• નિફ્ટી ઓલ-ટાઈમ હાઈથી દોઢ ટકા નીચે

  • વોલેટિલિટી ઈન્ડેક્સ 7.5 ટકા ઊછળી 12.17ના સ્તરે
  • અદાણી પાવર, એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા નવી ટોચે

શેરબજારમાં તેજીવાળાઓ મક્કમ બની રહેતાં બેન્ચમાર્ક્સ તેમની અઢી મહિનાની ટોચ નજીક પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 204 પોઈન્ટ્સ વધી 66174ની સપાટીએ જ્યારે નિફ્ટી 95 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19890ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં માફ્કસરની ખરીદી જળવાતાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3972 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1906 પોઝીટીવ બંધ જળવાયાં હતાં. જ્યારે 1894 કાઉન્ટર્સ નેગેટિવ રહ્યાં હતાં. 316 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.5 ટકા ઉછળી 12.17ના સ્તરે બંધ રહ્યો હતો.

મંગળવારે એશિયન બજારોમાં મિશ્રા માહોલ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19795ના બંધ સામે 19845ની સપાટીએ ખૂલી મોટાભાગનો સમય સ્થિર ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જોકે, આખરી દોઢ કલાકમાં ઓચિંતી ખરીદી નીકળી હતી અને જોત-જોતામાં તે 19917ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે, 19900 પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 63 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 19953ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 30 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ઊંચી વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે બજારમાં લોંગ પોઝીશન્સમાં ઉમેરો થયો છે. જોકે, બીજી બાજુ વોલેટિલિટી ઈન્ડેક્સ પણ વધ્યો છે અને તેથી નવી ટ્રેડ પોઝીશનમાં સાવચેતી દાખવવી જરૂરી છે. ટ્રેડર્સ 19700ના સ્ટોપલોસ સાથે તેમના ટ્રેડિંગ લોંગ્સ જાળવી શકે છે. સપ્તાહાંતે એક્ઝિટ પોલ પછી માર્કેટમાં કોઈ એકબાજુની મૂવમેન્ટ જોવા મળશે. જો પોલ્સ એનડીએની તરફેણ સૂચવશે તો બેન્ચમાર્ક 20 હજારની સપાટી નવા સપ્તાહે કૂદાવી શકે છે.

નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએજીસી, બજાજ ફ્નિસર્વ, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદાલ્કો, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા, એનટીપીસી, ગ્રાસિમ, ટાઈટન કંપની, એક્સિસ બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. જ્યારે એપોલો હોસ્પિટલ, આઈટીસી, આઈશર મોટર્સ, સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, એચડીએફ્સી બેંક, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટી, ઓટોમાં લેવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, એચપીસીએલ, તાતા પાવર, આઈઓસી, બીપીસીએલ, ઓએનજીસી, એનટીપીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, સેઈલ, મોઈલ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, નાલ્કો, વેદાંત મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ એક ટકા ઉછળી નવી ટોચે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં તાતા મોટર્સ, મધરસન સુમી, હીરો મોટોકોર્પ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, બજાજ ઓટો, બોશ, એમએન્ડએમમાં મજબૂતી જોવા મળતી હતી. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.4 ટકા મજબૂત રહ્યો હતો. જેમાં પીએનબી, બેંક ઓફ્ મહારાષ્ટ્રી, બેંક ઓફ્ બરોડા, કેનેરા બેંક, બેંક ઓફ્ ઈન્ડિયા, યુનિયન બેંકમાં મજબૂતી જોવા મળી હતી. ફાર્મા, એફ્એમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ્, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.

એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ 9 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, તાતા પાવર, એનએમડીસી, આઈઓસી, ઈન્ડિયા સિમેન્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, મેક્સ ફાઈનાન્સિયલ, તાતા મોટર્સ, એલએન્ડટી ફાઈનાન્સ, પીએનબીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, તાતા કોમ, ડેલ્ટા કોર્પ, ગ્લેનમાર્ક, ભારત ફોર્જ, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ્, પોલીકેબ, ડો. લાલ પેથલેબ્સમાં નરમાઈ જોવા મળી હતી. અદાણી પાવર, એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા નવી ટોચ દર્શાવી હતી.


  • Follow us on: