અવગણી શકાય એમ નથી.

 (2) ટ્રેનિંગ એક્સરસાઈઝ : અમુક પ્રકારની શારીરિક માનસિક ટ્રેનિંગ દ્વારા ન્યુરોન્સ વચ્ચેના કનેક્શન્સને મજબૂત બનાવી શકાય છે. આ માટે કેટલીક બ્રેઈન ગેમ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ગેમ્સ મગજની કાર્યક્ષમતાને વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. સેરિબ્રલ પાલ્સી સાથે જન્મેલ બાળકોને પણ અમુક ગેમ્સ દ્વારા ટ્રેનિંગ આપી શકાય છે.

 (3) ઇલેક્ટ્રિક કરંટ : માઈન્ડ હેકિંગ માટે ત્રીજી અને ભવિષ્યની સૌથી અસરકારક ગણાતી પદ્ધતિ છે `ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિક કરંટ'. તમે એને ન્યૂરોહેકિંગ પણ કહી શકો. આ પદ્ધતિમાં માઈક્રોચિપ્સ, ન્યૂરોસ્ટિમ્યુલેટર વગેરેનો ઉપયોગ થાય છે. ધારો કે અકસ્માતનો ભોગ બનેલ કોઈ વ્યક્તિને કરોડરજ્જુમાં ગંભીર ઇજા પહોંચી છે, જેના કારણે મસ્તિષ્ક અને શરીરનાં અંગો વચ્ચેનો સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં માણસ પેરેલાઈઝ્ડ થઇ જાય. બાકીનું જીવન વ્હીલચેર કે પથારીમાં જ વિતાવવાનો વારો આવે. કેમ કે, કરોડરજ્જુમાં પડેલું ભંગાણ સાંધવાનો કોઈ ઉપાય આજની તારીખે વિજ્ઞાન પાસે નથી. હવે ધારો કે વિજ્ઞાનીઓ મનુષ્યના મસ્તિષ્કમાં અને કરોડરજ્જુના નીચેના હિસ્સામાં ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચિપ્સ બેસાડી દે, તો આ બંને ચિપ્સ વચ્ચે કરોડરજ્જુની મદદ વિના જ ઈલેક્ટ્રોનિક મેસેજીસ સ્વરૂપે સંદેશવ્યવહાર થઇ શકે, ખરુંને! પછી મગજ જે વિચારે, એ મુજબનો સંદેશો મગજમાં બેસાડેલી ઈલેક્ટ્રોનિક ચિપ દ્વારા કોડિંગ થઈને કરોડરજ્જુના નીચેના હિસ્સામાં બેસાડેલી ચિપ સુધી પહોંચી જાય. આ ચિપ પેલા ઈલેક્ટ્રોનિક મેસેજને ડીકોડ કરીને બાયોલોજિકલ સિગ્નલ તરીકે શરીરનાં નીચેનાં અંગો સુધી પહોંચાડે અને અંગો એ મુજબ કાર્ય કરે! જો ખરેખર આવું શક્ય બને તો અપંગ માણસ પણ ચાલતો થઇ જવાની સંભાવના પ્રબળ બને.

તમને આ વાત જો ટાઢા પહોરનાં ગપ્પાં જેવી લાગતી હોય, તો એક વાર ગૂગલ પર Deep brain stimulation લખીને સર્ચ કરી લેજો.

 વિજ્ઞાનની મોટાભાગની શોધ સાથે એના દુરુપયોગનો ખતરો હોય જ છે. ન્યૂરોહેકિંગ ક્ષેત્રે જે સંશોધનો થઇ રહ્યાં છે, એનાથી ભવિષ્યમાં ઈજાને કારણે વેઠવી પડતી પંગુતાના સંપૂર્ણ નિવારણની શક્યતા રહેલી છે. તો બીજી તરફ રાક્ષસી કોર્પોરેટ જાયન્ટ કંપનીઝ મોટી સંખ્યામાં લોકોનું બ્રેઈન હેકિંગ કરીને એમને `ઇન્ટેલેક્ચ્યુઅલ સ્લેવ' એટલે કે બૌદ્ધિક ગુલામ બનાવી મૂકે, એવી ભયાવહ શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આશા રાખીએ કે બધું સારી દિશામાં આગળ વધે.