- એરપોર્ટ પર જતી વખતે તેમને એક ટ્રોફી આપવામાં આવી હતી
- અભિનેત્રી ક્રિશન પરેરા શારજાહ જેલમાંથી મુક્ત થઈ ગઈ છે
- શારજાહના એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી
સડક 2 અને બાટલા હાઉસની અભિનેત્રી ક્રિશન પરેરા શારજાહ જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. શારજાહ લઈ જવામાં આવેલી ટ્રોફીમાં ડ્રગ્સ છુપાવવાનો આરોપ મૂક્યા બાદ 1 એપ્રિલે UAEના શારજાહના એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રિશનના ભાઈ કેવિન પરેરાએ બુધવારે ક્રિશનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જેલની બહાર જોવા મળી હતી. તેને આ રીતે બહાર જોઈને આખો પરિવાર આનંદથી ઊછળી પડયો. અભિનેત્રીના ભાઈઓ તેને સમજાવે છે કે નિર્દોષ લોકો સાથે ક્યારેય કંઈ ખરાબ થતું નથી. તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો. પોસ્ટ શેર કરતા કેવિને લખ્યું, 'ક્રિશન ફરી છે, તે 48 કલાકમાં ભારત પરત ફરી રહી છે.' ક્રિશનના પરિવારનો આરોપ છે કે તેને ફ્સાવવામાં આવી હતી, જેના પગલે આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ ખબર પડી કે પોલ નામના માસ્ટરમાઇન્ડે ક્રિશનની માતા પર બદલો લેવા માટે આ કાવતરું ઘડયું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ક્રિશનને ડ્રગ સ્મગલિંગ કેસમાં ફ્સાવવાના આરોપ સાથે બે લોકોની ધરપકડ કરી હતી, જેમણે કથિત રીતે ક્રિશનને ફ્સાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની ટ્રોફીમાં ડ્રગ્સ રાખ્યું હતું. પહેલો આરોપી એન્થોની પોલ છે, જે બેકરીનો માલિક છે, જ્યારે બીજો આરોપી રાજેશ બોબટે જે બેંકનો આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બે વ્યક્તિઓ આ કેસમાં સામેલ હતા. પરિવારના જણાવ્યા અનુસાર એન્થોની પોલ નામના વ્યક્તિએ તેના પાર્ટનર રવિ સાથે મળીને ક્રિશનને આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝના ઓડિશન માટે UAE મોકલવાની યોજના બનાવી હતી. એરપોર્ટ પર જતી વખતે તેમને એક ટ્રોફી આપવામાં આવી હતી, જેમાં ડ્રગ્સ હતું. તપાસ દરમિયાન પોલીસનું કહેવું છે કે પોલ પહેલા પણ ઘણા લોકોને આવા કેસમાં ફ્સાવી ચૂક્યો છે.










