દુઃખમાં મા યાદ આવે છે,
મુસીબતમાં મા યાદ આવે છે,
પણ એવું હોય ત્યારે જ મા
કેમ યાદ આવે છે?
અંધારું હોય છે, રસ્તો દેખાતો નથી,
ભીતરમાં નિરાશા હોય છે.
ત્યારે હું માને યાદ કરું છું.
મુસીબત નથી હોતી ત્યારે કે,
નાની-મોટી સુખની ક્ષણોમાં,
મા મને કેમ યાદ નથી આવતી?
એટલા માટે કે મા
સ્વાર્થી નથી હોતી,
એટલા જ માટે કે મા
સુખમાં ભાગ નથી પડાવતી.
એ તો દુઃખમાં ભાગ પડાવે છે,
દુઃખમાં એ રક્ષાકવચ બનીને
ઊભી હોય છે.
(વિજયવિશ્વાસનીહિન્દીકવિતાનોઅનુવાદ)
***
આખી દુનિયા પજવશે તો પણ માતા પોતાના પુત્રના ચહેરાને જોઈને અડીખમ ઊભી રહી શકે છે, પરંતુ આખી દુનિયા સાથે હોય છતા સગ્ગો દીકરો દુઃખ આપે તો એ મા માટે સૌથી મોટી કરુણતા બની રહે છે. હમણાં જ એક સમાચાર સાંભળ્યા કે જમીનના વારસાઈ ટુકડા માટે પુત્રએ પત્નીની સાથે મળીને સગ્ગી જનેતા ઉપર લાકડી વડે હુમલો કર્યો. મા બિચારી દવાખાને તરફડતી હતી. પોલીસખાતું નિવેદન માટે આવ્યું ત્યારે આસપાસ ઊભેલા હરકોઈ તેના દીકરાને કપાતર ગણાવી આકરી નશ્યત આપવાનું પોલીસને કહેતા હતા, પરંતુ માજીએ બે જ લીટીનું નિવેદન આપ્યું કે, હું તો ઘરકામ કરતાં પડી ગઈ એટલે વાગ્યું છે, મારાં દીકરા-વહુનો કોઈ વાંક નથી. શ્રી શંકરાચાર્યએ લખ્યું છે, `કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ' અર્થાત્ પુત્ર કુપુત્ર થાય છે, પરંતુ માતા કદી કુમાતા થતી નથી.
સંતાનો ઋતુની માફક બદલી શકે, પરંતુ મા એટલે બારમાસી સ્નેહનું ચોમાસુ. એવો સેકન્ડ કાંટો જે સતત સંતાનોની ચિંતા જ
કરતો રહે.
આધુનિક સંતાનો માની આ ચિંતાને ક્યારેક ગાંડપણમાં ખપાવી દે છે. મા-બાપનું દર્દ અને તેની સંવેદનાનો અહેસાસ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે મા-બાપ જેવડાં બનીએ અને ત્યારે આપણા મનમાં એ જ પ્રશ્ન સર્જાય છે કે, સંતાનો આપણને કેમ સમજતાં નથી? મહંમદ પયગમ્બરે કહ્યું છે કે, તારું સ્વર્ગ તારી માના પગની પાની હેઠળ છુપાયું છે અને હિન્દુ ધર્મશાસ્ત્ર કહે છે કે, મા-બાપની સેવા એ અડસઠ તીરથની જાત્રા છે. આ વાત ક્યારેક માણસોને જિંદગીના પાછલા પહોરે સમજાય છે ત્યારે પસ્તાવાનો પણ સમય રહેતો નથી.
ભારતીય લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવળંકરનાં માતા બીમાર પડ્યાં ત્યારે તે આખો મહિનો માતાની સેવામાં રહ્યા. કેટલાકે તેમની ટીકા કરી, પણ દાદાસાહેબને મન માતૃસેવા એ બીજી કોઈ પણ કામગીરી કરતાં વધુ અગત્યની હતી.
મા પાસે મહાન ગુણ છે : કરીને ન બોલવાવાળી તે મા. આજે કર્યા વિના બોલવાવાળાની સંખ્યા વધતી જાય છે. પાંડુરંગ શાસ્ત્રીજી કહેતાં કે, `મા હંમેશાં આશાવાદી હોય છે.' આખા સમાજે જે છોકરા માટે હાથ ધોઈ નાખ્યા હશે, તો પણ મા નિરાશ નહીં થાય. મા મૂકસેવક છે અને પોઝિટિવ એટિટ્યૂડનું બહેતરીન ઉદાહરણ છે. ખલીલ જિબ્રાન કહેતા કે માનવજાતના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ હોય તો તે છે `મા'. ઈશ્વર સજા કરે છે ત્યારે માતા માફ કરે છે. વિનોબા ભાવે લખે છે કે, માતાના વિચારોનો મારા જીવન ઉપર મોટો પ્રભાવ છે. મા મને કહેતાં, `વિન્યા, વધારે ન માંગીશ. યાદ રાખ, થોડામાં મીઠાશ છે અને ઝાઝામાં બદમાશી. ભરપેટ અન્ન અને તનભર વસ્ત્ર, આથી વધારે શું જોઈએ?'
માતૃત્વના સૌથી અઘરામાં અઘરો પાઠ જો કોઈ હોય તો તે છે અંદર વ્યથા, પરંતુ બહાર પ્રસન્નતા.
પોતાની પ્રેમાળ માતાના મૃત્યુ પછી શેલી માર્શે વર્ણવેલા એક સંવેદનશીલ પ્રસંગને સમજવા જેવો છેઃ માતાના મૃત્યુના થોડા દિવસ બાદ હું ફરી કામ-ધંધે ચડી. જિંદગી ચાલતી રહેવાની છે ને મારે પરિવાર માટે કામ તો કરવું જ પડશે એ વાસ્તવિકતા હું સમજતી હતી. ટ્રોલીમાં ખરીદેલો માલ રાખી હું સુપર માર્કેટમાં ફરતી હતી ત્યાં જ બે સ્ત્રીઓ પર મારી નજર ઠરી. અનુમાન કર્યું કે મા-દીકરી હશે.
એક ક્ષણ થયું લાવ દોડીને પેલી વયમાં નાની હતી તેની આગળ પહોંચી જાઉં ને ચેતવું, `તારી મા પર બધું જ હેત ઠાલવતી રહેજે. એ હંમેશ તને મળવાની નથી' પણ આમ તો કંઈ કહેવાય? તે મને પાગલ જ માનેને? છતાં આટલું તમને કહીશ, જે હૂંફાળા માળામાં તમે ઉછર્યા ત્યાં માને એટલા સ્નેહથી ભીંજવજો કે તેની આંખમાંથી હરખનાં આંસુ વહેવા માંડે. એક અગત્યની વાત, તમે તેને કેટલું ચાહો છો તે કહેતા રહીને વારંવાર તેના કાન ભરી દેજો, એ ક્ષણ ખોવાઈ જાય તે પહેલાં
ઝૂમ ઈન
મૈં રોયા પરદેશ મેં ભીગા માં કા પ્યાર,
દુઃખ ને દુઃખ સે બાતેં કી બિન ચિઠ્ઠી, બિન તાર.
ઝૂમ આઉટ
ઈસ તરહ મેરે ગુનાહોં કો વો ધો દેતી હૈ,
માં બહુત ગુસ્સે મેં હોતી હૈ તો રો દેતી હૈ.










