યુરોપમાં એક એકથી ચડિયાતા અને ચર્ચાસ્પદ દેશો આવેલા છે. એમાં ઇટલી સુંદર અને લોકપ્રિય દેશ માનવામાં આવે છે. ઇટલીમાં ફક્ત ભારતીયો જ નહીં વિશ્વભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે જાય છે. આ સુંદર દેશમાં ખોફનાક અને રસપ્રદ સ્ટોરી પણ છુપાયેલી છે. મિસ્રના પિરામિડોની મમી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે એવી જ રીતે ઇટલીમાં એક એવી જગ્યા છે જ્યાં સદીઓ જૂના શબને અત્યાર સુધી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એ કબ્રસ્તાનનું નામ કેપુચિનો કેટાકોમ્બ છે. ઇટલીના કેપુચિનો કેટાકોમ્બ શહેરની ભયાનક સ્ટોરી લોકોને વિચારવા માટે મજબૂર કરી દે એવી છે. ઇટલીના કેપુચિનો કેટાકોમ્બમાં મૃતદેહને દફનાવવાને બદલે મમીકૃત કરવામાં આવ્યા છે. આ મમીનો ઇતિહાસ ભયાનક અને રસપ્રદ છે, જે અંગે જાણીએ

કેપુચિનો કેટાકોમ્બનો ઇતિહાસ

ઇટલીમાં આવેલા સિસલીથી થોડે દૂર કેપુચિનો કેટાકોમ્બ નામનું સ્થળ આવેલું છે. કેપુચિનો કેટાકોમ્બનો ઇતિહાસ ઘણો પ્રાચીન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જગ્યા આશરે 16મી શતાબ્દી કરતાં પણ જૂની છે. કેપુચિનો કેટાકોમ્બમાં પહેલી મમી બ્રધર સિલ્વેસ્ટ્રોની મૂકવામાં આવી હતી. જેને 1599માં બનાવવામાં આવી હતી. એ પછી ધીરેધીરે શબ આવતાં રહ્યાં અને તેની મમી બનતી રહી. કબ્રસ્તાનને 1880માં બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં અમુક સમયે અમુક શબ આવતાં રહેતાં હતાં. 1920માં છેલ્લી મમી બનાવવામાં આવી જે રોજાલિયા લાબાડારે નામની છોકરીની હતી. આ મમી કેપુચિનો કેટાકોમ્બ કબ્રસ્તાનમાં મૂકવામાં આવેલી સૌથી સુંદર મમી છે, કારણ કે તેને જોઇને એવું લાગે છે કે તે જીવિત હોય અને સૂતી હોય. તેથી આ મમીનું નામ સ્લીપિંગ બ્યૂટી રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે પહેલાં કેપુચિનો કેટાકોમ્બ એક નાનું કબ્રસ્તાન હતું. એમાં પહેલાં ફક્ત કેથેલિક સંતોનાં શબ રાખવામાં આવતાં હતાં. આ સંતોના શબ સુરક્ષિત રીતે જળવાઇ રહે એટલે જ કેપુચિનો કેટાકોમ્બ કબ્રસ્તાનની સ્થાપના કરવામાં આવી હતી, પણ પછી આ કબ્રસ્તાનમાં જગ્યા મેળવવી એ સામાજિક પ્રતિષ્ઠા માનવામાં આવવા લાગી. તેથી સંતો ઉપરાંત અન્ય શબ પણ એમાં આવવા લાગ્યાં. આ કબ્રસ્તાનમાં શબને રાખવા માટે નિયમિત રીતે શુલ્ક આપવું પડતું હતું. જે મમીની ફીઝ આવવાનું બંધ થઇ જાય તે મમીને હટાવી દેવામાં આવતી હતી. આ શુલ્ક દ્વારા મમીની જાળવણી કરવામાં આવતી હતી. જેમ જેમ શબનું પ્રમાણ વધવા લાગ્યું તેમ તેમ કેપુચિનો કેટાકોમ્બની દીવાલો ઉપર શબને લટકાવવાનું શરૂ કરવામાં આવ્યું. ઉપર નીચે ચારે બાજુ શબને કારણે આ જગ્યા ડરામણી બનવા લાગી. જોતજોતાંમાં કબ્રસ્તાનમાં આશરે 8000 શબોની મમી બનાવીને જીવિત રાખવામાં આવી છે, જ્યારે બાકીનાં શબોનાં હાડપિંજર દીવાલ પર લટકી રહ્યાં છે.

કેપુચિનો કેટાકોમ્બની ભયાનક સ્ટોરી

કેપુચિનો કેટાકોમ્બની ભયાનક સ્ટોરી લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે, કારણ કે અહીંની તમામ દીવાલો પર મૃતદેહ લટકતા જોવા મળે છે. એમાં મહિલા, પુરુષો, બાળકો, કુંવારી કન્યા, સંત, શિક્ષક અને ડોક્ટર વગેરે વિવિધ પ્રકારના લોકોનાં હાડપિંજર છે. એક માહિતી અનુસાર આશરે 60 લાખ મૃતદેહનાં હાંડપિંજર અહીં છે.

ડરામણા અવાજો

ઘણા લોકોનું માનવું છે કે સાંજ પડે એટલે કેપુચિનો કેટાકોમ્બમાંથી બૂમો અને ચીસો સંભળાય છે. કેપુચિનો કેટાકોમ્બોની આસપાસ રાત્રે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સફેદ કપડાં પહેરીને ફરતાં જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ ગીતો ગાતાં હોય એવું પણ સંભળાય છે, તેથી સૂર્યોદય થાય એ સાથે જ તેની આસપાસ કોઇ જોવા મળતું નથી.

સ્થળની મુલાકાત

જે લોકોને આ સ્થળની મુલાકાત લેવાની ઇચ્છા હોય તેમને જણાવી દઉં કે, આ કબ્રસ્તાનને 1880 પછી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેને છેલ્લે 1920માં ખોલવામાં આવ્યું હતું. આ સ્થળ ઇટલી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની ગયું છે. આ કબ્રસ્તાન અંદરથી જેટલું ડરામણું છે એટલું જ અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ડર લાગે એવો છે. અંધારી સાંકળી ગલીઓમાંથી પસાર થવું પડે છે.

કેપુચિનો કેટાકોમ્બ કબ્રસ્તાનમાં મૂકવામાં આવેલી મમીનું રક્ષણ કરવા માટે કયા પ્રકારનાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જાણી શકાયું નથી. નવાઇની વાત તો એ છે કે, આજે પણ અહીં મૂકવામાં આવેલાં તમામ શબ સુરક્ષિત સ્થિતિમાં છે.