જીવનમાં એવા ઘણા લોકો છે, જે પોતાના પેશનને ગંભીરતાથી ફોલો કરતા નથી. પરિણામે પેશન હૃદયના એક ખૂણે ધરબાઇને રહી જાય છે. અમુક વ્યક્તિ એવી પણ છે, જે ઉંમરના એક પડાવ પર પહોંચીને પેશનને ફોલો કરે છે. એમાંનાં એક ચંદ્રિકા ટંડન પણ છે. 45 વર્ષની ઉંમર સુધી ચંદ્રિકાએ સંગીતને ખાસ કોઇ પ્રાધાન્ય નહોતું આપ્યું, પછી સંગીતની દુનિયામાં ઝંપલાવ્યું અને 71 વર્ષની ઉંમરે ગ્રેમી એવોર્ડ જીત્યા. સિનેમામાં જે મહત્ત્વ ઓસ્કાર એવોર્ડ્સનું છે, સંગીતની દુનિયામાં એ ઊંચાઇ ગ્રેમી એવોર્ડ્સની છે.
ભારતીય અમેરિકન સિંગર ચંદ્રિકાને પોતાના ત્રિવેણી આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ્સ મળ્યો છે. બાળપણથી સંગીતમાં રસ ધરાવનાર ચંદ્રિકા ટંડન આટલાં વર્ષો સુધી શું કરતાં હતાં? એવો પ્રશ્ન આપણા મનમાં થાય એ સ્વાભાવિક છે. ચંદ્રિકા એ વખતે મલ્ટિ મિલિયન ડોલર કંપનીનો પાયો નાંખી રહી હતી. જેના ક્લાયન્ટ દુનિયાભરમાં છે. મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ઇન્ડસ્ટ્રીની દુનિયાની બિગ થ્રી કહેવામાં આવતી કંપનીઓમાંની એક મેકેંજી એન્ડ કંપનીમાં પાર્ટનર બનનાર તે પહેલી ભારતીય મહિલા હતી. તે યુએસની ટોપ યુનિવર્સિટીમાં ટેક્નિકલ એજ્યુકેશનમાં મોટું પરિવર્તન લાવી રહી હતી.
1954માં ચેન્નઇના એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રિકાનો જન્મ થયો હતો. સ્કૂલિંગ પછી બી.કોમ. કરવા માટે તે મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં જવા ઇચ્છતી હતી, કારણ કે તેના પિતા અને દાદા એ કોલેજમાં ભણ્યા હતા. આ કોલેજ તેના ઘરથી બહુ દૂર હતી, ત્યાં ટ્રેનમાં જવું પડે એમ હતું. તેથી તેનાં મમ્મી-પપ્પા નહોતાં ઇચ્છતાં ચંદ્રિકા ત્યાં ભણવા જાય. પોતાની વાત મનાવવા માટે તે પહેલી વખત ભૂખ હડતાળ પર ઊતરી હતી. છેવટે તેની જીત થઇ. કોલેજના ફાઇનલ વર્ષમાં તેણે પોતાના એક અંકલ અને પ્રોફેસર પાસેથી આઇ.આઇ.એમ. અમદાવાદનું નામ સાંભળ્યું હતું. કોલેજ પછી તું શું કરવાની છું? એવું અંકલ દ્વારા પુછાતાં ચંદ્રિકાએ કહ્યું, હું આઇ.આઇ.એમ. અમદાવાદમાં અભ્યાસ કરીશ. તેનો જવાબ સાંભળીને અંકલને બહુ નવાઇ લાગી હતી કે, સાવ સામાન્ય લાગતી ગામડાની આ છોકરીને ત્યાં એડમિશન નહીં મળે. તેણે હિંમત હાર્યા વગર એપ્લાય કરી દીધું. ચંદ્રિકાની લાઇફમાં સંગીત ક્યાંક બેકગ્રાઉન્ડમાં હંમેશાં હતું. ટેસ્ટ અને અલગ અલગ રાઉન્ડનાં અનેક ઇન્ટરવ્યૂ પછી ચંદ્રિકા પેનલની સામે હતી. 45 મિનિટ સુધી અલગ અલગ સવાલ બાદ તેનું સિલેક્શન થઇ ચૂક્યું હતું. પહેલી વખત ઘરેથી દૂર થઈ હતી અને એક રીતે પોતાની જાતની શોધ પણ હતી. અભ્યાસ પછી બેંકમાં જોબ મળી ગઇ અને એક દાયકામાં યુએસમાં મેકેંજી જોઇન કરી ચૂકી હતી.
ચંદ્રિકા કહે છે કે એ વખતે મારું એક જ મિશન હતું, આગળ વધવાનું. તેથી હું પરિવાર અને મારી દીકરીને પણ પૂરતો સમય આપી શકતી નહોતી. પતિ રંજન ટંડન મને હેલ્પફુલ રહેતા હતા. 1999 સુધી હું મારી પોતાની કંપની શરૂ કરી ચૂકી હતી. એ દરમિયાન હું એક ક્રાઇસિસમાંથી પસાર થઇ. જેને હું ક્રાઇસિસ ઓફ સ્પિરિટ કહું છું એટલે કે આત્માનું ક્રાઇસિસ. એક ફ્લાઇટ સફર દરમિયાન પરમહંસ યોગાનંદની ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી વાંચી રહી હતી. જે વાંચીને મને રડવું આવી ગયું. ઘરે જઇને રૂમમાં મારી જાતને લોક કરી દીધી અને વિચારવા લાગી કે, હું શું કરી રહી છું. મને કઇ વસ્તુમાં ખુશી મળે છે. મેં સંગીત તરફ પરત ફરવાનું શરૂ કર્યું. એ વખતે હું કોઇને ગુરુ અને કોઇ મને શિષ્ય બનાવી શકે એવી મારી ઉંમર નહોતી. બીજું, કંપની ઉપર પણ ધ્યાન આપવાનું હતું, તેથી મેં કલાકો સુધી બેસીને હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતના રાગ શીખવાનું શરૂ કર્યું. આ રાગમાં અલગ અલગ મંત્રોચ્ચારનો ઉપયોગ કર્યો. સૌથી પહેલાં ઓમ નમઃ શિવાયના જાપનો રાગ મેં રેકોર્ડ કર્યો અને 90 વર્ષના સસરાને ગિફ્ટ કર્યો. બીજું આલ્બમ `સોલ કોલ' બનાવ્યું. આ આલ્બમ 2011માં બેસ્ટ કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી માટે નોમિનેટ થયું. 2013માં સોલ માર્ચ નામનું આલ્બમ આવ્યું. આ આલ્બમ મહાત્મા ગાંધીજીના દાંડી માર્ચથી પ્રેરિત હતું, જેમાં 75 મ્યુઝિક આર્ટિસ્ટ્સ સાથે રેકોર્ડ કર્યું હતું. આમ, એક પછી એક આલ્બમ આવતાં રહ્યાં. છેલ્લે ત્રિવેણી આલ્બમ આવ્યું, જેમાં ચંદ્રિકાને ગ્રેમી એવોર્ડ મળ્યો. તે સાઉથ આફ્રિકાના પ્રખ્યાત વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની અમેરિકન સેલિસ્ટ એરુ માત્સુમોતોની વચ્ચે એક કોલાબોરેશન છે. આ આલ્બમને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિએન્ટ અને ચાન્ટ અલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ સિવાય પણ તેમને અનેક પુરસ્કાર મળી ચૂક્યા છે.
ચંદ્રિકા ટંડન સફળ બિઝનેસ લીડર છે, એક સમાજસુધારક છે અને એનાથી એક સ્ટેપ આગળ એ એવી મહિલા છે, જેણે ક્યારેય પોતાનાં સપનાંને મરવા દીધાં નથી. તે કહે છે કે દેશની સીમાઓ ફક્ત વિચારમાં છે.