- સોયાબીન, રાયડા ખોળના ઊંચા પુરવઠા પાછળ નિકાસમાં વધારો
- ચાલુ નાણાવર્ષના પ્રથમ આંઠ મહિનામાં 21 ટકા વૃદ્ધિ જોવા મળી
- ભારતમાંથી સોયાબીન ખોળની નિકાસ 8.57 લાખ ટન પર રહી હતી
દેશમાંથી ખોળની નિકાસમાં ચાલુ નાણાવર્ષના પ્રથમ આંઠ મહિનામાં 21 ટકા વૃદ્ધિ જોવા મળી છે. દેશમાંથી ખોળ(ઓઈલમિલ)ની નિકાસમાં વૃદ્ધિ પાછળ સોયાબીન ખોળ અને રાયડા ખોળની મોટી ઉપલબ્ધતા કારણભૂત હતી. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ્ ઈન્ડિયા(સી)ના ડેટા મુજબ એપ્રિલથી નવેમ્બર સુધીમાં દેશમાંથી 28.83 લાખ ટન તેલ ખોળની નિકાસ થઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 23.82 લાખ ટન પર જોવા મળતી હતી. ભારતીય ખોળ વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનવાના કારણે પણ સ્થાનિક ખોળની માગ ઊંચી જળવાય હતી. ઉપરાંત, હરીફ્ માર્કેટ્સ જેવાકે આર્જેન્ટિનામાં ખોળની અછતને કારણે ભારતની નિકાસ વધી હતી. ભારતમાંથી સોયાબીન ખોળની નિકાસ 8.57 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.25 લાખ ટન પર હતી. સીઆઈએફ્ રોટરડેમ ખાતે આર્જેન્ટિનાનો ખોળ 545 ડોલર પ્રતિ ટન સામે ભારતીય ખોળ એક્સ-કંડલા 540 ડોલર પર પ્રાપ્ય હતો. જેને કારણે નવા પાકમાંથી સોયાબીન મિલની નિકાસ વધી હતી. ઉપરાંત, દક્ષિણ એશિયા ખાતેથી પણ ભારતીય સોયાબીન મિલની ઊંચી માગ જળવાય રહી હતી. ભારત દક્ષિણ-પૂર્વ એશિયા માટે લોકેશનની અનુકૂળતા પણ ધરાવે છે અને તેથી નાના લોટ્સમાં સપ્લાય કરી શકે છે.
એપ્રિલથી નવેમ્બરમાં ભારતે 16.07 લાખ ટન રાયડા મિલની નિકાસ કરી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 14.74 લાખ ટન પર હતી. રાયડા ખોળ માટે ભારત વિશ્વમાં સૌથી સ્પર્ધાત્મક સપ્લાયર હતો. ભારતીય ખોળના મુખ્ય ખરીદારોમાં સાઉથ કોરિયા, વિયેટનામ, થાઇલેન્ડ અને અન્ય દૂર-પૂર્વના દેશોનો સમાવેશ થાય છે. જર્મનીના હેમ્બર્ગ ખાતે 334 ડોલર પ્રતિ ટન એક્સ-મિલ સામે ભારતીય ખોળ 326 ડોલર એફ્ઓબીપર પ્રાપ્ય હતો. સાઉથ કોરિયા, થાઇલેન્ડ, વિયેટનામ અને બાંગ્લાદેશ ભારતીય ખોળના સૌથી મોટા આયાતકારો હતાં.










