- યુએસ અર્થતંત્રમાં મંદીની શક્યતા વધતા સોનામાં ખરીદી જોવા મળે તેવી શક્યતા
- વિવિધ માર્કેટ નિરીક્ષકો ગોલ્ડમાં ન્યૂટ્રલથી બુલિશ ટ્રેન્ડ જોઈ રહ્યાં છે
- નિષ્ણાતોના મતે યુએસ અર્થતંત્ર મંદીમાં સરી પડે તેવી સંભાવના
સોનાના ભાવ કેલેન્ડરની આખરમાં વધવાતરફી બની રહે તેવી શક્યતા છે. નિષ્ણાતોના મતે યુએસ અર્થતંત્ર મંદીમાં સરી પડે તેવી સંભાવનાને જોતાં વ્યાજ દરમાં વૃદ્ધિમાં વિરામ જોવા મળશે, તેમજ ફેડ તરફ્થી રેટમાં ઘટાડો પણ સંભવ છે. જેને જોતાં ગોલ્ડમાં ખરીદી નીકળશે અને તે નવી ઊંચાઈ તરફ્ ગતિ કરતું જોવા મળે તેવું બની શકે.
ફિચ સોલ્યુશન્સની રિસર્ચ એજન્સી બીએમઆઈના જણાવ્યા મુજબ ચાલુ વર્ષની આખર તરફ્ અને કેલેન્ડર 2024માં રોકાણકારો તરફ્થી ગોલ્ડમાં ઈનફ્લો જોવા મળશે. જેની પાછળ ભાવમાં વૃદ્ધિ નોંધાશે. રિપોર્ટ મુજબ 2024ના પ્રથમ છ મહિના દરમિયાન યુએસ અર્થતંત્ર એક છીછરી મંદીમાં પ્રવેશશે અને યુએસ ફેડ તેની રેટ વૃદ્ધિને અટકાવશે. ઉપરાંત 2024માં રેટમાં ઘટાડાની શક્યતા પણ છે. કામા જ્વેલરીના એમડી કુલીન શાહના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં સ્થિર વલણ છતાં યુએસ ખાતે જોવા મળી રહેલા આર્થિક પડકારોને જોતાં ભાવમાં ઉછાળાનો આશાવાદ છે. યુએસ ખાતેથી રજૂ થયેલો નબળો આર્થિક ડેટા અર્થતંત્રમાં મંદીની શક્યતા દર્શાવે છે. જે યિલ્ડ કર્વની શક્યતા પણ સૂચવે છે. આવી સ્થિતિમાં ઐતિહાસિક રીતે ગોલ્ડે સારો દેખાવ જાળવ્યો છે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેની તાજી માર્કેટ કોમેન્ટરીમાં નોંધ્યું છે.
ચાલુ કેલેન્ડરના પ્રથમ આંઠ મહિનામાં તે 1,846 ડોલરથી 2,050 ડોલરની રેન્જમાં અથડાયેલું રહ્યું છે. મેમાં તેણે ક્ષણ માટે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જોકે, છેલ્લા ચાર મહિનાથી તે 1,900-2,000 ડોલરની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. ગયા સપ્તાહે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ તે 1,980 ડોલરની અગાઉના સપ્તાહની ટોચ પરથી 1,943 ડોલરના લેવલે પટકાયું હતું. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ્સ 1,900 ડોલરનો મજબૂત સપોર્ટ જોઈ રહ્યાં છે. તેમના મતે આ સપોર્ટ ગોલ્ડ માટે ખૂબ મહત્ત્વનો છે.
બીએમઆઈ તેના રિપોર્ટમાં નોંધે છે કે 2022ના ચોથા ક્વાર્ટરથી તે ગોલ્ડને લઈ ન્યૂટ્રલથી બુલિશ વલણ ધરાવતી હતી. જોકે, તાજેતરના મહિનાઓમાં તે ન્યૂટ્રલ બની છે. યુએસ ડોલરમાં નવેસરથી જોવા મળી રહેલી મજબૂતીને જોતાં આગામી કેટલાંક સપ્તાહોમાં ગોલ્ડમાં નરમાઈ જોવા મળી શકે છે. બોન્ડ યિલ્ડ્સ પણ ઊંચા સ્તરે જોવા મળી રહ્યાં છે. યુએસ ખાતે ઈન્ફ્લેશનમાં સાધારણ વૃદ્ધિ પાછળ ફેડ તરફ્થી વધુ એક રેટ વૃદ્ધિની શક્યતા પણ છે. ગયા સપ્તાહે યુએસ ડોલર છ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. ડોલરમાં મજબૂતી વખતે ગોલ્ડમાં નરમાઈ જોવા મળતી હોય છે. જોકે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ઓગસ્ટમાં મજબૂત ડોલર અને યિલ્ડ્સમાં વૃદ્ધિ વચ્ચે ગોલ્ડમાં માત્ર એક ટકાનો સાધારણ ઘટાડો નોંધાયો હતો. માર્કેટ હાલમાં વર્ષની આખર અગાઉ ફેડ તરફ્થી વધુ એક રેટ વૃદ્ધિની અટકળોમાં લાગ્યું છે. બીએમઆઈએ 2023 માટે તેનો 1,950 ડોલરના ગોલ્ડ પ્રાઈસ ટાર્ગેટને જાળવી રાખ્યો છે.