- વર્ષ 1985માં સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં બાલુ નટરાજન નામનો ઈન્ડિયન અમેરિકન સૌપ્રથમ ચેમ્પિયન બન્યો હતો
વર્ષ 2016માં અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ને સંબોધતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં સ્પેલિંગ બી સ્પર્ધાઓમાં ભારતીય વંશનાં બાળકોના દબદબાની પ્રશંસા કરી હતી. એ વર્ષમાં ભારતીય અમેરિકન નિહાર જંગા અને જયરામ હથવારે સાથે મળીને સ્પેલિંગ બી સ્પર્ધા જીતી હતી. વડાપ્રધાનના વક્તવ્ય સમયે બંને વિજેતા સંસદની ગેલેરીમાં બેઠા હતા. આ વિદ્યાર્થીઓ ઘરે એમનાં માબાપ જે ભારતીય ભાષા બોલે છે એ જ બોલે છે. છતાં અમેરિકાની અંગ્રેજી ભાષા અને સંસ્કૃતિ વચ્ચે રહીને પણ કુમળી વયે બીજા તમામને અંગ્રેજી ભાષાના શબ્દો અને સ્પેલિંગ્સ (જોડણી)ના જ્ઞાન બાબતમાં પાછળ રાખી દે છે.
સ્પેલિંગ બી એક એવી સ્પર્ધા છે જેમાં ભાગ લેનાર બાળકે કોઈ પણ અઘરા, લાંબાલચક શબ્દનો સ્પેલિંગ જજીસની સામે બોલવો પડે છે. લેટિન અને ગ્રીક કે દુનિયાની કોઈ પણ ભાષામાંથી અંગ્રેજીમાં ઊતરી આવ્યા હોય તેવા અને અંગ્રેજીના પ્રમાણિત શબ્દકોશોમાં સ્થાન ધરાવતા હોય તેવા અટપટા અને અઘરા શબ્દોના સ્પેલિંગ્સ ભાગ લેનાર બાળકે, કશા જ પ્રકારની મદદ વગર, બોલી જવાના હોય છે. બી (બીઈઈ)નો અર્થ મધમાખી થાય છે અને સ્પેલિંગ બી માટે ભાગ લેનારે મધમાખીઓની માફક તમામ અંગ્રેજી શબ્દોનો અર્ક મેળવવો જરૂરી હોય છે. એણે તમામ શબ્દ-પુષ્પની મુલાકાત લીધી હોય છે. આ સ્પર્ધાઓ અમેરિકામાં વસતા તમામ પ્રકારના લોકોમાંથી સૌથી વધુ માત્રામાં ભારતીય વંશનાં બાળકો વધુ જીતે છે. તે બતાવે છે કે જ્યાં યોગ્ય તક મળે ત્યાં ભારતીય બુદ્ધિધન સુંદર રીતે ખીલી ઊઠે છે. સ્પેલિંગ બી અંગ્રેજી ભાષા માટે એક તંદુરસ્ત અને આવકારપાત્ર સ્પર્ધા છે.
અમેરિકામાં ભારતીય વંશનાં બાળકોનો પ્રભાવ દશકોથી રહ્યો છે. વર્ષ 1985માં સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં બાલુ નટરાજન નામનો ઈન્ડિયન અમેરિકન સૌપ્રથમ ચેમ્પિયન બન્યો હતો. એ વખતે એસોસિએટેડ પ્રેસ નામક સમાચાર સંસ્થાએ હેડલાઈન લખી હતી કે એક `વસાહતી મા-બાપનો દીકરો નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો.' સમાચારના પ્રથમ પેરેગ્રાફમાં લખ્યું હતું કે આ કુમળી ઉંમરનો વિદ્યાર્થી ઘરે અંગ્રેજી બોલતો નથી, પણ મા-બાપની વતનની ભાષામાં વાતચીત કરે છે.
ગયા મંગળવારે આ વર્ષની સ્પેલિંગ બી સ્પર્ધાઓની શરૂઆત થઈ અને છેલ્લાં પચ્ચીસ વર્ષથી અમુક અપવાદો સિવાય ભારતીય વંશનાં સંતાનો આ સ્પર્ધાઓ જીતતાં આવ્યાં છે. તેમનાં માતા-પિતાઓ સ્ટુડન્ટ્સ વિઝા કે વર્ક વિઝા પર અમેરિકા પહોંચ્યાં હતાં અને ત્યાં સ્થાયી થયાં છે. આ સ્પર્ધાઓ ભારતીય મૂળનાં બાળકોમાં ખૂબ લોકપ્રિય બની છે અને આ વર્ષની સ્પર્ધામાં ઘણાં ભારતીય મૂળનાં બાળકો ભાગ લઈ રહ્યાં હતાં. જેવાં કે, શ્રદ્ધા રાચમરેડ્ડી, આર્યન ખેડકર, બૃહત સોમા, ઈશિકા વારીપીલ્લી વગેરે. આ વર્ષે 2024ની ચેમ્પિયનશિપ બૃહત સોમા જીતી ગયો છે.
ભારતમાં જન્મેલાં અને અમેરિકા જઈ સ્થાયી થયેલાં વસાહતીઓમાંથી લગભગ 70 ટકા જેટલાં વર્ષ 2000 બાદ અમેરિકામાં સ્થાયી થયાં છે. બાળકોને જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ ભારતીય વંશનાં સ્પર્ધકોની સંખ્યા વધતી ગઈ. વર્ષ 1999 અગાઉ બે બાળકો સ્પેલિંગ બી ચેમ્પિયન્સ બન્યાં હતાં, પરંતુ 1999 બાદ ગયા વર્ષ સુધીમાં કુલ 35 બાળકો ચેમ્પિયન્સ બન્યાં હતાં તેમાંનાં 29 બાળકો ભારતીય વંશનાં છે. આ બાળકોએ અમેરિકનોમાં ભારતીય મૂળની પ્રજાની શાખ અને ઈજ્જતમાં ખૂબ વધારો કર્યો છે. આવડી મોટી અઘરી સ્પર્ધામાં ભારતીય વંશના તેજસ્વી તારલાઓ અમેરિકાભરમાં છવાઈ જાય તે કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. વર્ષ 2019માં આઠ આઠ બાળકોને ચેમ્પિયન્સ જાહેર કરાયાં હતાં અને તેમાંનાં સાત ભારતીય વંશનાં સંતાનો હતાં. સ્પેલિંગ બી સ્પર્ધાઓમાં ભારતીય બાળકોનો દબદબો એ વાત પણ સાબિત કરે છે કે અમેરિકામાં વસીને તેઓ આર્થિક રીતે સુખી થયાં છે. અમેરિકામાં સ્થાયી થયેલા વસાહતીઓમાં ભારતીય વંશના લોકો બીજા ક્રમનો સૌથી મોટો સમૂહ છે.
વર્ષ 2022ના આંકડા મુજબ ભારતમાં જન્મીને અમેરિકામાં સ્થાયી થયા હોય તેવા 31 લાખ લોકો હતા. હવે આ પ્રમાણ વધ્યું હશે. લગભગ 49 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકામાં વસે છે. તેનો અર્થ એ કે અઢાર લાખ લોકો ત્યાં અમેરિકામાં જન્મ્યાં છે. જોકે, વસતીના આ આંકડા 2019ના છે. ભારતીય અમેરિકન કુટુંબોની સરેરાશ વાર્ષિક આવક 1 લાખ 47 હજાર ડૉલર છે જે બાકીનાં તમામ અમેરિકન કુટુંબોની સરેરાશ આવક કરતાં બમણી છે. અન્ય અમેરિકન પ્રજાની સરખામણીમાં ભારતીય વંશના બમણા લોકો કૉલેજની ડિગ્રીઓ ધરાવે છે. 2021માં અમેરિકા દ્વારા જે એચ-વનબી વિઝા ઈશ્યૂ કરાયા હતા તેમાંના 74 ટકા ભારતીયોના ફાળે ગયા હતા. વર્ષ 2022-23માં અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓમાં બે લાખ 69 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ભારતમાંથી અમેરિકાગમન હજી ચાલુ જ છે અને ત્યાં ભણવા જતા લોકોમાંથી મોટા ભાગના ત્યાં જ સ્થાયી થવાનું પસંદ કરે છે. આ એવા લોકો છે જે ઉચ્ચ શિક્ષણ વડે સમૃદ્ધ થયા છે અને પોતાનાં સંતાનો શૈક્ષણિક યોગ્યતા મેળવે તે માટે ખાસ પ્રયત્નો કરે છે. તેઓ બાળકો રમતગમત તરફ વળે તેના બદલે શિક્ષણને પ્રાધાન્ય આપે તેવું ઈચ્છે છે.
સ્પેલિંગ બી ચેમ્પિયનશિપના સ્પર્ધકો `સ્પેલર્સ' તરીકે ઓળખાય છે. મૂળ આંધ્ર કે તેલંગાણાના અમેરિકામાં સ્થાયી થયેલા લોકો આ સ્પર્ધાઓમાં વિશેષ રુચિ ધરાવે છે. ગુજરાતી મૂળના દેવલ શાહનો પુત્ર દેવ શાહ આ સ્પર્ધામાં ચેમ્પિયન બની ચૂક્યો છે. અમેરિકાના ગુજરાતીઓમાં એ સર્વપ્રથમ ચેમ્પિયન છે. આ વર્ષની સ્પર્ધાઓમાંથી અચ્યુત એથિરાજ નામનો ચૌદ વર્ષનો કિશોર બાકાત થઈ ગયો. મંગળવારથી ગુરુવાર દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં બુધવારના દિવસે એકસોથી વધુ સ્પેલર્સ બાકાત થયા. અચ્યુત ઈન્ડિયાના રાજ્યમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ વર્ષે વિજેતાઓને પચાસ હજાર અમેરિકી ડૉલરનું ઈનામ તેમજ અન્ય ભેટસોગાદો અને પુરસ્કારો મળશે. વર્તમાન સ્પર્ધામાંથી શ્રદ્ધા રાચમરેડ્ડી પણ બાકાત થઈ છે. ગયા વર્ષે એ ત્રીજા ક્રમે વિજેતા બની હતી. શ્રદ્ધા બાકાત થઈ તે વિશે 2023ના વિજેતા દેવ શાહ કહે છે કે એ પોતે શ્રદ્ધાના એલિમિનેશનને કારણે વ્યથિત અને નિરાશ થયો છે.
બધા માનતા હતા કે આ વર્ષે શ્રદ્ધા ચેમ્પિયન બનશે.
સ્પર્ધા વખતે બીની વર્ડ પેનલ વેબસ્ટરની વિસ્તારિત ડિક્શનરી (શબ્દકોશ)ના પાંચ લાખથી વધુ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો સ્પેલિંગ પૂછી શકે છે. શ્રદ્ધા `વારન' નામની એક ગરોળીનો સાચો સ્પેલિંગ બતાવી શકી ન હતી. પૂછવામાં આવતો દરેક શબ્દ ખૂબ અઘરો હોય છે અને સ્પર્ધકો વર્ષો સુધી સતત શબ્દકોશનું પઠન કરતાં રહે છે. સ્પર્ધામાં એવાં ભૌગોલિક નામો વિશે પણ પૂછવામાં આવે છે જે વેબસ્ટરના શબ્દકોશમાં હોતાં નથી. અચ્યુત એથિરાજ સિસ્ટાઈન (સિસ્ટાઈન ચેપલથી જાણીતો) શબ્દની સાચી જોડણી બોલી શક્યો ન હતો.
