- નિફ્ટીએ 20 હજારની સપાટી ગુમાવી
- વોલેટિલિટી ઇન્ડેક્સ 2.6 ટકા ગગડી 11.12ના સ્તરે
- પીએસઈ સિવાય તમામ સેગમેન્ટ્સમાં નરમાઈ
યુએસ ફેડ રિઝર્વ તરફથી બુધવારે રાતે મિટિંગની જાહેરાત અગાઉ શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી. એશિયન બજારોમાં સાધારણ નરમાઈ વચ્ચે ભારતીય બેન્ચમાર્કસ એક ટકાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 796 પોઇન્ટ્સ ગગડી 66,800.84ની સપાટીએ જ્યારે નિફ્ટી 232 પોઇન્ટ્સ ગગડી 19,901ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3,803 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2,112 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1,549 કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. 198 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ બનાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઇન્ડેક્સ 2.6 ટકા ગગડી 11.12ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ માર્કેટમાં નરમાઈ વચ્ચે બુધવારે એશિયન બજારો નેગેટિવ ટ્રેડ સૂચવતાં હતાં. જેને કારણે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-ડાઉન ઓપનિંગ સાથે 20 હજારની નીચે જ કામકાજની શરૂઆત કરી હતી. શરૂઆતી દોરમાં એકવાર 20,051ની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી બેન્ચમાર્ક દિવસ દરમિયાન સતત ઘટતો રહ્યો હતો. જ્યારે આખરી દોઢ કલાકમાં તે તળિયા નજીક જ પડયાં રહ્યાં પછી 19,900નું લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર 71 પોઇન્ટ્સના પ્રીમિયમ સાથે 19,972ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 37 પોઇન્ટ્સના પ્રીમિયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જે ઘટાડે લોંગ પોઝિશનમાં ઉમેરાનો સંકેત છે. જો યુએસ ફેડ તરફથી કોઈ પોઝિટિવ સરપ્રાઈઝ જોવા મળશે તો ગુરુવારે માર્કેટ ગેપ-અપ ઓપનિંગ દર્શાવે તેવી પૂરી શક્યતા છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે 19,700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવી શકાય છે. બેન્ચમાર્ક 20,200 પર એક નવી ટોચ બનાવી શકે છે. જોકે, સમગ્રતયા માર્કેટમાં ઓક્ટોબરમાં ઘટાડો બેસે છે અને તેથી ઊંચા મથાળે પ્રોફિટ બુક કરતાં રહેવાનું એનાલિસ્ટ્સ સૂચવે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, સન ફાર્મા, આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેંક, એનટીપીસી અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ એચડીએફસી બેંકમાં 4 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત જેએસડબ્લ્યૂ સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એસબીઆઈ લાઈફ્, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી લાઈફ્, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને બ્રિટાનિયામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એકમાત્ર નિફ્ટી પીએસઈ પોઝિટિવ બંધ જોવા મળ્યો હતો. એ સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આરઈસી, કોલ ઈન્ડિયા, કોન્કોર, ઓએનજીસી, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એનટીપીસી, ગેઈલનો સમાવેશ થતો હતો. જોકે, ભેલ, બીપીસીએલ, ભારત ઈલે., ઓઈલ ઈન્ડિયા, સેઈલ, આઈઆરસીટીસી, નાલ્કો, આઈઓસી, એનએમડીસીમાં ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી મેટલ 1.7 ટકા સાથે ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતો. જેના ઘટકોમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ 3 ટકા આસપાસ ગગડયો હતો. આ ઉપરાંત વેદાંત, જિંદાલ સ્ટીલ, મોઈલ, તાતા સ્ટીલ, સેઈલ અ હિંદાલ્કોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક પણ 1.3 ટકા જેટલો ગગડયો હતો. જેના ઘટકોમાં એચડીએફસી બેંક, બેંક ઓફ્ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, પીએનબી, કોટક મહિન્દ્રા અને એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક પણ એક ટકાથી વધુ ગગડયો હતો. જેમાં યુકો બેંક, આઈઓબી, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ્ મહારાષ્ટ્ર, બેંક ઓફ્ ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ્સ પર નજર નાખીએ તો એયુ સ્મોલ ફાઈ. બેંક 3.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પાલિકેબ, એમએન્ડએમ ફાઈ. સર્વિસિઝ, ડૉ. લાલ પેથલેબ્સ, પાવર ગ્રીડ કોર્પો., એપોલો ટાયર્સ, આરઈસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આઈડીએફ્સી, હિંદ કોપર, કોલ ઈન્ડિયા, વોડફોન આઈડિયા અને કોન્કોરમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એચડીએફ્સી બેંક, જેકે સિમેન્ટ, ઝાયડસ લાઈફ્, મણ્ણાપુરમ ફાઈ., જેએસડબ્લ્યૂ સ્ટીલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, મૂથૂત ફાઈનાન્સ, કોફોર્જ, ભેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં બ્લ્યૂ સ્ટાર, એસજેવીએન, વેરોક એન્જિનિયર, અપાર ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યોરન્સ, કોલ ઈન્ડિયા, બર્ગર પેઈન્ટ્સ, યુનિયન બેંક, વેલસ્પન કોર્પ, ત્રિવેણી ટર્બાઈનનો સમાવેશ થતો હતો.