• કંપનીએ 2021માં એક ટકા પરથી 2023માં સાત ટકા આઈફોન ભારતમાં બનાવ્યા

  • મૂડી ખર્ચ અને હાઈ-એન્ડ ટેક્નોલોજીની પ્રાપ્તિ મહત્ત્વની છે
  • બેંક ઓફ્ અમેરિકા(બોફા)એ તેના રિપોર્ટમાં નોંધ્યું છે

ટેક્નોલોજી જાયન્ટ એપલ 2025 સુધીમાં વૈશ્વિક આઈફોન ઉત્પાદનનો 18 ટકા હિસ્સો ભારતમાં ખસેડવા માટે વિચારી રહી છે એમ બેંક ઓફ્ અમેરિકા(બોફા)એ તેના રિપોર્ટમાં નોંધ્યું છે. ભારત સરકારના પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ(PIL)યોજના આ માટે મુખ્ય આકર્ષણ હોવાનું રિપોર્ટ જણાવે છે. પીઆઈએલ સ્કીમ એપલ તથા તેના વેન્ડર્સને દેશમાં તેમની કામગીરી વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે.

બોફાના રિપોર્ટ મુજબ આ સ્કીમ ભારતને સ્થાનિક ઉત્પાદનને ત્રણ ગણું બનાવી 126 અબજ ડોલર કરવાના ટાર્ગેટને હાંસલ કરવામાં સહાયરૂપ બનશે. તેમજ 2025-26 સુધીમાં નિકાસને પાંચ ગણી બનાવી 55 અબજ ડોલર પર લઈ જવાનો ટાર્ગેટ મેળવવામાં પણ ઉપયોગી બની રહેશે. તાજેતરના અહેવાલો મુજબ એપલે 2023માં ભારતમાં કુલ સાત ટકા આઈફોન બનાવ્યાં હતાં. જે આંક 2021માં માત્ર એક ટકા પર હતો. અગાઉ કેટલાંક અહેવાલો મુજબ એપલ 2025 સુધીમાં દેશમાં 25 ટકા આઈફોન ઉત્પાદન માટે વિચારી રહી છે. બેંક ઓફ્ અમેરિકાના રિપોર્ટ મુજબ ભારતની સ્થાનિક

ઇલેક્ટ્રોનિક માગમાં મોબાઈલ ફોન્સ 21.5 ટકા હિસ્સો ધરાવે છે. જે વાર્ષિક સરેરાશ 15 ટકા વૃદ્ધિ દર દર્શાવે છે. 2022-23માં જ ભારતે 158 અબજ ડોલરના મૂલ્યના ઇલેક્ટ્રોનિક ગુડ્ઝનો વપરાશ નોંધાવ્યો હતો. જે 2016-17થી 2022-23 સુધીમાં 11 ટકાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સૂચવે છે. જોકે, ઊંચી માગ છતાં દેશમાં મોટાભાગનો સપ્લાય આયાત મારફતે મેળવવામાં આવે છે. 2022-23માં ભારતની ઇલેક્ટ્રોનિક્સની આયાત 77 અબજ ડોલર પર રહી હતી. જે દેશ માટે બીજું સૌથી મોટું ઇમ્પોર્ટ બિલ બની રહ્યું હતું તથા દેશની વેપાર ખાધમાં 20 ટકાનું યોગદાન દર્શાવતું હતું. રિપોર્ટમાં નોંધ્યા મુજબ મોબાઈલ ફોનના ખર્ચમાં અંદાજે 70 ટકા હિસ્સો ધરાવતાં કોમ્પોનેન્ટ્સ જેવાકે ડિસ્પ્લે, મેમરી અને સેમિકંડક્ટર્સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવું એક પડકાર છે. તેને સ્થાનિક સ્તરે બનાવવા માટે નોંધપાત્ર મૂડી ખર્ચ અને હાઈ-એન્ડ ટેક્નોલોજીની પ્રાપ્તિ મહત્ત્વની છે. રિપોર્ટ મુજબ સરકારની રૂ. 38,000 કરોડની પીએલઆઈ સ્કીમની પોઝિટિવ અસર પાછળ સ્થાનિક પ્રોડક્શનમાંથી નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે ઇલેક્ટ્રોનિક નિકાસ 16 ટકા પરથી વધી 25 ટકા પર જોવા મળી હતી.


  • Follow us on: