- છેલ્લાં એક વર્ષમાં ઈન્ડેક્સમાં 100 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો
- મેનિપ્યુલેશન અટકાવવા ASM અને ટ્રેડ-ટુ-ટ્રેડ સેટલમેન્ટ લંબાવવાની વિચારણા
- એસએમઈ આઈપીઓ માટે સેબીની મંજૂરીની આવશ્યક્તા રહેતી નથી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજારમાં સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ(એસએમઈ) સેગમેન્ટમાં ગેરરિતીઓ અટકાવવા માટે વિચારેલાં કેટલાંક કડક નિયમનકારી પગલાઓ પાછળ મંગળવારે બીએસઈ એમએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. ગુરુવારે બપોરે તે 34378ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. સેબીએ સોમવારે એમએસઈ પ્લેટફેર્મ્સ પર લિસ્ટેડ કંપનીઓને એડિશ્નલ સર્વેલન્સ મેઝર્સ(ASM) અને ટ્રેડ-ટુ-ટ્રેડ સેટલમેન્ટ જેવા ફ્રેમવર્ક લાગુ પાડવાની વાત કરી હતી. જેથી એસએમઈ કંપનીઓના શેર્સમાં વોલેટિલિટીને અંકુશમાં જાળવી શકાય. જોકે, માર્કેટ રેગ્યુલેટરની આ વિચારણા પાછળ બીએસઈ એમએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો. છેલ્લાં એક વર્ષમાં ઈન્ડેક્સમાં 100 ટકાથી વધુ સુધારાને જોતાં આ ઘટાડો જોકે નાનો હોવાનું વર્તુળો જણાવતાં હતાં. તેમના મતે છેલ્લાં ત્રણ મહિનામાં એસએમસઈ પ્લેટફેર્મ પર એકાંતરે ધોરણે લગભગ એક કંપની પ્રવેશી રહી છે. જે માર્કેટમાં ઉન્માદ તેની પરાકાષ્ઠાએ હોવાનું સૂચવે છે અને તેથી જ સેબી તરફ્થી નિયમોને કડક બનાવવાની જરૂર છે. અન્યથા રિટેલ રોકાણકારોના નાણા ફ્સાય જવાની શક્યતાં રહેલી છે.
સેબીનું પગલું એસએમઈ સ્પેસમાં સટ્ટાકિય ટ્રેડિંગ પર નિયંત્રણનું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એસએમઈ સેગમેન્ટમાં રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે બાબત એસએમઈ આઈપીઓના અનેકગણા ભરાઈ જવા પરથી ખ્યાલ આવે છે. એક્સચેન્જિસ અને માર્કેટ રેગ્યુલેટરની સંયુક્ત બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે એમએસઈ સ્ટોક્સને એએસએમ ફ્રેમવર્ક અને ટ્રેડ-ફેર-ટ્રેડ ફ્રેમવર્ક લાગુ પાડવામાં આવશે એમ બીએસઈ અને એનએસઈના સર્ક્યુલર્સમાં જણાવાયું હતું.










