આમ તો એરંડાના બીજાં સંસ્કૃત નામ ઘણાં છે, પરંતુ તેનું `વાતારી' નામ અમને ખૂબ જ ગમે છે. વાતારી એટલે વાયુનો દુશ્મન. તેને આયુર્વેદના મહર્ષિ વાગ્ભટ્ટે તો `વાતગજકેસરી' પણ કહ્યું છે. એટલે કે એરંડિયું એ વાયુરૂપી હાથીનો નાશ કરનાર સિંહ છે. લકવા, સાંધાનો વા, આમવાત, રાંઝણ (સાયટિકા), કટીશૂળ, કટીગ્રહ, પાર્શ્વશૂળ (પડખાનો દુખાવો) વગેરે વાયુના રોગોમાં જો શરૂઆતથી દર્દી દિવેલનો ઉપયોગ આવશ્યક પરેજી સાથે કરે તો ચમત્કારિક લાભ મળે છે.

આપણે ત્યાં કબજિયાત અને પેટમાં વાયુ(ગેસ)ની ફરિયાદ લઈને આવતા દર્દીઓનું પ્રમાણ ઘણું છે. અમારી પાસે આવતા ચોથા ભાગના દર્દીઓ તો વાયુથી ઉત્પન્ન થતી પાચનતંત્રની ગરબડના જ હોય છે. આવા દર્દીઓને અમે દિવેલ તરફ અંગુલિનિર્દેશ કરીએ છીએ.

કબજિયાતથી વાયુની નીચેની ગતિમાં અવરોધ થાય છે. આ અવરુદ્ધ થયેલો વાયુ જ પાચનતંત્રની ગરબડ ઉત્પન્ન કરે છે તથા તેનું પ્રમાણ જો વધારે હોય તો છાતી, હૃદય, માથું, પડખા વગેરેમાં દુખાવો ઉત્પન્ન કરે છે.

આવા ઉપદ્રવોમાં જો દિવેલનો ઉપયોગ કરવામાં આવે તો બંધાઈ ગયેલા, ગંઠાઈ ગયેલા મળનો નિકાલ થાય છે. ઘણીવાર મળ ન હોય અને માત્ર એકલા વાયુનું જ પ્રમાણ વધારે હોય તો તે અધોમાર્ગેથી નીકળી જાય છે. આમ, દિવેલથી મળ અને વાયુનો નિકાલ થતાં ચમત્કારિક લાભ મળે છે. આવા દર્દીઓએ નાના અડધા કપ જેટલું અથવા પોતાની પ્રકૃતિ પ્રમાણે ચારથી છ ચમચી દિવેલ રોજ રાત્રે તકલીફ મટે ત્યાં સુધી પીવું જોઈએ. ઘણા લોકોને એકલું દિવેલ પીવાનું ફાવતું નથી. તેઓ ચા અથવા દૂધમાં મિશ્ર કરી પી શકે.

દિવેલને આયુર્વેદના ગ્રંથોમાં મધુર, તીખું અને તૂરું કહ્યું છે તથા પચી ગયા પછી તે મધુર વિપાકી છે. તે ઉષ્ણવીર્ય, તીક્ષ્ણ, સૂક્ષ્મ, શરીરના સ્રોતો-માર્ગોને શુદ્ધ કરનાર, ત્વચાના રોગોમાં હિતકર, વાજીકર, ઉંમર વધતી અટકાવનાર, મેધા, આરોગ્ય અને કાંતિ વધારનાર, બળની વૃદ્ધિ કરનાર, ગર્ભાશયની શુદ્ધિ કરનાર, પચવામાં ભારે, અધો ભાગના દોષોને દૂર કરનાર તથા વાતરક્ત, શુક્ર(વીર્ય) વિકૃતિઓ, ગુલ્મ, હૃદયરોગ તેમજ જીર્ણ જ્વરને દૂર કરનાર છે.

નાના અડધા કપ જેટલું દિવેલ રોજ રાત્રે લેવાથી જૂની અને સખત કબજિયાત પણ દૂર થાય છે. ખૂબ જ ગેસ થતો હોય અને દુર્ગંધ આવતી હોય તેમણે રાત્રે સૂતી વખતે દિવેલનો ઉપયોગ કરવો જોઈએ.

સાંધાનો વા અથવા સંધિવા, રાંઝણ, કટીશૂળ, કટીગ્રહ, પાર્શ્વશૂળ, હૃદયશૂળ અને લકવા જેવા વાતપ્રધાન રોગોમાં થોડી સૂંઠ નાખીને દિવેલનો ઉપયોગ કરવો જોઈએ.

એરંડિયામાં વ્રણ રોપણ એટલે કે રૂઝ લાવવાનો ગુણ છે. એટલે કે મળમાર્ગના ચીરા, આંતરડાંમાં ચાંદાં, મસાનું ફાટી જવું, પગના ચીરા(વાઢિયા) વગેરે પર જો નિયમિત લગાવવામાં આવે તો તે સાવ મટી જાય છે. દિવેલ આંતરડાંની અંદરની દીવાલના પડને સુંવાળું બનાવે છે, જેથી મળ સરળતાથી સરકે છે અને તેના રોપણ ગુણથી આંતરડાનાં ચાંદાં મટે છે.