• મુકેશ ખન્નાએ રણવીરસિંહની શક્તિમાન બનવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી

  • 200-300 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે
  • આ ફિલ્મ વર્ષ 1997માં લોકપ્રિય શો 'શક્તિમાન'ના સુપરહીરોના પાત્ર પર આધારિત હશે

  બોલિવૂડ એક્ટર રણવીરસિંહ સોમવારે સાંજે 7:30 વાગ્યે 'શક્તિમાન' ફેમ એક્ટર મુકેશ ખન્નાને મળવા ગયો હતો. રણવીર અભિનેતાને તેની સત્યમ હાઉસિંગ સોસાયટી, કાંદિવલી પૂર્વમાં આવેલી ઓફિસમાં મળ્યો હતો. આ મિટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મિટિંગમાં રણવીર મુકેશ ખન્નાને મનાવવા આવ્યો હતો. વાસ્તવમાં, છેલ્લા એક વર્ષથી એવી ચર્ચા હતી કે રણવીર 'શક્તિમાન' પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જોકે, આ વર્ષે માર્ચમાં મુકેશ ખન્નાએ રણવીરના શક્તિમાન બનવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 'સ્ટાર પાવર હોવા છતાં રણવીર ક્યારેય શક્તિમાન બની શકતો નથી.' આ દરમિયાન તેમણે રણવીરના ન્યૂડ ફોટોશૂટ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેને બાલિશ ગણાવ્યો હતો.

 2022માં સોની પિક્ચર્સે એક વીડિયો દ્વારા 'શક્તિમાન' ફિલ્મની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સનું માનીએ તો આ એક મેગા બજેટ ફિલ્મ હશે, જે 200-300 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવશે. મેકર્સ તેને ઇન્ટરનેશનલ લેવલ પર બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 1997માં લોકપ્રિય શો 'શક્તિમાન'ના સુપરહીરોના પાત્ર પર આધારિત હશે. આ ફિલ્મ માટે રણવીર પહેલા 'ગલી બોય' ફેમ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીનું નામ સામે આવ્યું હતું. 90ના દાયકામાં મુકેશ ખન્નાએ ટીવી શો 'શક્તિમાન'માં સુપરહીરોની ભૂમિકા ભજવી હતી. લોકો આજે પણ આ પાત્રને યાદ કરે છે. 'મહાભારત' અને 'રામાયણ' પછી, શક્તિમાનને દૂરદર્શન પર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: