- એશિયા, યુરોપનાં બજારોમાં 2 ટકા સુધીનું તીવ્ર વેચાણ
- વોલેટિલિટી ઇન્ડેક્સ એક ટકો વધી 11.10ના સ્તરે
- પીએસઈ, મેટલ, ફાર્મા, રિઅલ્ટીમાં મજબૂતી
વિશ્વભરના શેરબજારોમાં નરમાઈ વચ્ચે ધનતેરસે ભારતીય શેરબજારે મજબૂતી દર્શાવી હતી. શુક્રવારે મોટાભાગના દિવસ દરમિયાન રેડિશ ટ્રેડ દર્શાવ્યાં પછી આખરી કલાકોમાં લેવાલી પાછળ તે ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 72 પોઈન્ટ્સ સુધરી 64,905ની સપાટીએ અને નિફ્ટી 30 પોઈન્ટ્સ સુધરી 19,425ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. બીએસઈ ખાતે 3,820 કાઉન્ટર્સમાંથી 1,918 કાઉન્ટર્સ પોઝિટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1,767 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 227 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 33 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા વધી 11.10ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે રાતે યુએસ ફેડ ચેરમેને ફરી એકવાર હોકિશ કોમેન્ટ કરી હતી. તેમણે વ્યાજ દરમાં ટોચ બની ગઈ હોવાની અટકળોને દૂર કરી હતી અને લાંબો સમય સુધી ઊંચા રેટ્સ માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જેન પાછળ એશિયન બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જેની અસરે શુક્રવારે સંવત 2079ના આખરી સત્રમાં માર્કેટે ગેપ-ડાઉન ઓપનિંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 19,395ના અગાઉના બંધ સામે 19,352ની સપાટીએ ખૂલી મોટાભાગનો દિવસ રેન્જમાં ટ્રેડ થયો હતો. જોકે, આખરી કલાકમાં કેટલાંક બ્લ્યૂચિપ્સમાં ખરીદી પાછળ તે ઊછળી 19,451ની ટોચ પર પહોંચ્યો હતો અને 19,400 પર જ બંધ રહ્યો હતો. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 19,100ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવવી જોઈએ. માર્કેટને 19,400-19,500ની રેન્જમાં અવરોધ નડી રહ્યો છે. જે પાર થશે તો નવા સંવતમાં તે વધુ સુધારો દર્શાવી શકે છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં એનટીપીસી, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, તાતા કન્ઝયૂમર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એચડીએફ્સી લાઈફ્, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, બ્રિટાનિયાનો સમાવેશ થાય છે. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, એચસીએલ ટેક્નોલોજી, ટાઈટન કંપની, હિંદાલ્કો, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, યુપીએલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ઓટો અને ઈન્ફોસિસમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસઈ, મેટલ, ફાર્મા, રિઅલ્ટીમાં મજબૂતી નોંધાઈ હતી. જ્યારે આઈટી, મીડિયામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.2 ટકા ઊછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએફ્સી, એનએમડીસી, ભેલ, આરઈસી, એનટીપીસી, ઓએનજીસી, હિંદુસ્તાન એરોનોટિક્સ, ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, સેઈલ, નાલ્કો, એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પો.માં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ પણ 0.7 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં વેદાંત, એનએમડીસી, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, વેલસ્પન કોર્પ, સેઈલ, નાલ્કો, મોઈલ, જેએસડબ્લ્યૂ સ્ટીલમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.71 ટકા ઊછળ્યો હતો. જેના ઘટકોમાં એનટીપીસી, ઓએનજીસી, તાતા પાવર, ગેઈલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડ.માં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં સતત ચોથા દિવસે સુધારો નોંધાયો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ્, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, સિપ્લા અને બાયોકોન મજબૂતી સૂચવતાં હતાં. જોકે, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટોમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.42 ટકા ગગડયો હતો.










