- પ્રભાસ અને ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ વચ્ચે સર્જનાત્મક મતભેદો હોવાની ચર્ચાઓ
- 270 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 750 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો
- પ્રશાંત ટૂંક સમયમાં એનટીઆર સાથે તેની આગામી ફિલ્મ ‘ NTR 31' પર કામ શરૂ કરશે
2023માં રિલીઝ થયેલી પ્રભાસની એક્શન પેક્ડ ફિલ્મ 'સાલાર પાર્ટ-1' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ હતી. 270 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 750 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મના અંતે, જાહેરાત કરવામાં આવી હતી કે તેનો બીજો ભાગ રજૂ કરવામાં આવશે. પરંતુ હવે સાંભળવા મળી રહ્યું છે કે આ ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે. તેલુગુ 360ના એક અહેવાલ અનુસાર, પ્રભાસ અને ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે. હવે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. દરમિયાન, નિર્દેશક પ્રશાંત ટૂંક સમયમાં એનટીઆર સાથે તેની આગામી ફિલ્મ ‘ NTR 31' પર કામ શરૂ કરશે. આ ફિલ્મના પહેલા શેડયૂલનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે. પ્રશાંત હવે આ ફિલ્મ માટે પોતાનો પૂરો સમય ફાળવી રહ્યો છે.પ્રભાસના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાની આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી' છે જે 27 જૂને વિશ્વભરમાં રિલીઝ થશે. આ પછી તેની પાસે 'રાજા સાહબ' અને 'સ્પિરિટ' સિવાય એક વધુ ફિલ્મ છે. આવી સ્થિતિમાં તે 'સાલાર-2'માં ક્યારે કામ કરશે તે અંગે શંકા છે. 2017માં રિલીઝ થયેલી 'બાહુબલી-2' પછી પ્રભાસની કારકિર્દીમાં કોઈ હિટ ફિલ્મ નથી. ત્યારથી તેમની 4 ફિલ્મો 'સાહો', 'રાધે શ્યામ', આદિપુરુષ' અને 'સાલર પાર્ટ-1' રિલીઝ થઈ છે. આ તમામ ફિલ્મોની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી અને તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ તે તમામ વિવેચકોની નજરમાં હિટ સાબિત થઈ ન હતી.










