વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય જો કોઈ હોય તો એ મહાભારત છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. મહાભારતનાં પાત્રોની વાત કરીએ તો આપણને એવો ખ્યાલ આવે કે પાંચ પાંડવો હતા અને સો કૌરવો હતા.
આ સિવાય શકુનિ, અશ્વત્થામાં, હિડિંબા, ઘટોત્કચ જેવાં અન્ય કેટલાંક મહત્ત્વપૂર્ણ પાત્રોનો ઉલ્લેખ મહાભારતમાં છે, પરંતુ મહાભારતમાં એવાં કેટલાંય પાત્રો છે કે જેને આપણે વર્તમાન સમયમાં વિસરી ગયા છીએ. એવું જ એક વિસરાઈ ગયેલું પાત્ર અર્જુનનાં પત્ની ચિત્રાંગદાનું છે.
ચિત્રાંગદા મહાભારતનું એક અનોખું અને પ્રેરણાદાયી પાત્ર છે કે જેની વાર્તામાં શક્તિ, કર્તવ્ય અને બલિદાનનો અદ્ભુત સંગમ છે. તેમનું જીવન એક યોદ્ધા, એક પત્ની, એક માતા અને એક રાજકુમારી તરીકેની અનેક ભૂમિકાઓને મૂર્તિમંત કરે છે. મહાભારતમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે મણિપુરના રાજવી પરિવારમાં જન્મેલી ચિત્રાંગદા બાળપણથી જ પોતાના રાજ્ય અને લોકો પ્રત્યે સમર્પિત હતી. તેમના પિતા એટલે રાજા ચિત્રવાહન મણિપુરના શક્તિશાળી શાસક હતા, પરંતુ તેમના મનમાં હંમેશાં એક ચિંતા રહેતી કે તેમને કોઈ પુત્ર નહોતો જે તેમના રાજ્યનો વારસો સાચવી શકે.
રાજા ચિત્રવાહને તેમની પુત્રીમાં આ સમસ્યાનો ઉકેલ જોયો. તેમણે નક્કી કર્યું કે ચિત્રાંગદા મણિપુરની રાજગાદીની વારસદાર બનશે. આ નિર્ણય તે સમયની પ્રથાઓ અને માન્યતાઓથી વિરુદ્ધ હતો, પરંતુ ચિત્રવાહને તેને હિંમતભેર અપનાવ્યો. તેમણે સુનિશ્ચિત કર્યું કે ચિત્રાંગદાને એ જ તાલીમ મળે જે એક રાજકુમારને રાજા બનવા માટે માટે જરૂરી હતી. ચિત્રાંગદાએ બાળપણથી જ યુદ્ધ, તીરંદાજી અને તલવારબાજીની કળામાં નિપુણતા મેળવી હતી. આ સાથે તેઓ રાજનીતિ અને વહીવટની ઝીણવટથી પણ વાકેફ હતા.
સમય વીતતો ગયો અને ચિત્રાંગદાએ પોતાની બહાદુરી અને નેતૃત્વ ક્ષમતાથી મણિપુરના લોકોનો વિશ્વાસ જીત્યો. તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. આ તે સમય હતો જ્યારે મહાભારતના મહાન યોદ્ધા અર્જુન પોતાના વનવાસ દરમિયાન મણિપુર પહોંચ્યા હતા. અર્જુન તેમની તીરંદાજી કુશળતા અને યુદ્ધમાં નિપુણતા માટે પ્રખ્યાત હતા, પરંતુ જ્યારે તેમણે મણિપુરની રાજકુમારી ચિત્રાંગદાને જોઈ, ત્યારે તે તેની સુંદરતા અને બહાદુરીથી પ્રભાવિત થઈ ગયા.
અર્જુને ચિત્રાંગદા સાથે લગ્ન કરવાની ઇચ્છા રાજા ચિત્રવાહન સામે વ્યક્ત કરી. આ પ્રસ્તાવ સાંભળીને રાજાએ અર્જુનને પોતાની પરંપરા અને શરતો રજૂ કરી. મણિપુરની પરંપરા અનુસાર ચિત્રાંગદાનો પુત્ર મણિપુરનો વારસદાર બનશે અને તેના રાજ્યમાં રહેશે. અર્જુને આ શરત ખુશીથી સ્વીકારી લીધી.
