આવતી કાલે દુનિયાભરમાં પર્યાવરણ દિવસ ઉજવાશે. જે રીતે ધરતીનું તાપમાન વધી રહ્યું છે, એ જોતાં આ દિવસની ઉજવણી ફક્ત ઔપચારિક બની રહી છે.

એ ઉજવણીથી ધરતીને કોઈ લાભ થયો નથી. એ અલગ વાત છે કે અનેક લોકો એવાં કામો કરતા રહે છે કે જેથી પર્યાવરણ અને તેને કારણે ધરતી પર જીવન ટકી રહેશે. હાલમાં એક એવો જ પ્રયાસ ચિલીના વરસાદનાં વનોમાં થઈ રહ્યો છે. એ વનમાં એક 5400 વર્ષ જૂના આલ્સેરેસી નામના એક વૃક્ષને બચાવવા માટેનો પ્રયાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

એમ તો કહેવાતા વિકાસે જ પર્યાવરણની ઘોર ખોદી નાંખી છે. રસ્તા અને બીજાં બાંધકામો માટે વૃક્ષો કપાતાં રહ્યાં છે. જમીન મેળવવા માટે વૃક્ષોને કાપી નાંખતા આપણે ખંચકાતા નથી, તો ઘર કે ફર્નિચર બનાવવા માટે પણ વૃક્ષને કાપી નાંખીએ છીએ. એવાં જ વૃક્ષોને નામશેષ કરતા વિકાસનું વરવું રૂપ ચિલીમાં જોવા મળી રહ્યું છે. એક હાઈવે પ્રોજેક્ટમાં આડે આવતા એ વૃક્ષને કાપી નાંખવા માટે વહીવટી તંત્રે તૈયારી કરવા માંડી છે, તો બીજી તરફ કેટલાય પર્યાવરણ પ્રેમીઓ એ વૃક્ષને બચાવવા માટે ટહેલ નાખી રહ્યા છે. યાદ રહે કે આપણે ત્યાં પણ વૃક્ષો બચાવવા માટે ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું. ખૈર, એક જ વૃક્ષને બચાવવા માટે લોકો આંદોલન કરવા પણ તૈયાર હોય એવું પહેલી વખત બની રહ્યું છે, ત્યારે સવાલ એ જરૂર થાય કે આ વૃક્ષમાં એવું તે શું છે?

ચિલીના વર્ષા વનમાં સદીઓથી જોવા મળતાં આલ્સેરેસી વૃક્ષોને પેટાગોનિયન સાયપ્રસ અથવા ફિટ્ઝોયા કપ્રેસોઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષો વિશ્વના સૌથી આબોહવા-સંવેદનશીલ વૃક્ષોમાંના એક પણ છે. તેના થડની અંદરના દરેક વલયમાં એક એક વર્ષના હવામાનના મૂલ્યનો રેકોર્ડ છે. આ વલયનો અભ્યાસ કરીને સંશોધકો હજારો વર્ષ પહેલાંના હવામાન ચક્રનું પુનર્નિર્માણ કરી શકે છે. આ એવો ડેટા છે જે આ પ્રદેશની અન્ય કોઈ પ્રજાતિ પાસે નથી. આ વૃક્ષોનો દાયકાથી અભ્યાસ કરતાં ચિલીના વૈજ્ઞાનિક રોસિયો ઉરુટિયા આ વૃક્ષોને જ્ઞાનકોશ માને છે. રોસિયોના સંશોધનથી 5,680 વર્ષ જૂના તાપમાનના ડેટાનું પુનર્નિર્માણ કરવામાં મદદ મળી છે. વૃક્ષની ઉંમર શોધવા માટે વૈજ્ઞાનિકો ઘણીવાર થડનો એક ભાગ દૂર કરે છે. આ માટે `ઇન્ક્રિમેન્ટ બોરર' નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એ ભાગ કાઢીને તેમાં ઘણાં વર્ષોથી બનેલા વલયની સંખ્યા ગણવામાં આવે છે. ઘણાં જૂનાં વૃક્ષોએ તેમના થડનો મુખ્ય ભાગ ઘણા સમય પહેલાં ગુમાવી દીધો હોય છે, તેથી વૈજ્ઞાનિકોએ વૃક્ષની ઉંમરનો અંદાજ કાઢવા માટે દૃશ્યમાન રિંગ્સ તેમજ આંકડાકીય મોડલો પર આધાર રાખવો પડે છે, જે કુલ રિંગ્સની સંખ્યાનો અંદાજ લગાવે છે. વૈજ્ઞાનિકો એ પણ માપે છે કે જંગલ કેટલું કાર્બન શોષી લે છે અને ઉત્સર્જિત કરે તેનું માપન પણ વિજ્ઞાનીઓ કરે છે. સ્વાભાવિક છે કે વૃક્ષ જેટલું મોટું હોય છે, દરેક વૃક્ષ રિંગ્સ વચ્ચેની જગ્યા એટલી જ જાડી હોય છે. વધુ વૃદ્ધિનો અર્થ એ છે કે વધુ કાર્બન શોષાય છે. પૃથ્વી ગરમ થતાં જંગલો કેવી રીતે બદલાય છે તે સમજવા માટે આ માપ મહત્ત્વપૂર્ણ છે.

હવે આ સદીઓ જૂનાં વૃક્ષો જોખમમાં છે. ચિલી સરકારે નવો હાઇવે બનાવવા માટે જૂના રસ્તાને ફરીથી ખોદી કાઢવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રસ્તો સંરક્ષિત રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે. જૂના રસ્તાનો ઉપયોગ કાપેલા લાકડાના પરિવહન માટે થતો હતો. સરકારી અધિકારીઓ માને છે કે આ નવા માર્ગથી ટ્રાફિક સુધરશે. જોકે, ઘણા સ્થાનિક લોકો માને છે કે વાસ્તવિક હેતુ લાકડું મેળવવાનો જ હોય એમ લાગે છે. એલર્સ વૃક્ષો તેમના મજબૂત, સારી ગુણવત્તાવાળા અને સીધા લાકડાને કારણે ખૂબ મૂલ્યવાન છે. રોસિયો ઉરુટિયા સહિત ઘણા સંશોધકોએ ચેતવણી આપી છે કે રસ્તાના નિર્માણથી જંગલમાં આગ લાગવાનું જોખમ વધશે. તેમણે કહ્યું કે આ પ્રદેશમાં 90 ટકાથી વધુ આગ રસ્તાઓની નજીક લાગે છે.

જોકે, આખી દુનિયામાં વૃક્ષછેદન મોટા પાયે ચાલી જ રહ્યું છે. એમેઝોનનાં જંગલોમાં લગભગ 75 ટકા આગ રસ્તાથી પાંચ કિલોમીટર દૂર શરૂ થાય છે. જ્યારે અમેરિકામાં 95 ટકા આગ રસ્તાથી 800 મીટર દૂર શરૂ થાય છે. જ્યારે આલ્સેરેસી એક લુપ્ત પ્રાય પ્રજાતિનું વૃક્ષ છે, ત્યારે તેના દરેક વૃક્ષનું વિશેષ મહત્ત્વ છે અને તેથી જ એ વૃક્ષોને બચાવવા માટે લોકો મેદાનમાં ઊતર્યા છે. શું તેઓ સફળ થશે?