- નિફ્ટી 19,600ને પાર કરવામાં સફળ
- વોલેટિલિટી ઇન્ડેક્સ 1.4 ટકા ગગડી 10.67ના સ્તરે
- વોડાફોન, પેટ્રોનેટ એલએનજી, ત્રિવેણી એન્જિ, કેસ્ટ્રોલ નવી ટોચે
વૈશ્વિક બજારોમાં સુસ્ત માહોલ વચ્ચે ભારતીય શેરબજારે સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ જાળવી હતી. ઇન્ટ્રા-ડે નોંધપાત્ર વધ-ઘટ પછી બુલ્સ મેદાનમાં પરત ર્ફ્યાં હતાં અને જોતજોતામાં બેન્ચમાર્ક્સ પોઝિટિવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3,791 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1,955 કાઉન્ટર્સ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1,682 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 287 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 13 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યા હતાં. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.4 ટકા ગગડી 10.67ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે પોઝિટિવ ઓપનિંગ દર્શાવ્યાં પછી સ્થાનિક બજાર મોટાભાગના સમયગાળા દરમિયાન નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવતું જોવા મળ્યું હતું. જોકે આખરી દોઢેક કલાકમાં તેજીવાળાઓએ ભારે ખરીદી કાઢતાં બેન્ચમાર્ક નિફ્ટી 19,600ને પાર કરી ગયો હતો. જે એક મહત્ત્વનો બ્રેકઆઉટ ગણી શકાય. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર 64 પોઈન્ટ્સ પ્રીમિયમ સાથે 19,665ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 75 પોઈન્ટ્સના પ્રીમિયમ સામે ઘટાડો સૂચવે છે. એનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં કોઈ લોંગ પોઝિશનનો ઉમેરો જોવા મળ્યો નથી. જે લાંબી તેજી નથી સૂચવતું. માર્કેટમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જાળવવું જરૂરી છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સ 19,600 ઉપર હવે 19,800-20,000ની રેન્જમાં નિફ્ટી ટ્રેડ દર્શાવે તેવી શક્યતા દર્શાવી રહ્યાં છે.
નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં તાતા કન્ઝયૂમર, ડિવિઝ લેબ્સ, ભારતી એરટેલ, સિપ્લા, એચડીએફ્સી બેંક, ટાઈટન કંપની, બ્રિટાનિયા, એચડીએફ્સી લાઈફ્, એપોલો હોસ્પિટલ અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એક્સિસ બેંક, હિંદાલ્કો, તાતા સ્ટીલ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, જિયો ફઈનાન્સિયલ, ગ્રાસિમ, મારુતિ સુઝુકીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. જો સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફ્એમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મેટલ, બેન્કિંગ, આઈટી, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી એફ્એમસીજી 1 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં તાતા કન્ઝયૂમર, યુનાઇટેડ સ્પિરિટ્સ, મેરિકો, કોલગેટ, પીએન્ડજી, જ્યુબિલીઅન્ટ ફૂડ, ઈમામી, બ્રિટાનિયા, આઈટીસી અને એચયુએલ જેવા કાઉન્ટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.9 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં ટોરેન્ટ ફાર્મા, ડિવિઝ લેબ્સ, લ્યૂપિન, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, બાયોકોન, ઝાયડસ લાઈફ્, આલ્કેમ લેબમાં નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. બીજી બાજુ બેંક નિફ્ટી સતત બીજા દિવસે નરમ જોવા મળ્યો હતો. જેમાં પીએનબી, એક્સિસ બેંક, આઈડીએફ્સી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, એસબીઆઈ, બેંક ઓફ્ બરોડા, બંધન બેંક નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી મેટલ પણ 0.8 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેની પાછળ સેઈલ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, મોઈલ, જિંદાલ સ્ટીલ, નાલ્કો, એનએમડીસી, હિંદુસ્તાન ઝીંક જેવા કાઉન્ટર્સમાં ઘટાડો જવાબદાર હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જમાં ફિનિક્સ મિલ્સ, સોભા, પ્રેસ્ટિજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટર., ડીએલએફ્, ગોદરેજ પ્રોપર્ટીઝ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. શેર લાંબા સમયગાળા પછી દ્વિઅંકી જોવા મળ્યો હતો. આ ઉપરાંત પેટ્રોનેટ એલએનજી, ઈન્ડુસ ટાવર્સ, મહાનગર ગેસ, સિન્જિન, તાતા કન્ઝયૂમર, વોલ્ટાસ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, એસ્કોર્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ટોરેન્ટ ફાર્મા, ઈન્ડિયન હોટેલ્સ જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, હિંદ કોપર, ડિક્સોન ટેક્નોલોજી, મણ્ણાપુરમ ફિન, એબી કેપિટલ, પીએનબી, સેઈલ, આરઈસી, ભેલ, એમ્ફેસિસમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષઇક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં વોડાફોન, પેટ્રોનેટ એલએનજી, ત્રિવેણી એન્જિ, કેસ્ટ્રોલનો સમાવેશ થતો હતો.