અસલી કેરીગાળો શરૂ

થઈ ગયો છે,

એટલે કે ભાવને કારણે

કેરી `ગાળો' ખાતી થઈ છે.

કાર્બાઈડથી પકવેલી કેરી

પૂરી થવા આવી છે.

કેરીના રસમાં પપૈયાંઓ ભેળવેલાં

તેય લોકોની હોજરીમાં

ઊતરી ગયાં છે.

કેરી સસ્તી થશે કે મોંઘી એની આગાહીઓ પણ પૂરી થઈ છે.

વરસાદ કે વાવાઝોડું આવશે તો

કેરી મોંઘી થશે કે

આમ્રમંજરીઓ જોઈને તો

કેરી મફતને ભાવે વેચાશે એવી

આગાહી કરનારા અંબાલાલ,

લાંબાલાલ થઈને

કેરીની જેમ જ ઘોળાઈ ગયા છે.

પણ સનાતન સત્ય એ છે કે

આંબે મોર આવે કે ઢેલ,

કેરી તો શું, જતે દિવસે

ગોટલાની પણ

હરાજી થાય તો નવાઈ નહીં!

હવેનો સમય પાક પર નહીં, પણ

નાપાક ઈરાદાઓથી

આગાહી કરે છે.

એટલે સસ્તું કૈં થાય એમ જ નથી.

તેમ છતાં કેટલાક લોકો

કેરી જોઈને, સૂંઘીને,ખરીદીને

રાજી થાય છે.

ઘણા સોનું મોંઘું થયું એટલે

કેરી ખરીદીને મન મનાવે છે

ને ઉપરવાળાનો ઉપકાર માને છે કે

કેરી સોના કરતાં તો

સસ્તી રાખી છે!

એટલે સોનું ખરીદતા હોય

એવા ભાવથી કેરી ખરીદતાં

કહે છે,

દસ ગ્રામ કેસર આપજોને!

દુકાનદારને તમ્મર આવી જાય છે

કે આ લાપસી માટે કેસર માંગે છે કે

રસ કાઢવા કેસર માંગે છે?

પેલો `સોરી' કહીને દસ કિલો કેસરનાં બે બોક્સ ખરીદે છે.

એટલામાં એ કેરીગાળો કરશે,

એકાદ બોક્સમાં દીકરી-જમાઈ

જમી જશે

ને એકાદમાં ફેમિલી જમશે.

કેરીગાળામાં કેરી ગાળવાની

ને ગળવાની પણ કળા છે.

ગોટલામાં કોઈ પણ ખૂણે

રસ ન રહે

એ રીતે એ કેરી નિચોવે છે.

એના ફેંકેલા ગોટલા તો

ગાય-બકરી પણ ચૂસતાં નથી.

ચૂસવા જેવું કૈં હોવુંય જોઈએને!

જોકે, એને રસબંધી છે,

ડાયાબિટીસને કારણે!

પણ એ ગાંઠતો નથી

તેની વાઈફ તેને બતાવે છે કે

પાકી કેરીમાં 40-45 ગ્રામ

સુગર હોય છે.

તો એ કહે છે આગલે દિવસે

એ જ છાપામાં આવેલું કે કેરી

અનેક રીતે ગુણકારી છે.

વાઈફ ગિન્નાય છે,

છાપાવાળા પણ ખરા છે,

એક દિવસ કેરી સારી કહે

ને બીજે દિવસે નઠારી!

એ કહે છે, તો હવે કરવું શું?

વાઈફ કહે છે, આઇડિયા!

તમે એક એક દિવસને

આંતરે કેરી ખાવ.

***