વર્ષ 2013માં અરવિંદ મહાનકલી ચેમ્પિયન બન્યો ત્યારે તેની અગાઉ આઠ વર્ષમાં સતત આઠ ભારતીય મૂળનાં કિશોર-કિશોરીઓ ચેમ્પિયન બની ચૂક્યાં હતાં. એ ઉપરાંત બીજો એક સ્ટોલ આવ્યો હતો જેમાં ઉપરાઉપરી છ વર્ષમાં છ ચેમ્પિયનો ભારતીય મૂળના રહ્યા હતા. વર્ષ 1999માં નુપૂર લાલા નામની કિશોરી ચેમ્પિયન બની હતી. એના પર `સ્પેલબાઉન્ડ' નામની એક દસ્તાવેજી ફિલ્મ પણ ઊતરી હતી. 2013નો ચેમ્પિયન અરવિંદ મોહનકલી રહ્યો હતો. અરવિંદના હૈદરાબાદસ્થિત દાદા કોઈ પણ તેલુગુ કાવ્ય પાછળથી શરૂ કરીને આગળ સુધી ગાઈ શકતા હતા. શબ્દો પ્રત્યેનો પ્રેમ અરવિંદને ગળથૂથીમાં મળ્યો હતો. 2013ની એ સ્પર્ધામાં પ્રણવ શિવકુમાર બીજા અને શ્રીરામ હથવાર ત્રીજા ક્રમે રહ્યો હતો. ત્રણેય ભારતીય વંશના. ત્રણેયની ઉંમર તેર તેર વર્ષની હતી. અમેરિકાનો મૂળ ગોરો નિવાસી ચેમ્બર બોર્ન ચોથા ક્રમે રહ્યો હતો. 2016માં ફાઈનલ રાઉન્ડમાં 285 સ્પર્ધકો હતા તેમાંના 70 ભારતીય મૂળના હતા. અમેરિકાનો દક્ષિણ ભારતીય સમાજ પોતપોતાના વિસ્તારની ક્લબોમાં, જ્ઞાતિસમૂહોમાં સ્પેલિંગ બી સ્પર્ધાઓ યોજતો રહે છે અને સંતાનોને પ્રોત્સાહનો આપતો રહે છે. જેમ કે, મેટલાઈફ સાઉથ એશિયન સ્પેલિંગ બી નામથી સ્પર્ધા યોજાય છે. પ્રસિદ્ધ નેશનલ જિઓગ્રાફિક મેગેઝિન દ્વારા પણ `જિઓગ્રાફિક બી' સ્પર્ધા યોજાય છે. તેમાં ભૌગોલિક અને સામાન્ય જ્ઞાનના સવાલો પુછાય છે. અમેરિકાનાં લાખો બાળકો તેમાં ભાગ લે છે. આ સ્પર્ધાઓમાં ભારતીય મૂળનાં સંતાનો બાજી મારી જાય છે. ભારતીય વંશનાં કિશોર-કિશોરીઓ અહીં પણ તેજસ્વિતાનો પરિચય આપે છે. છેલ્લાં પાંચ વર્ષની સતત પાંચ સ્પર્ધાઓ ભારતીય મૂળનાં બાળકોએ જીતી છે. વર્ષ 2005થી આ સ્પર્ધા શરૂ ત્યારથી ભારતીય મૂળનાં સંતાનોએ 80 ટકા સ્પર્ધાઓ જીતી છે. આ દક્ષિણ ભારતીય મા-બાપનાં સંતાનો ગણિત અને વિજ્ઞાનને લગતી સ્પર્ધાઓમાં પણ નેત્રદીપક પ્રદર્શન કરતાં રહે છે. ભારત સરકાર કંઈક એવા પ્રયત્નો કરે તે વાંછનીય છે જેમાં તેજસ્વી મધમાખીઓ વિદેશો તરફ ઊડી જવાને બદલે ભારતમાં મધપૂડાઓ રચે.