બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર વિરુદ્ધ જાતીય સતામણીની કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અરજી તેની નિર્ધારિત સમયમર્યાદા પછી થઈ છે અને અરજી વિલંબથી કર્યા બદલ કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. મીટૂ મૂવમેન્ટ વખતે અભિનત્રીએ એક ફિલ્મની શૂટિંગ વખતે તેની સાથે થયેલા દૂરવ્યવહાર બદલ નાના પાટેકર સહિત કેટલાક લોકો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
અભિનેત્રી તનુશ્રી દત્તાએ વર્ષ 2008માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના ગીત દરમિયાન તેની સાથે જાતીય સતામણી અને દુરવ્યવહાર થયા હોવાના આક્ષેપ ઓક્ટોબર 2018માં નાના પાટેકર અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ નોંધાવી હતી. વર્ષ 2019માં પોલીસે પોતાના તપાસ અહેવાલમાં કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા. પોલીસે બી-સમરી રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. તે અહેવાલ મુજબ એફઆરઆઇ ખોટી હોવાનું સામે આવ્યું હતું. તનુશ્રીએ પોલીસ અહેવાલ વિરુદ્ધ અરજી દાખલ કરીને કોર્ટ સમક્ષ તપાસ આગળ વધારવા માગણી કરી હતી.હવે ન્યાયિક મેજિસ્ટ્રેટ એન.વી.બંસલે કહ્યું છે કે તનુશ્રીએ 2018માં જે એફઆઇઆર દાખલ કરવી હતી તે વર્ષ 2008ની ઘટનાને સંબંધિત હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ આ પ્રકારના આરોપો સામે ફરિયાદ કરવાની સમયમર્યાદા ત્રણ વર્ષની છે. કોર્ટે કહ્યું કે સમયમર્યાદામાં અરજી કેમ ના થઈ તેના કારણ પણ આપવામાં નથી આવ્યા. તેથી અરજીનો સ્વીકાર થઈ શકે તેમ નથી. અરજીનો વિલંબથી સ્વીકાર કરવો તે ન્યાયની સચ્ચાઈ અને સમાનતાના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.










