- AC હેલમેટમાં ધૂળ, તડકા અને પ્રદૂષણથી પોલીસકર્મીઓને રાહત આપે છે
- હેલમેટ લેવાનો હેતુ માત્ર પોલીસનેગરમીથી છૂટકારો મળે તેનો છે
- અમદાવાદ ટ્રાફ્કિ પોલીસે પ્રારંભિક ધોરણે ત્રણ એસી હેલમેટ વસાવાયા
ટ્રાફ્કિ પોલીસની સતત ફરિયાદ રહેતી હોય છે કે પોતે ગરમી, ઠંડી અને ચોમાસામાં પણ ફરજ બજાવે છે, જોકે તેમની આ સમસ્યાઓ પર બહુ લાંબા સમય પછી કોઈનું ધ્યાન પડયું હોય એવું લાગી રહ્યું છે. તેમને વરસાદથી બચાવવા તેમને રેઈનકોટ મળે છે, તેમને ઠંડીથી બચાવવા જેકેટ કે સ્વેટર મળે છે. હાલમાં ગુજરાતના અમદાવાદમાં ટ્રાફ્કિ પોલીસ માટે એક અનોખી સુવિધા શરૂ કરવાનું નક્કી કરાયું છે. જેમાં તેમને ઉનાળાના સમયે થતી પરેશાનીનો હલ શોધવાનો પ્રયત્ન કરાયો છે. તેના માટે પ્રારંભિક ધોરણે ત્રણ એસી હેલમેટ વસાવાયા છે. આ હેલમેટ લેવાનો હેતુ માત્ર પોલીસને ગરમીથી છૂટકારો મળે તેનો છે. જોકે આ હેલમેટ તેમને પ્રદૂષણથી પણ બચાવી શકશે.
હેલમેટની વિશેષતાઓ શું? । ટ્રાફ્કિ પોલીસ માટે એસી હેલમેટ વસાવાયા છે. જે પોલીસને ઠંડો પવન આપશે અને ગરમીથી બચાવશે. આ હેલમેટ બેટરી ઓપરેટેડ છે, જેથી તેને ચાર્જ કરી શકાશે. હેલમેટમાં રહેલા ગ્લાસથી રોડ પર ડયૂટી દરમિયાન તેમની આંખ અને નાકને પણ બચાવીને તેમને ધૂળ, તડકા અને પ્રદૂષણથી સુરક્ષા મળશે. આ હેલમેટ એક બેટરી સાથે જોડાયેલું છે. હાલ આ હેલમેટ પોલીસને માટે ફયદારૂપ છે કે નહીં તેને લઈને હાલ પ્રારંભિક ધોરણે માત્ર ત્રણ હેલમેટ લેવાયા છે. તે કેટલા સફ્ળ રહે છે તે જોઈને આગળની વિધિ નક્કી કરવામાં આવશે. હાલ અમદાવાદના નાના ચિલોડા, પિરાણા ક્રોસ રોડ અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક એક પોલીસ કર્મચારીને આ હેલમેટ અપાયા છે.તેની ડિઝાઈન સામાન્ય હેલમેટ જેવી જ છે, ખાસ વાત એ છે કે તેમાં એસી સાથે પંખો મુકાયેલો છે. બેટરીનો વાયર હેલમેટ સાથે અને બેટરી એક અલગ કવરમાં જોડાયેલી છે. અમદાવાદ શહેર પોલીસની આ પહેલને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની કવાયત હાથ ધરાશે. એસીવાળા હેલમેટની સાથે ગરમીમાં રાહત આપે તેવા અન્ય સ્માર્ટ ગેઝેટનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સાથે એજ્યુકેશન ઈન્સ્ટિટયૂટો સાથે મળીને સ્માર્ટ ગેઝેટ વિકસાવવાની પહેલ પણ હાથ ધરવામાં આવી છે.










