હિમાલયના ભારતીય વિસ્તારના ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્કયારા અને ડન્ડલગાંવ વચ્ચેના પર્વતમાં 4.5 કિલોમીટર લાંબી ટનલ બની રહી છે. ટનલનું શારકામ(ડ્રીલિંગ) બંને છેડેથી ચાલી રહ્યું હતું. તેમાં સિલ્કયારા છેડેથી 2.34 કિલોમીટર અને ડન્ડલગાંવ છેડેથી 1.75 કિલોમીટર ટનલ ખોદાઈ ગઈ હતી. વચ્ચે ફક્ત 470 મીટર (અડધા કિમી.થી પણ ઓછું) શારકામ બાકી હતું. એવામાં 12 નવેમ્બર, 2023 ને રવિવાર (દિવાળી)ની વહેલી સવારના 5:30 કલાકે સિલ્કયારા છેડેથી 205 મીટરથી 265 મીટર અંદર સુધીની ટનલ બેસી પડી.


રાત-દિવસ કામ કરી રહેલા કર્મચારીઓ ફસાઈ ગયા

ટનલનું કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે ત્યારે 12 નવેમ્બર, 2023ના દિવસે સિલ્કયારાના છેડેથી 205 મીટર અંદર 60 મીટર જેટલી ટનલ બેસી પડી. એ વખતે ટનલમાં 2.34 કિમી. અંદર 41 કર્મચારીઓ શારકામ કરી રહ્યા હતા. એ લોકો ટનલમાં સીલ થઈ ગયા. જે બાજુ શારકામ ચાલુ હતું એ બાજુ હજી 470 મીટર ડ્રીલિંગ બાકી હતું અને પાછળ બે કિલોમીટર દૂર ટનલ બેસી પડતાં 60 મીટર કાટમાળનો બૂચ વાગી ગયો હતો. સદ્રભાગ્યે એ લોકો પાસે ઑક્સિજન સિલિન્ડર અને થોડીઘણી ખાવાની વસ્તુઓ હતી. બીજું, ઑક્સિજન લાવતી પાઈપ કાટમાળમાં દબાઈ-કચડાઈ ગઈ હતી, પરંતુ ટનલમાં પાણી લઈ જતી પાઈપ અને વીજળીનો પુરવઠો ચાલુ સલામત રહ્યાં હતાં. પાણીની પાઈપ વાટે ઑક્સિજન મોકલવાનું ચાલુ કરી દેવાયું. એ જ પાઈપમાંથી વચ્ચે વચ્ચે ઑક્સિજન સપ્લાય બંધ કરીને ચણા-મમરા તથા અન્ય ખોરાક હવાના પ્રેશરથી મોકલવાની શરૂઆત કરાઈ. વચ્ચે વચ્ચે પાણી પુરવઠો પણ આપવાની શરૂઆત કરવામાં આવી. આ પાઈપના કારણે ફસાયેલા 41 કર્મચારી ભૂખથી કે ગૂંગળાઈને મૃત્યુ પામે એ જોખમ ટળી ગયું, પરંતુ એમને બહાર કાઢવા શી રીતે?

ટનલનો કાટમાળ ખસેડતાં બીજો ભાગ બેસી પડ્યો

અંદર ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવા ટનલમાં જે ભાગ બેસી પડ્યો હતો તેનો કાટમાળ ખસેડવાનું કામ ચાલુ થયું. 21 મીટર જેટલો કાટમાળ ખસેડીને ટ્રકો વડે દૂર કર્યો ત્યારે ફરી ઉપરથી સાત મીટર લંબાઈનો ભાગ બેસી પડ્યો. હવે ભય એ સર્જાયો કે કદાચ વધારે ટનલ બેસી પડે! તરત કૉન્ક્રિટ બનાવનાર મશીનો મંગાવવામાં આવ્યાં અને જેટલા ભાગનો કાટમાળ કાઢી લેવાયો હતો એટલા ભાગમાં ઉપર ભારે દબાણથી તત્કાળ જામી જતો કૉન્ક્રિટ ફેંકવામાં આવ્યો. કૉન્ક્રિટનો જાડો થર કર્યા પછી ટનલ બેસી પડવાનો ભય દૂર થયો, પરંતુ હવે ટનલમાંથી કાટમાળ કાઢવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું. નિષ્ણાતોએ બેઠક બોલાવી અને શું કરી શકાય તેનો પ્લાન તૈયાર કરવા માંડ્યો. આખરે નક્કી થયું કે દહેરાદૂનથી નાનું ડ્રિલ મશીન લાવીને કાટમાળની આરપાર છ ઈંચની એક પાઈપ જવા દેવી જેથી ટનલમાં ફસાયેલા લોકોને પાણીની પાઈપ સિવાય ઑક્સિજન પૂરો પાડી શકાય. ત્યાં સુધી પાણીની પાઈપ દ્વારા ઑક્સિજન, પાણી અને ખોરાક વારાફરતી ધકેલવાનું ચાલુ રાખવામાં આવ્યું. ત્યારપછી બીજું મોટું ડ્રિલ મશીન લાવીને ત્રણ ફૂટની પાઈપ કાટમાળની આરપાર મોકલવાનો પણ વિચાર કરવામાં આવ્યો. ઘણા નિષ્ણાતોએ જણાવ્યું કે હવે ડ્રીલિંગ કરવાથી ટનલનો વધુ ભાગ બેસી પડશે અને કર્મચારીઓ દટાઈ જશે.

ટનલમાં ડ્રીલિંગ જોખમી બનતાં ઉપરથી ડ્રીલિંગ ચાલુ થયું

કાટમાળની આરપાર ડ્રીલિંગ ન કરી શકાય તો ડન્ડલગાંવ છેડેથી બાકી રહેલું 470 મીટર વિસ્તારનું ડ્રીલિંગ કરીને કર્મચારીઓને એ છેડેથી બહાર લાવવાનો વિચાર પણ પડતો મુકાયો. એમ કરવા જતાં પણ ટનલ બેસી પડવાનું જોખમ હતું. તો, હવે ફસાયેલા કર્મચારીઓને બચાવવા કરવું શું? સતલજ જલવિદ્યુત નિગમ(SJVNL) તથા ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન(ONGC)ના નિષ્ણાતોએ કહ્યું કે અમે સંભાળપૂર્વક ટનલના શિખર ઉપરથી ઊભું ડ્રીલિંગ કરીને કર્મચારીઓને બહાર કાઢવાનો રસ્તો બનાવી આપીએ. બંને કંપનીઓને જુદાં જુદાં સ્થળેથી ઊભું શારકામ કરવાની પરવાનગી અપાઈ. આ લખાઈ રહ્યું હતું ત્યારે ડ્રીલિંગ ચાલુ થઈ ગયું હતું. જોકે કામ સાવ ધીમી ગતિએ ચાલ્યું, કારણ કે હિમાલય પર્વતમાળાના ખડક લાવાના નથી, સમુદ્ર તળિયાના ખનિજોના ખડક-માટી વડે બનેલાં શિખરો ખૂબ નબળાં છે. અહીં વારંવાર ભૂસ્ખલન થતાં રહે છે. ઉતાવળ કરતાં ટનલનો વધુ ભાગ બેસી પડવાનું જોખમ હતું. ફેરવિચારણા કરીને કાટમાળ વચ્ચેથી પણ ત્રણ ફૂટ પહોળો પાઈપ મોકલવાની શરૂઆત કરાઈ હતી. વચ્ચે વચ્ચે ધાતુની વસ્તુઓ આવી જતાં કામ રોકાતું ગયું. ગુરુવારની સવારે પણ ધાતુની વસ્તુ નડતાં ડ્રીલિંગ 14 કલાક પાછળ ઠેલાઈ ગયું.

ભયાક્રાંત કર્મચારીઓએ ધીરજપૂર્વ રાહ જોવી પડી!

ટનલમાં ફસાયેલા લોકો સાથે બચાવદળના નિષ્ણાતો સતત સંપર્કમાં હતા. તેમને ઉગારી લેવામાં આવશે તેની ખાતરી અપાવી રહ્યા હતા. તેમને ઑક્સિજન, વીજળી-પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં મળતાં રહે તેની વ્યવસ્થા થઈ ગઈ હોવાથી અને કાટમાળની આરપાર છ ઈંચની બીજી પાઈપ પહોંચાડવામાં સફળતા મળી ગઈ હોવાથી એ પાઈપ દ્વારા ટનલના કાટમાળની પેલે પાર કેમેરા પહોંચ્યો હતો. બહારના લોકોને અંદર ફસાયેલા કર્મચારીઓ જોવા મળ્યા હતા. ડૉક્ટરોએ તેમને ગુટકા-તમાકુ મોકલવા સલાહ આપી હતી. આશા છે કે તમે આ વાંચતા હશો ત્યારે તમામ કર્મચારીઓ પોતાના પરિવારો વચ્ચે પહોંચી ગયા હશે. છતાં તેમને માનસિક આઘાતમાંથી ઊગરતાં હજી સમય લગાશે. ટનલમાં તેમની પાસે ટકી રહેવા માટે બે કિલોમીટર લાંબો અને 8.5 મીટર ઊંચો વિસ્તાર હતો. તેથી સેનિટેશનની સમસ્યા જોખમી બની નહોતી. છતાં કોઈ પણ ક્ષણે કંઈ પણ બની જવાનો ગભરાટ-બેચેની અને ભય તેમણે દોઢ અઠવાડિયાં સુધી વેઠ્યાં છે. તેના દુઃસ્વપ્ન કર્મચારીઓને દિવસો સુધી ડરાવતાં રહેશે. પ્રાર્થના કરીએ કે તેઓ ઝડપથી આ દુર્ઘટનાના માનસિક જખમોથી મુક્ત થાય!


  • Follow us on: