- ઊંચી ઈન્વેન્ટરી વચ્ચે ભાવમાં ઘટાડા પાછળ નફાકારકતા પર પ્રતિકૂળ અસર
- ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગની આવકમાં 30-35 ટકા ઘટાડો
- ઈઝરાયેલ ની ભારત પાસેથી 1.25 અબજ ડોલરના પોલિશ્ડ ડાયમંડ્સની આયાત
ભારતીય ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગની આવકમાં વાર્ષિક ધોરણે 30-35 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તે 14-15 અબજ ડોલર પર જોવા મળે છે. આવકમાં ઘટાડા પાછળ ઉદ્યોગ માટે મુખ્ય માર્કેટ્સ એવા યુએસ, યુરોપિનય યુનિયન(ઈયુ) અને ચીન ખાતે આર્થિક મંદી જવાબદાર છે. આ બજારોમાં કટ્સની માગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું રેટિંગ એજન્સી ક્રિસિલે તેની નોંધમાં જણાવ્યું છે. ઉપરોક્ત ત્રણ મુખ્ય બજારો ભારતીય પોલિશ્ડ ડાયમંડ નિકાસનો 75 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં યુએસ 35 ટકા જ્યારે ચીન 30 ટકા સાથે ટોચના બે બજારો છે. ઈયુ માર્કેટ 10 ટકા હિસ્સો ધરાવે છે.
ક્રિસિલ રેટિંગ્સના અભ્યાસમાં આવરી લેવામાં આવેલા 46 ડાયમંડ પોલિશર્સ ગયા નાણાવર્ષે રૂ. 1.8 લાખ કરોડના ઉદ્યોગનો 20 ટકા હિસ્સો ધરાવતાં હતાં. ડાયમંડ્સના રિટેલ ભાવમાં ઘટાડા વચ્ચે પોલિશ્ડ ડાયમંડ્સની ઊંચી ઈન્વેન્ટરીને કારણે પોલિશર્સની નફાકારક્તા પર અસર પડી છે. જોકે, આ પ્રતિકૂળતાઓ વચ્ચે પોઝિટિવ બાબત બિઝનેસમાં ઘટાડા પાછળ ડેટમાં ઘટાડો છે. જે ડાયમંડ પોલિશર્સના ક્રેડિટ રિસ્ક પ્રોફઈલ્સ પરના દબાણને કેટલેક અંશે સરભર કરે છે. ઈઝરાયેલ ભારત પાસેથી વાર્ષિક ધોરણે 1.25 અબજ ડોલરના મૂલ્યના પોલિશ્ડ ડાયમંડ્સની આયાત કરે છે. જોકે, હાલમાં તેના પેલેસ્ટાઈન ત્રાસવાદી સંગઠન હમાસ સાથે ચાલી રહેલા જંગને કારણે આયાતમાં ઘટાડો સંભવ છે. આમ છતાં તહેવારોની સિઝનને કારણે નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં માગમાં કેટલાંક સુધારાની શક્યતા છે. આગામી સમયગાળામાં થેંક્સગિવિંગ, ક્રિસમસ અને ચાઈનીઝ ન્યૂ યર જેવા તહેવારો જોવા મળશે. જોકે, આને કારણે કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી એમ ક્રિસિલ રેટિંગ્સના ડિરેક્ટર રાહુલ ગુહા જણાવે છે. ઊંચો ખર્ચ ધરાવતાં પોલિશ્ડ ડાયમંડ્સની ઈન્વેન્ટરી ચાર મહિનાના વેચાણથી વધુ ગઈ છે ત્યારે રિટેલ ભાવ નીચા હોવાના કારણે પોલિશર્સની નફાકારક્તામાં 50-100 બેસિસ પોઈન્ટ્સની અસર પડવાની સંભાવના છે.










