• મિડ-કેપ્સ, સ્મોલ-કેપ્સમાં તેજી ક્વોલિટી IPO પાછળ રિટેલ ઈન્વેસ્ટર્સ સક્રિય

  • જૂનના અંતે કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12.051 કરોડ પર પહોંચી
  • જૂનમાં BSC-NSCનું સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર 67,491 કરોડ

ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર મહિનાથી જોવા મળી રહેલી તેજી રિટેલ ઈન્વેસ્ટર્સને માર્કેટમાં પરત લાવવામાં સફળ રહી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટના ઊંચા આઉટપરફોર્મન્સ તેમજ પ્રાઇમરી માર્કેટમાં કેટલાંક ક્વોલિટી આઈપીઓની પ્રવેશને કારણે પણ નવા ઈન્વેસ્ટર્સ બજારમાં પ્રવેશી રહ્યાં છે. જેની અસરે જૂનમાં ડિમેટ ઓપનિંગ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે 13-મહિનાની ટોચ પર નોંધાયું હતું.

દેશમાં બે ડિપોઝિટરી સર્વિસ પ્રોવાઈડર્સ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી તરફથી પ્રાપ્ત ડેટા મુજબ જૂન મહિનામાં નવા 23.6 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ખૂલ્યા હતા. જે મે 2022 પછી માસિક ધોરણે સૌથી વધુ હતાં. મે 2022માં 23 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ખૂલ્યા હતા. જ્યારે મહિના અગાઉ મે 2022માં 21 લાખ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયા હતા. આમ માસિક ધોરણે 2.6 લાખ ડિમેટ એકાઉન્ટ્સ વધુ ખૂલ્યા હતા. જૂન મહિનાની આખરમાં દેશમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12.051 કરોડ પર જોવા મળી હતી. જે માસિક ધોરણે 2 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 24.41 ટકા વૃદ્ધિ સૂચવે છે.

એપ્રિલમાં નવા નાણાવર્ષની શરૂઆત સાથે જ શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. બેન્ચમાર્ક્સ નિફ્ટી શુક્રવારે 19,524ની તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે સેન્સેક્સ 65,898ની ઓલ-ટાઈમ હાઈ પર જોવા મળ્યો હતો. 28 માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટી 15 ટકાનું રિટર્ન દર્શાવી ચૂક્યા છે. તેમણે વૈશ્વિક બજારોની સરખામણીમાં તીવ્ર આઉટપરફોર્મન્સ નોંધાવ્યું છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ્સ સેગમેન્ટે લાર્જ-કેપ્સથી વધુ સારો દેખાવ કર્યો છે. બીએસઈ મિડ-કેપ ઈન્ડેક્સ 24 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 27 ટકાની તીવ્ર વૃદ્ધિ સૂચવી રહ્યો છે. કેલેન્ડર 2023ની વાત કરીએ નિફ્ટી 8 ટકાનું જ્યારે બીએસઈ મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 15-15 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે. આમ, બ્રોડ માર્કેટમાં લેવાલીને કારણે રિટેલ ઈન્વેસ્ટર્સ તરફથી સક્રિયતામાં વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત, આઈપીઓ માર્કેટ પણ રિવાઈવ થયું છે. મે અને જૂનમાં મેઈન બોર્ડ પર દસેક કંપનીઓએ પ્રીમિયમ સાથે લિસ્ટિંગ દર્શાવતાં પ્રાઇમરી માર્કેટ મારફતે પણ રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા. એમએસઈ પ્લેટફોર્મ પર પણ આઈપીઓમં ઊંચી સક્રિયતાને કારણે નવો વર્ગ બજારમાં પ્રવેશી રહ્યો છે. જૂનમાં પાંચ આઈપીઓએ રૂ. 2,588 કરોડ એકત્ર કર્યાં હતાં. જ્યારે કેલેન્ડર 2023માં એસએમઈ આઈપીઓએ રૂ. 1,804 કરોડ ઊભા કર્યાં હતાં.

એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી બજારમાં મજબૂતી જળવાશે ત્યાં સુધી નવા રિટેલ રોકાણકારોનું બજારમાં પ્રવેશવાનું ચાલુ રહેશે. કોવિડ પછી ભારતીય બજારમાં જોવા મળેલી તેજી પાછળ રોકાણકારોનો મોટો વર્ગ શેરબજારથી આકર્ષાયો હતો અને ત્રણ વર્ષોમાં દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 4.5 કરોડ પરથી વધુ 12 કરોડે પહોંચી ગયેલી જોવા મળે છે. જૂનમાં બીએસઈ અને એનએસઈનું સંયુક્ત સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 67,491 કરોડની એક વર્ષની ટોચ પર નોંધાયું હતું. જે વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ડેરિવેટિવ્સ માર્કેટની વાત કરીએ તો બંને પ્લેટફોર્મનું સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 259 લાખ કરોડ પર જોવા મળ્યું હતું.


  • Follow us on: