- આઈપીઓમાં રિટેલ તરફ થી રૂ. 55,516 હજાર કરોડના શેર્સ માટે અરજી કરવામાં આવી
- પબ્લિક ઇક્વિટી ફંડ રેઇઝિંગમાં વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ જોવા મળી
- ગયા વર્ષે કુલ 14 આઈપીઓ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 31 આઈપીઓ બજારમાં પ્રવેશ્યા
ચાલુ નાણાવર્ષ દરમિયાન પબ્લિક ઇક્વિટી ફંડ રેઇઝિંગમાં વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ જોવા મળી છે તેમ છતાં આઈપીઓ મારફતે ફંડ એકત્રીકરણમાં ઘટાડો નોંધાયો છે. 2023-24ના પ્રથમ છ મહિના દરમિઆન ભારતીય કંપનીઓએ આઈપીઓ મારફતે રૂ. 26,300 કરોડ ઊભાં કર્યાં છે. જે ગયા વર્ષે ઊભા કરવામાં આવેલા રૂ. 35,456 કરોડના ફ્ંડ્સ સામે ઘટાડો સૂચવે છે. જોકે, બીજી બાજુ સરેરાશ લિસ્ટિંગ લાભ ગયા વર્ષની સરખામણીમાં 29 ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. જેને કારણે રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
ગયા વર્ષે કુલ 14 આઈપીઓ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 31 આઈપીઓ બજારમાં પ્રવેશ્યા છે. જોકે, તેમણે ઊભા કરેલા ભંડોળની રકમ નીચી છે. જોકે, ગયા વર્ષે એલઆઈસીના આઈપીઓને બાકાત રાખીએ તો ચાલુ વર્ષે આઈપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રકમ 76 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે, ચાલુ વર્ષે સમગ્રતયા પબ્લિક ઇક્વિટી ફ્ંડ રેઇઝિંગ રૂ. 73,747 કરોડ પર રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43,694 કરોડ પર જોવા મળતું હતું.
ચાલુ વર્ષે મેઈન બોર્ડ પર મોટા આઈપીઓમાં મેનકાઈન્ડ ફાર્મા(રૂ. 4,326 કરોડ), જેએસડબ્લ્યૂ ઇન્ફ્રાસ્ટ્ક્ચર(રૂ. 2,800 કરોડ) અને આર.આર. કાબેલ(રૂ. 1,964 કરોડ)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી નાના આઈપીઓમાં પ્લાઝા વાયર્સ(રૂ. 67 કરોડ)નો સમાવેશ થાય છે. આઈપીઓની સરેરાશ સાઈઝ રૂ. 848 કરોડ રહી હતી. છ મહિનામાં બજારમાં પ્રવેશેલાં કુલ 31 આઈપીઓમાંથી 21 આઈપીઓ તો માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં પ્રવેશ્યા હતા. કુલ 31 આઈપીઓમાંથી માત્ર 1 આઈપીઓ ન્યૂ-એજ ટેક્નોલોજી કંપનીનો હતો.
બજારમાં પ્રવેશેલાં આઈપીઓમાંથી 28 આઈપીઓનો અભ્યાસ કરીએ તો 19 આઈપીઓ 10 ગણાથી વધુ ભરાયા હતા અને તેમણે સારો પ્રતિભાવ મેળવ્યો હતો. આમાંથી નવ આઈપીઓ 50 ગણાથી વધુ ભરાયાં હતાં. જ્યારે ચાર આઈપીઓ માત્ર ત્રણ ગણાથી વધુ ભરાયા હતાં. જ્યારે પાંચ આઈપીઓ એકથી ત્રણ ગણા ભરાયાં હતાં. એચએનઆઈ સેગમેન્ટ(રૂ. 2 લાખથી રૂ. 10 લાખ) તરફ થી પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડયો હતો અને 17 આઈપીઓમાં સેગમેન્ટનું ભરણું 10 ગણાથી વધુ ભરાયું હતું. ગયા વર્ષની સરખામણીમાં રિટેલ ઇન્વેસ્ટર્સનો પ્રતિભાવ પણ અસાધારણ રીતે વધ્યો હતો. આઈડિયા ફોર્જ માટે 22.29 લાખ સાથે સૌથી વધુ આઈપીઓ અરજી જોવા મળી હતી. જ્યારપછી એરોફ્લેક્સ માટે 21.62 લાખ અરજી અને એસબીએફ્સી ફાઇનાન્સ માટે 20.19 લાખ અરજી જોવા મળી હતી. આઈપીઓમાં રિટેલ તરફ થી રૂ. 55,516 હજાર કરોડના શેર્સ માટે અરજી કરવામાં આવી હતી. જે કુલ આઈપીઓ મોબિલાઇઝેશનના 118 ટકા જેટલી ઊંચી હતું. આ રેશિયો 2022-23માં 33 ટકા જેટલો હતો. જોકે, રિટેલને માત્ર રૂ. 6,506 કરોડના શેર્સની ફાળવણી કરવામાં આવી હતી. જે આઈપીઓ મોબિલાઇઝેશનના 26 ટકા રકમ હતી. જે પ્રમાણ 2022-23માં 28 ટકા પર હતું.
લિસ્ટિંગની બાબતમાં આઇડિયા ફોર્જે 93 ટકાનું અસાધારણ રિટર્ન આપ્યું હતું. જ્યાર પછીના ક્રમે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક(92 ટકા), નેટવેબ ટેક્નોલોજિસ(82 ટકા)નો સમાવેશ થાય છે. બુધવારે 28 આઈપીઓમાંથી 27 આઈપીઓ તેમના ઓફાર ભાવથી ઉપર ટ્રેડ દર્શાવતાં હતાં.