લગ્ન પછી અર્જુન અને ચિત્રાંગદાનું જીવન પ્રેમ અને સંવાદિતાથી ભરેલું હતું. બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો અને આ દરમિયાન ચિત્રાંગદાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ બભ્રુવાહન હતું. બાળપણથી બભ્રુવાહનને તેની માતાની જેમ બહાદુર અને કુશળ યોદ્ધા તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. મણિપુરના ભાવિ રાજા તરીકે તેને યુદ્ધ, રાજકારણ અને વહીવટની તાલીમ આપવામાં આવી હતી.
થોડા સમય પછી અર્જુનને તેના વનવાસના નિયમોનું પાલન કરવા માટે મણિપુર છોડવું પડ્યું. તેણે ચિત્રાંગદા અને બભ્રુવાહનને રાજ્યમાં જ રહેવા દીધાં, કારણ કે તે જાણતા હતા કે આ મણિપુરની પરંપરા અને રાજ્યના કલ્યાણ માટે સારું રહેશે. ચિત્રાંગદાએ આ નિર્ણયને પૂરા આદર અને નિષ્ઠા સાથે સ્વીકાર્યો.
વર્ષો પછી મહાભારતના વિનાશક યુદ્ધનો અંત આવ્યો. પાંડવોએ કૌરવોને હરાવીને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મેળવ્યું, પરંતુ આ મહાયુદ્ધે ઘણા સંબંધોને તોડી નાખ્યા હતા. આ યુદ્ધ પછી અર્જુન ફરી એકવાર તેમની યાત્રા દરમિયાન મણિપુર પહોંચ્યા. તે સમયે બભ્રુવાહન એક પરિપક્વ શાસક બની ગયો હતો. અર્જુન મણિપુરની સરહદમાં પ્રવેશ્યો, પરંતુ બભ્રુવાહનની સેનાએ તેમને ત્યાં રોકી દીધા. ગેરસમજને કારણે બંને વચ્ચે યુદ્ધ થયું.
આ યુદ્ધમાં બભ્રુવાહને તેના પિતા અર્જુનને હરાવ્યા હતા. આ ઘટના મહાભારતના ઈતિહાસમાં એક અનોખો અને અણધાર્યો વળાંક છે. જ્યારે ચિત્રાંગદાને આ વાતની ખબર પડી તો તે તરત જ યુદ્ધના મેદાનમાં પહોંચી ગઈ. તેણે બભ્રુવાહનને અર્જુનની વાસ્તવિક ઓળખ વિશે જણાવ્યું. જ્યારે બભ્રુવાહનને ખબર પડી કે અર્જુન તેના પિતા છે, ત્યારે તેને પસ્તાવો થયો.
આ ઘટનાએ પિતા અને પુત્ર વચ્ચે નવી સમજણ અને સંવાદિતા સ્થાપિત કરી. અર્જુને બભ્રુવાહનની બહાદુરી અને લડાઈ કુશળતાની પ્રશંસા કરી,જ્યારે બભ્રુવાહને અર્જુન પાસે ક્ષમા માંગી. આ ઘટનાએ મહાભારતની વાર્તામાં એક નવું માનવીય અને ભાવનાત્મક પરિમાણ ઉમેર્યું.
ચિત્રાંગદાનું જીવન માત્ર એક યોદ્ધા રાણી તરીકે જ નહીં, પરંતુ એક માતા અને પત્ની તરીકે પણ પ્રેરણાદાયી છે. તેમણે ક્યારેય પોતાની અંગત ઈચ્છાઓને પોતાના રાજ્ય અને પ્રજાની ફરજો ઉપર સ્થાન આપ્યું નથી. મણિપુરની સમૃદ્ધિ અને સુરક્ષામાં તેમનું યોગદાન અમૂલ્ય હતું. તેમની વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ સંજોગોમાં આપણું કર્તવ્ય કેવી રીતે નિભાવવું. તે સ્ત્રી શક્તિ, હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે. ચિત્રાંગદાનું જીવન એ વાતનો પુરાવો છે કે સ્ત્રી તેના પરિવાર અને રાજ્ય બંને માટે સમાન રીતે સમર્પિત હોઈ શકે છે. મહાભારતમાં તેમની ભૂમિકા ભલે નાની હોય, પરંતુ તેમનું મહત્ત્વ અવિશ્વસનીય અને પ્રેરણાદાયી છે.










