હિન્દી સિનેમાના ઈતિહાસમાં એવા ઘણા કલાકારો છે જેમને જીવતે જીવ મળવું જોઈતું હતું તેટલું સન્માન મળ્યું નથી, પણ તેમના ગયા પછી લોકો તેમને એવી રીતે યાદ કરે છે જાણે તેમના વગર સિનેમા ગરીબ હોય. એવું એક નામ સંગીતકાર મદન મોહનનું છે. કદાચ એનું કારણ તેમનું વહેલા જતું રહેવાનું હતું. વ્યાવસાયિક મુશ્કેલીઓ કહો કે અંગત કારણો, શરાબની ટેવના કારણે તેમનું લીવર ખરાબ થઇ ગયું હતું અને ફિલ્મ સંગીતના ચાહકોને તેમના જાદુનો સરખો પરિચય થાય તે પહેલાં જ, માત્ર 51 વર્ષની વયે તે અલવિદા ફરમાવી ગયા.

તેમણે જે ગીતો રચ્યાં હતાં, તે કેટલાં શાનદાર હતાં તે તેમના ગયા પછી લોકોની સમજમાં આવ્યું હતું અને આજે 50 વર્ષ પછી પણ સંગીતના કાર્યક્રમો, એફ. એમ. રેડિયોની હિટ પરેડ કે ટીવીની સંગીત સ્પર્ધાઓ મદન મોહનનાં ગીતો વગર અધૂરી

હોય છે.

2004માં `વીર ઝારા'નું નિર્માણ કરનાર નિર્માતા-નિર્દેશક યશ ચોપરાએ એકવાર કહ્યું હતું, `કેવી વિડંબના કહેવાય કે મારી સૌથી મહત્ત્વની ફિલ્મ `વીર ઝારા'ની શોભા જે સંગીતના કારણે વધી હતી, તેની ધૂન 30 વર્ષ પહેલાં મદનજીએ બનાવી હતી. એ ચમત્કાર હતો કે મદનજી દરેક પરિસ્થિતિઓ માટે અનુકૂળ ધૂનો છોડી ગયા હતા. જાણે `હીર રાંઝા' અને `લયલા મજનૂ'ના આ સંગીતકારે દાયકાઓ પછી બનનારી પ્રેમકથાઓ માટે ગીતો રચી રાખ્યાં હતાં.'

મદન મોહન તેમની ટૂંકી પણ શાનદાર સંગીત સફરમાં સતત સંઘર્ષ કરતા રહ્યા હતા અને તેની શરૂઆત થઇ હતી 1950ની `આંખે' ફિલ્મથી. ભારત ભૂષણ અને નલિની જયવંત અભિનીત અને દેવેન્દ્ર ગોયેલ નિર્દેશિત આ પ્રણય ત્રિકોણ કમાણીની દૃષ્ટિએ 1950ની ટોપ ટેન ફિલ્મોમાં દસમા નંબરે હતી. (પહેલા નંબરે રમેશ સાઈગલ કૃત અશોક કુમાર-નલિની જયવંતની `સમાધિ' હતી).

`આંખે' ફિલ્મથી મદનજીને પહેચાન મળી. તેમાં 8 ગીતો હતાં. બધાં જ મધુર હતાં. ખાસ કરીને મોહમ્મદ રફીના અવાજમાં રાજા મહેંદી અલી ખાનનું ગીત `હમ ઈશ્ક મેં બરબાદ હૈ બરબાદ રહેંગે' તેની સંગીતમયતાના કારણે યાદગાર બન્યું હતું. રફી સા'બ સાથે મદનજીની એક લાંબી અને સફળ જુગલબંધીની પણ એ શરૂઆત હતી.

`આંખે' ફિલ્મ પહેલાં તેઓ સચિન દેવ બર્મન અને શ્યામ સુંદરના અનુક્રમે `દો ભાઈ' અને `એક્ટ્રેસ' ફિલ્મમાં સંગીત સહાયક રહ્યા હતા. તેની પહેલાં તે ગઝલોનું પ્રાઇવેટ રેકોર્ડિંગ કરતા હતા અને તેની પણ પહેલાં મદન મોહન ઓલ ઇન્ડિયા રેડિયોના લખનૌ અને દિલ્હી સ્ટેશન પર કાર્યક્રમ સહાયક તરીકે કામ કરતા હતા. અહીં જ તેઓ શાસ્ત્રીય અને ફિલ્મી સંગીતના કલાકારોના પરિચયમાં આવ્યા હતા.

બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે મદન મોહન કોહલી બગદાદ (ઈરાક)માં 25 જૂન, 1924ના રોજ જન્મ્યા હતા. તેમના પિતા રાય બહાદુર ચુનીલાલ કોહલી બ્રિટિશ સરકાર તરફથી ત્યાં ઈરાકી પોલીસ દળોના એકાઉન્ટ જનરલ હતા. તેમનું બાળપણ ઈરાકમાં પસાર થયું હતું અને 1932માં તેમના પિતા ધંધો કરવા માટે તે વખતના બોમ્બેમાં સ્થાયી થયા. ત્યાં તે બોમ્બે ટોકીઝનાં યુગલ દેવિકા રાણી અને હિમાંશુ રોયના પરિચયમાં આવ્યા હતા. તેમાંથી તેમણે ફિલ્મોમાં ફાઇનાન્સ કરવાનો વ્યવસાય જમાવ્યો હતો.

તે વખતે 8 વર્ષના મદન મોહન (હવે પાકિસ્તાનમાં આવેલા) પંજાબના જેલમ જિલ્લામાં ચકવાલ નગરમાં તેમના દાદા પાસે રહ્યા હતા. ત્યાં લાહોરમાં ભણતી વખતે તેમને કરતાર સિંહ નામના એક પંજાબી સંગીતકાર પાસેથી શાસ્ત્રીય સંગીતની ટૂંકી પણ પાયાની સમજ મળી હતી. ત્રણ વર્ષ પછી 11 વર્ષની વયે મદનજી તે વધુ ભણવા માટે પિતાજી પાસે બોમ્બે ગયા હતા. ત્યાં સેન્ટ મેરી સ્કૂલમાં બાળકોના સંગીત કાર્યક્રમ કરતા હતા.

17 વર્ષની વયે પિતાજીએ તેમને દહેરાદૂનમાં શારીરિક ફિટનેસ માટે જાણીતી કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલમાં મૂક્યા હતા. અહીં સુધી તેમના ભવિષ્યમાં સંગીતનું નામોનિશાન નહોતું. પિતાજી ઈરાકમાં પોલીસ દળ સાથે જોડાયેલા હતા તેનો પ્રભાવ કહો કે પછી યુવાન મદનજીનો ઊંચો છરહરો બાંધો કહો, દહેરાદૂનમાં એક વર્ષની તાલીમ પછી તેઓ ભારતીય બ્રિટિશ સેનામાં ભરતી થઇ ગયા. પિતા ઇચ્છતા હતા કે મદન સેનામાં કારકિર્દી બનાવે. મદનમાં ફિલ્મોનો શોખ પનપી રહ્યો હતો. પાછળથી તેના કારણે જ તેમને કઠોર હૃદયના પિતા સાથે અણબનાવ થવાનો હતો. મદનજીએ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે બેંગ્લોરમાં બે વર્ષ સેવા આપી હતી, પણ એવું કહેવાય છે કે ત્યાં સુધીમાં તેમની અંદરનો સંગીતનો આત્મા જાગી ચૂક્યો હતો. તેમના જેવા ઋજુ માણસને સેનાની કઠોર જિંદગી માફક આવી નહોતી. એટલે 1943માં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે સેનામાં રાજીનામું આપીને તે બોમ્બે આવી ગયા હતા અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં નોકરી શરૂ કરી હતી.

પિતાએ મદનજીને આર્મી સ્કૂલમાં અને પછી સેનામાં ભરતી કરાવ્યા તેની પાછળ યોજના તો એવી જ હતી કે દીકરો સંગીતના શોખમાં ફિલ્મી દુનિયામાં ન આવે, પણ મદનજી જાતે જ તેમનું કિસ્મત લખવા માટે નિશ્ચયી હતા. ઓલ ઇન્ડિયા રેડિયો ફિલ્મી દુનિયામાં પ્રવેશવા માટેનો દરવાજો હતો. આમ તો એવું પણ કહેવાય છે કે તે ઊંચા, પાતળા અને રૂપાળા હતા એટલે તેમના મનમાં અભિનેતા બનવાની કીડો પણ

સળવળતો હતો.

મુંબઈમાં કોહલી પરિવારની પડોશમાં (મરીન ડ્રાઈવ પર) અભિનેત્રી નરગિસની માતા જદ્દનબાઈ રહેતી હતી. થોડે દૂર સુરૈયા રહેતી હતી. યુવાન મદન ફિલ્મી લોકો વચ્ચે હતા. તેમાં તેમની ઓળખાણ દેવેન્દ્ર ગોયેલ અને શેખર નામના તેમના જેવા જ સંઘર્ષરત યુવાનો સાથે થઇ. દેવેન્દ્રને ફિલ્મ બનાવવી હતી, શેખરને અભિનેતા બનવું હતું, મદનને સંગીતકાર થવું હતું. ત્રણેયે ભેગા થઈને પૈસા એકઠા કર્યા અને તે વખતની ટોપ સ્ટાર નલિની જયવંતનો સંપર્ક કર્યો. એ રીતે `આંખે' બની.

ફિલ્મ સાધારણ રહી, પણ તેનાં ગીતોના કારણે લોકોના ધ્યાનમાં આવી. પોતાની પહેલી જ ફિલ્મમાં મદનજી તે વખતના મોટા ગાયકો શમશાદ બેગમ, મીના કપૂર, ગીતા દત્ત, મોહમ્મદ રફી અને મુકેશના અવાજનો ઉપયોગ કર્યો હતો.

મદનજીએ તેમના ફિલ્મી જુનૂનથી નારાજ રહેતા પિતાજીને `આંખે' ફિલ્મના એક ખાનગી શો માટે આમંત્ર્યા હતા. પિતા આખી ફિલ્મમાં બેઠા હતા. ફિલ્મ પૂરી થઇ ત્યારે તે એક શબ્દ બોલી શક્યા નહોતા. તેઓ હોલમાંથી બહાર નીકળ્યા અને દીકરા મદન સાથે કાર સુધી ગયા. કારમાં ડ્રાઈવિંગ સીટ પર બેસીને પિતા ચુનીલાલ રડવા લાગ્યા. એ હર્ષનાં આંસુ હતાં. તેમણે કહ્યું, `બેટા, તેં એટલું જ સાબિત નથી કર્યું કે તને સંગીતની સમજ છે, પણ તારામાં સંગીતની લાગણી પણ છે. મને વિશ્વાસ થઇ ગયો છે કે તેં સાચી કારકિર્દી પસંદ કરી છે. હું તારી સફળતા માટે પ્રાથના કરીશ.'

બે મહિના પછી ચુનીલાલનું અવસાન થઇ ગયું. સાથે તેઓ એક અફસોસ લઈને ગયા હતા તે હિન્દી ફિલ્મોમાં ફાઇનાન્સ કરતા હતા અને પોતાના જ દીકરાને તેમની ફિલ્મમાં તક આપી ન શક્યા. તે પછીનાં 25 વર્ષ સુધી મદન મોહન તેમની સંગીતની સમજ અને લાગણી બંનેનો પરિચય આપતા રહેવાના હતા.

એક એવો પરિચય, જે તે પછી આવનારી પેઢીઓ યાદ રાખવાની હતી.